- હીરલ શાહ
ઈ-વિદ્યાલયના આ નવા અવતારને માંડ વીસ દિવસ થયા છે. પણ આટલા ટૂંકા ગાળામાં વાચકોએ આપેલ ઉમળકા ભર્યા પ્રતિસાદથી અમે અભિભૂત થઈ ગયા છીએ.
બાળકો, કિશોરો, વાલીઓ અને શિક્ષકોને નવા જમાનાને અનુરૂપ પ્લેટફોર્મ પૂરું પાડવાનો અમારો સંકલ્પ દૃઢ બન્યો છે.
ઈ-વિદ્યાલયના વિચારનું બીજ શી રીતે રોપાયું તેની કથા આપ સૌને ગમશે ...
મારો એ યાદગાર અનુભવ
હું જયારે ધો પાંચ કે સાતમાં હતી ત્યારે એક દિવસ વાલી-દિનના દિવસે મારા વ્હાલા પપ્પા મારી સાથે શાળાએ આવેલા. પપ્પાની મુલાકાત મારા ગણિતના પ્રિય શિક્ષક (બધા શિક્ષકો માટે મને દિલથી આદર છે) સાથે થઇ. સાહેબે અને પપ્પાએ મારા વિશે થોડી વાતચીત કરી. પપ્પા, એ વખતે સવારે ઇ-ગ્રુપના કાર્યક્રમ જુએ, અને એમને એમાં ખુબ રસ પડે એટલે એમણે સાહેબને એક સૂચન કરેલું.
"તમે આવી કેસેટોથી ભણાવવાનું રાખોને! વિદ્યાર્થીઓને વધારે મજા આવશે અને તમારી મહેનત પણ બચશે. તમારે તો પછી માત્ર એમનાં સવાલોનાં જવાબ જ આપવાના, વધારે સમય જ્ઞાન સાથે ગમ્મત માટે મળશે. શિક્ષકો પણ નવા નવા પ્રોજેક્ટ્સ માટે વધારે સમય ફાળવી શકશે. બાળકોને પ્રાયોગિક જ્ઞાન (પ્રેક્ટિકલ નોલેજ) વધુ સારી રીતે આપી શકશો. તમે તો સરસ ગણિત ભણાવો છો, પણ છેવાડાના ગામોમાં પણ એ વિડિયો કેસેટથી બાળકો ભણી શકે."
હું તો આશ્ચર્યથી પપ્પાને જોઈ રહી! એક વિચાર આવ્યો કે, 'સાહેબને કદાચ ના પણ ગમે કે કોઈ વાલીએ આમ સૂચનો કરવાની શું જરૂર?' બીજો વિચાર આવ્યો કે 'વાહ, પપ્પા તો કેવું સરસ વિચારે છે?'
જો કે એ વિચાર પપ્પાને બોલવો સહેલો લાગેલો પણ ત્યારે આ વિચાર એટલો સહજતાથી અમલમાં મુકવો શક્ય નહોતો. ઘરે જતાં પપ્પાએ કીધેલું કે,
"બેટા, હમણાં ભલે આ બીબાંઢાળ પદ્ધતિએ ભણવું પડે છે, પણ આગળ જતા તમે વિદ્યાર્થીઓ જ આમાં બદલાવ લાવી શકશો."
ટેકનોલોજી તો દિવસે ને દિવસે કઇંક નવી શોધોને લઈને આવે છે. પણ મુશ્કેલી એ છે કે આ શોધો સમાજને વિશાળ પાયા પર જેટલી ઉપયોગી થઇ શકે એમ છે, એટલો એનો ઉપયોગ આપણે કરતાં નથી. આ આખા વાર્તાલાપની મારાં મન પર બહુ ઊંડી અસર પડેલી. મેં ત્યારે એક સપનું જોયેલું,
'હા, હું જરૂર આવું કંઈક નવું કરીશ. ટેકનોલોજી ભણીશ અને એનો સમાજમાં વિશાળ પાયે ઉપયોગ થઇ શકે એવું યોગદાન જરૂર આપીશ.'
Thanks to dear papa and technology.
આજે આ લખાણ મુકું છું ત્યારે મારી દીકરી જિના જે ઉત્સાહથી સુરેશ દાદાએ બનાવેલ ગુજરાતી શબ્દોનો વિડિયો માણી રહી છે, તે તમે સામે જોઈ શકશો. ઈ-વિદ્યાલયે બનાવેલ બીજા થોડાક વિડિયો પણ તમને ગમશે.
