શિક્ષકનો ઋણભાર

બી. જે. મેડિકલ કૉલેજના મેડિસિન વિભાગના વડા અને સિનિયર પ્રૉફેસર ડૉ.સી.સી. ડામોરસાહેબનો સવારનો રાઉન્ડ ચાલુ હતો. તેમની સાથે રહેલા જુનિયર રેસિડન્ટ્સ, સિનિયર રેસિડન્ટ્સ, પોસ્ટ-ગ્રૅજ્યુએટ સ્ટુડન્ટ્‍સ, આસિસસ્ટન્ટ પ્રૉફેસર વગેરે મનમાં ગભરાઈ રહ્યા હતા. ડૉ. ડામોરસાહેબનું જ્ઞાન અને અનુભવ એટલાં વિશાળ હતાં કે કોઈ પણ ડૉક્ટરને રાઉન્ડમાં પ્રશ્ન પૂછીને ગભરાવી નાખતા. છતાં પણ તેમના રાઉન્ડમાં અઢળક શીખવા મળતું. તેથી બધા જ ડૉક્ટરો તેમના રાઉન્ડમાં જોડાવા તત્પર રહેતા.

બીજે માળે મેઈલ મૅડિકલ વૉર્ડમાં રાઉન્ડ ચાલુ હતો. ત્રીજા ખાટલે આવતાં સાહેબ અટકીને દર્દીને તાકી રહ્યા.

બ્યાસી વર્ષના કાકા, વધેલી દાઢી છતાં ભવ્ય કપાળ, વાળના ઠેકાણાં નહીં, ફાટી ગયેલાં કપડાં છતાં સારા ઘરના બુઝુર્ગ લાગતા હતા. જૂનું પણ સોનું તો સોનું જ છે, તેમ આ લઘરવઘર વૃદ્ધ પણ તેમના ચહેરા ઉપરના તેજ ઉપરથી વિદ્વાન લાગતા હતા. સાહેબે તેની હિસ્ટ્રી રેસિડન્ટ ડૉક્ટરને પૂછી.

‘સાહેબ, આમનું નામ છે કૃપાશંકર ત્રિવેદી, ઉંમર છે બ્યાસી વર્ષ, દાહોદ બાજુના ગામડામાં બહાર રઝળતા મળી આવેલ છે. આવ્યા ત્યારે સખત તાવ અને ન્યુમોનિયાથી ખમખમી ગયા હતા. વ્યવસાયે શિક્ષક હતા, ચોવીસ વર્ષ પહેલાં નિવૃત્ત થયા. શાળા પ્રાઈવેટ ટ્રસ્ટની હોવાથી પેન્શનની જોગવાઈ ન હતી, તેથી આવકનું સાધન કાંઈ ન હોવાથી ગામડામાં માગી ભીખીને ગુજરાન ચલાવી રહ્યા હતા.’ રેસિડન્ટ ડૉક્ટરે એકીશ્વાસે તમામ હિસ્ટ્રી વાંચી સંભળાવી.

‘તેમના કુટુંબમાં કોઈ નથી?’ ડામોરસાહેબ પ્રશ્ન પૂછીને ભૂતકાળમાં ડૂબી ગયા. વર્ષો પહેલાંના દાહોદની બાજુના રામપુરા ગામમાં રહેતું ગરીબ આદિવાસી કુટુંબ તેમની નજર સામે તરવરી ઊઠ્યું. બાપ દારૂડિયો હોવાથી જુવાન ઉંમરે લીવર ફેઈલ થતાં ગુજરી જવાથી માતા દિવાળીબહેન ઉપર તેમના એકના એક દીકરા ચકાના ભણતા અને ગુજરાનો ભાર આવી પડ્યો. રસ્તાની સાફસફાઈ અને લોકોનાં કપડાં-વાસણ કરી માંડમાંડ દિવાળીબહેન ગુજારો કરતાં. તેનાં દીકરાનું નામ હતું ચતુરભાઈ ચીમનભાઈ ડામોર પણ ગામમાં બધા તેને ચકો જ કહેતા હતા.

ચકાભાઈ ભણવામાં હોશિયાર હતા. બારમા ધોરણમાં બૉર્ડમાં બાણું ટકા સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ હતા. પણ હવે દિવાળીબહેનથી કામ થતું નહીં, તેથી તે ચકાને ભણવાનું બંધ કરીને પોતાના કામમાં જોતરાઈ જવાનો આગ્રહ કરતાં હતાં.