ઈ-વિદ્યાલયની ખ્વાહેશ છે ..
- બીબાં ઢાળ શિક્ષણ પદ્ધતિમાં વિશ્વ કક્ષાના પ્રવાહોને અનુરૂપ બદલાવ લાવવાની પ્રક્રિયામાં સહાય ભૂત થવું.
- વિવિધ પ્રકારની શિક્ષણ સામગ્રીઓ પીરસવી.
- ગુજરાતનાં ગામડે ગામડે, છેક છેવાડાની જગ્યાઓએ, અગરિયાઓને, આદિવાસીઓને, સ્લમમાં રહેતાં બાળકોને ઈ-માધ્યમો દ્વારા વિશ્વ કક્ષાનું શિક્ષણ પૂરું પાડવું.
- બાળકો, વાલીઓ, શિક્ષકોના પ્રશ્નોને , ઉલઝનોને વાચા મળે એ માટે એક મંચ ઊભો કરવો
આપ સૌને વિનંતી છે કે, આ પ્રયાસને ગુજરાતના ઘેર ઘેર પહોંચાડજો.
બાળકોના, વાલીઓના, શિક્ષકોના વિચારોને ઈ-વિદ્યાલયના આંગણમાં મ્હોરતા કરજો.
- હીરલ શાહ
તમારૂ કામ ચાલુ રાખો અમે તમારા સાથે છીએ
આપનું અભિયાન નવો રંગ અને ઉમંગ લાવશે..
ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
આપનો જ
કપિલ સતાણી
બોટાદ (ગુજરાત)
સંપર્ક – 9428117094
http://www.kapilsatani.com
બેન હિરલે ઈ-વિદ્યાલયનું જે બી વાવ્યું છે એને સૌએ મળી ખાતર પાણી સીંચીને માત્ર જીવતું જ નહી પણ કબીર વડની જેમ વિકસાવવાનું છે.ભાઈ શ્રી સુરેશભાઈ જેવા ઉંમરે વૃદ્ધ છતાં કાર્યમાં જુવાનની જેમ જે ઉત્સાહથી ઈ-વિદ્યાલયની વેબ સાઈટને નવો અવતાર આપીને આ ઉમદા કાર્યને વેગ આપી રહ્યા છે એ માટે બેન હીરલની સાથે સાથ તેઓને પણ અભિનંદન ઘટે છે.
એપ્રિલ ૧૭, ૨૦૧૪ ના રોજ વિનોદ વિહારમાં પોસ્ટ કરેલ મારા લેખમાં
હીરલના ઈ-વિદ્યાલય માટેના સ્વપ્ન અને એના ઉત્સાહની વાત કરવામાં આવી છે.
હિરલ શાહ અને એમના સ્વપ્નનું સર્જન ઈ-વિદ્યાલય ( એક પરિચય )
https://vinodvihar75.wordpress.com/2014/04/17/430-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B0%E0%AA%B2-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%8F%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A8%E0%AA%A8/
હિરલબેનના આ શૈક્ષણિક સેવા અભિયાનમાં, સહયોગ દેવા શ્રી સુરેશભાઈ જાની( યુએસએ) એ મોકલેલ ઈ મેલ સંદેશાથી , પ્રભાવિત થઈ, આ સાઈટ પર , સુશ્રી હિરલબેનના , વીડીઓને અપલોડ કરવા મેં તથા શ્રી વિનોદભાઈએ, તેમના માર્ગદર્શનમાં
પાયાનું કામ પૂર્ણ કરવાનું સૌભાગ્ય નળિયું . પણ ટેકનિકલ ક્રેશ થવાથી , નિરાશાના વાદળ છવાયા. શ્રી સુરેશભાઈ અદમ્ય ઉત્સાહથી ફરી નવચેતન સંચારી , એક સેવા અભિયાનના ખમતીધર ખેલાડી બની કામ કરી રહ્યા છે. સૌનો સહકાર એ સાચે જ આનંદના સમાચાર છે, નિવૃતવયે તમે જે ખુમારી અને સજ્જતા , ઈજનેર તરીકે દીપાવી છે, એ એક સહયોગી ઈજનેર તરીકે આનંદની ઘડી છે.
રમેશ પટેલ(આકાશદીપ)
)
વાહ બહેન, પપ્પાનુ સપનું પૂરૂં કરવાના તમારા પ્રયાસને સલામ.