ચકાભાઈ તેની શાળાના તમામ શિક્ષકોના પ્રિય હતા, પણ કૃપાશંકર ત્રિવેદીની કૃપા તેની ઉપર સૌથી વધારે હતી. ચકાને મેરીટ લિસ્ટ પ્રમાણે બી. જે. મેડિકલ કૉલેજમાં એડમિશન મળતું હતું, પણ માતાના આગ્રહથી તે દ્વિધામાં પડી ગયો. ત્રિવેદીસાહેબને ખબર પડતાં તે પોતે ચકાને ઘેર દિવાળીબહેને મનાવવા આવ્યા.

આદિવાસી વિસ્તારમાં બ્રાહ્મણસાહેબને આવેલા જોઈ તમામ વસ્તી ટોળે વળી ચકાને ઘેર આવી.

‘બહેન, તમે ચકાને મેડિકલમાં ભણાવી ડૉક્ટર બનાવો.’ ત્રિવેદીસાહેબે કહ્યું.

‘સાહેબ, હવે મારાથી કામ થતું નથી. તેથી ચકાને મેડિકલમાં ભણાવવાના પૈસા લાવું ક્યાંથી ?’ દિવાળીબહેને પોતાની વ્યથા ઠાલવી.

‘બહેન, તેની ચિંતા ના કરો. હું બનતી મદદ કરતો રહીશ, અને ચકાને તેની મેરીટ ઉપર સ્કોલરશિપ અપાવી દઈશ.’ ત્રિવેદીસાહેબે વિશ્વાસપૂર્વક કહ્યું.

સાચે જ ત્રિવેદીસાહેબે ચકાને સ્કૉલરશિપ અપાવી, તેના રહેવા, ખાવાપીવાનો પ્રબંધ કરી આપ્યો. વચ્ચે વચ્ચે દિવાળીબહેનને પણ મદદ કરતા રહ્યા.

ચકાભાઈ ભણીગણીને એમ.ડી. થઈ બી.જે. મેડિકલ કૉલેજમાં જ આસિ. પ્રૉફેસર બન્યા ને બીજે જ વર્ષે દિવાળીબહેને અંતિમ વિદાય લીધી ત્યારે કહેતાં ગયાં ‘બેટા, ત્રિવેદીસાહેબને લીધે જ તું આટલો મોટો સાહેબ થયો છે, નહિતર તું પણ રોડ સાફ કરતો હોત. તેનું ૠણ ભૂલતો નહીં.’

વર્ષોનાં વહાણાં વાયાં ને ચકાભાઈ બની ગયા ડૉ. સી.સી. ડામોરસાહેબ, પ્રોફેસર ઑફ મેડિસિન. સમય પણ કેવા ખેલ ખેલે છે? આજે વર્ષો પછી ત્રિવેદીસાહેબ મળ્યા પણ કેવી હાલતમાં ? ડામોરસાહેબથી હાયકારો નીકળી ગયો.

અચાનક રેસિડન્ટ ડૉક્ટરના જવાબથી સાહેબ પાછા વર્તમાનમાં આવી ગયા.

‘સાહેબ, આમનાં પત્નીનું ગયા વર્ષે અવસાન થવાથી એકલા જ છે. એક દીકરો હતો. તે ભણી ગણી ડૉક્ટર બનીને અમેરિકા ગયો ને ત્યાંની ગોરી મૅડમને પરણી ઈન્ડિયા અને મા-બાપને સાવ ભૂલી જ ગયો. ઘરનું ભાડું છ મહિના સુધી ન ભરવાથી તેમને ફૂટપાથ પર લાવી દીધા.’

‘સારું સારું, તેની સારામાં સારી સારવાર કરજો. તેમને ખાવાપીવામાં તકલીફ ના પડવી જોઈએ. કપડાં પણ ફાટેલાં છે, લો આ હજાર રૂપિયા, બે જોડી કપડાં અને બીજી કોઈ જરૂરિયાત માટે’ કહીને ડામોરસાહેબે રૂપિયા તેના રેસિડન્ટને આપ્યા. બધાને નવાઈ લાગતી હતી, સાહેબને આ બ્રાહ્મણ સાથે શું સંબંધ હશે ? ‘કેટલાક સંબંધોને બધા ક્યાં સમજી શકે છે ?’

સાંજે પાંચ વાગે સાહેબનો વૉર્ડમાં ફોન આવ્યો, ‘ત્રીજા ખાટલાના દર્દીને કેમ છે ?’ સિસ્ટર ગભરાઈ ગયાં. તેણે બધા રેસિડન્ટ ડૉક્ટરોને કોલ કરી બોલાવી લીધા, બધા સમજી ગયા સાહેબ આ દર્દી માટે ગમે ત્યારે આવી શકે છે, તેથી ખૂબ જ ચીવટથી ઘનિષ્ટ સારવારમાં લાગી ગયા.

ડામોરસાહેબની મહેનત અને સ્ટાફની ઘનિષ્ટ સારવારથી ત્રિવેદીકાકા છ દિવસમાં સારા થઈ ગયા. ત્રિવેદીકાકાએ સાંભળ્યું હતું કે ડૉક્ટરો બહુ સેવાભાવી અને માયાળુ હોય છે, પણ આ ડામોરસાહેબ, આટલી બધી માયા કેમ રાખે છે, તે સમજાતું ન હતું.

‘સાહેબ, આ ત્રિવેદીકાકાને રજા આપીશું તો તે જશે ક્યાં ? તેને તો કુટુંબ કે ઘર કંઈ જ નથી.’ રેસિડન્ટે મૂંઝવણ બતાવી. ડામોરસાહેબે બીજા દિવસે રજા આપવાનું કહ્યું.

બીજા દિવસે સવારે ડામોરસાહેબનાં પત્ની, ગાડી અને ડ્રાઈવર સાથે અગિયાર વાગે સિવિલમાં આવી ગયાં. ત્રિવેદીકાકાને રજા આપી. ડામોરસાહેબ પોતે હાથ પકડી બહાર લઈ જવા લાગ્યા. તેની પાછળ આખો સ્ટાફ મદદ કરવા દોડ્યો. ત્રિવેદીકાકા શરમથી પાણી પાણી થઈ ગયા, આખો વૉર્ડ વિચારી રહ્યો હતો આ ગરીબ બ્રાહ્મણ નસીબદાર છે, પણ તેમને ક્યાં ખબર હતી, ડામોરસાહેબ તેમનું ઋણ ઉતારી રહ્યા છે.

ત્રિવેદીકાકા વિચારી રહ્યા, આવડા મોટા અમદાવાદમાં હું કઈ ફૂટપાથ પર રહીશ, ભીખ માંગવા ક્યાં બેસીશ, અહીં તો પોલીસ બહુ હેરાન કરે છે. કદાચ એટલે જ સાહેબ વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા કરતા લાગે છે.
નીચે ગાડીમાં બેસતાં ત્રિવેદીકાકા હજુ ક્યાં જવાનું છે, તે સમજી શકતા ન હતા. તેમણે પૂછ્યું, ‘ડૉક્ટરસાહેબ, આપની ગાડીમાં મારે ક્યાં જવાનું છે ?’

અત્યાર સુધી રોકી રાખેલું રહસ્ય ડામોરસાહેબે ધીમેથી ખુલ્લું કર્યું, ‘માસ્તરસાહેબ, આપને યાદ છે, ત્રીસ વરસ પહેલાં ચકા નામના આદિવાસી છોકરાને તમે મદદ કરી ડૉક્ટર બનાવ્યો હતો. હવે તેને આ ઋણનો ભાર ઉતારવાની તક તો આપો. તમારે હવે મને સાહેબ નહીં, ચકો જ કહેવાનું છે. તમારે હવે અમારે ઘેર જ રહેવાનું છે.’ ચકાને યાદ કરતાં ત્રિવેદીસાહેબ રડી પડ્યા, ‘અરે, ચકા તું, આટલો મોટો સાહેબ બની ગયો છે ?’ તેમ કહી ગળે લગાડી દીધો.

ઋણનો ભાર ઊતરતાં ડામોરસાહેબ હલકાફૂલ થઈ ગયા. એકલવ્યએ તેનો અંગૂઠો ગુરુ દ્રોણને અર્પણ કર્યો, તેના કરતાં પણ તે વધારે આનંદ અનુભવતા હતા.
ઉપર વૉર્ડમાંથી ડૉક્ટર્સ સિસ્ટર્સ અને દર્દીઓ ગુરુશિષ્યનું અજોડ મિલન જોઈ રહ્યાં. એશિયાની સૌથી મોટી હૉસ્પિટલના પ્રૉફેસર પહેલી વખત ભિખારી દર્દીને પોતાની ગાડીમાં બેસાડી ઘેર લઈ જતા હતા.

(સંપર્ક : ગુંજન હૉસ્પિટલ, મિરઝાપુર ચોકી સામે, અમદવાદ – ૩૯૦ ૦૦૧, ફોન : (૦૭૯) ૨૫૬૨૨૦૭)

– ડૉ. હર્ષદભાઈ વી. કામદાર

સાભાર - કમલેશ દવે, રીડ ગુજરાતી ( અહીં ક્લિક કરો .)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *