બાળકને પોતાની રીતે વિકસતું રહેવા દેવું જોઈએ

  -   ડો. પ્રતાપ પંડ્યા

      અરવિન (ટેક્સાસ, યુ.એસ.) ના એરપોર્ટ પર બે કલાક અમારી ફ્લાઈટ મોડી હોવાથી રોકાવાનું થયું. મોટે ભાગે બધા અંગેજી ભાષી લોકો વચ્ચે બે કલાક પસાર કરવાનું મુશ્કેલ બની રહ્યું - પણ એક સુંદર ફેમિલીનો પરિચય થયો તેનો આનંદ અને અનુભવ પ્રેરણાદાયી છે.

      મારી નજીકની બેઠકમાં એક વિદેશી દંપતી તેના નાનાં બે  બાળકો સાથે બેઠું હતું. પતિ પત્નીની વાતો રસમય હતી. પેલા બે નાના બાળકોમાં ૮ વર્ષની છોકરી અને ૪ વર્ષનો છોકરો હતો. બંને રૂપાળાં હતા. સૌને ગમી જાય તેવા, ફૂલ જેવા બાળકોને જોઈ અમારું શિક્ષક હૃદય અને મન તેના તરફ મીટ માંડીને જોવા લાગ્યા. મનીષાએ(*) બે ત્રણ વખત મીઠી ટકોર કરી, "પપ્પા આમ એકધાર્યું અહીં પરદેશમાં કોઈ સામે જોઈ રહેવું  શિસ્તભંગ ગણાય છે; તો જરા ધ્યાન રાખજો. તેના માં-બાપ ઉપર કેવી અસર થાય છે - તેઓને કદાચ  ગમતું હોય એવું પણ બને. "

 ( * તેમની દીકરી)

    મારી મનીષા વચ્ચેની વાત જાપાની પતિ-પત્નીએ સાંભળી હશે; એટલે થોડીવાર પછી અમારા તરફ ફરી બાળકોની માતા  અમને અંગત ગણી ફરિયાદ કરી, " જુઓને! રિંકુને દોડવું છે, ફૂદવું છે અને પિન્ટુને બેઠા બેઠા બોલથી રમવું છે. તેના પપ્પા રિંકુને ફરજિયાત પિન્ટુ સાથે રમવાનો આગ્રહ કરે છે. પણ રિંકુ માનતી  નથી ને? હું તો કહું છું કે રિંકુને ગમે તે રમત રમવા દો. પિન્ટુને બોલથી તમે રમાડો..અને તમને ના ગમે તો હું પિન્ટુને બોલથી રમાડીશ. પણ રિંકુને જે ગમે તે કરવા દો .. પણ કેવા છે? મારુ કાંઈ માનતાજ નથીમારે શું કરવું તે સમજાતું નથી."

     

      આ બાળકોની માતાની ઉમર ૩૦ વર્ષની આસપાસ હશે પણ તેની બાળઉછેરની અને બાળવિકાસના શાસ્ત્રની ઊંડી સમજણ પ્રત્યે માન થયું. મેં મનીષાને દુભાષિયા તરીકે રાખી પિન્ટુની મમ્મી સાથે વાતો કરી. તેણે મને શાંતિથી સાંભળીને પોતાના પતિને મારી સાથે વાત કરવા કહ્યુંશરૂઆતમાં મેં આવા સુંદર રૂપાળાં ફૂલડાં ભગવાને આપ્યા છે તે બદલ તમે ભાગ્યશાળી છો એવું કહી ધન્યવાદ આપ્યા - ત્યારે બંને માતા-પિતાએ ઉભા થઈ અમને વંદન કર્યા

     અમે નવાઈ પામી ગયા. ૧૦૦ ટકા અમેરિકન દેખાતા પતિ પત્ની આટલાં નમ્ર - સમજદાર હોય તેવું માન્યામાં આવતું  હતું. મેં વિગતો પૂછીને જાણ્યું કે, તેના પિતાના પિતા (દાદા) ભારતના રહેવાસી હતા. ઘણા વર્ષો પહેલા દક્ષિણ આફ્રિકામાં વેપાર અર્થે ગયેલા. ત્યાંથી દક્ષિણ આફ્રિકા છોડી અમારા પહેલાં અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં આવી વસ્યા. રીતે મૂળ ભારતના . બાળકોના શિક્ષણ-વિકાસ માટે જે વાત પેલા બહેને કરી તે મને ખુબ  ગમી.

      હું નિવૃત્ત શિક્ષક-બાળશિક્ષણનો જ્ઞાતામને બધી ખબર પડે અને સત્ય એવું માનનારો શિક્ષક જીવ. એટલે મેં ગુજરાતમાં ગિજુભાઈ, તારાબેન, નાનાભાઈ ભટ્ટ વગેરે દક્ષિણામૂર્તિ હરભાઇ ત્રિવેદીની જ વાતો કરવાનું શરુ કર્યું. પણ મારા ધર્મપત્નીએ મને રોક્યો... "તક મળે એટલે પ્રવચન ચાલુ  કરવાની તમારી ખોટી ટેવ છે.  પેલાં બહેનને બોલવા દો, સાંભળો."

     મર્માળું હસીને અહમને બાજુ પર કરી મેં પેલા બાળકોની માતાને બોલવાની તક આપી. તેણે હસતાં હસતાં જે વાતો કરી તે લખું છું.

    માતાપિતાએ પોતાના નવજાત બાળકોની વૃત્તિઓને પારખવી જોઈએ. દરેક બાળકને તેની શૈશવ અવસ્થામાં માતા પિતા ઓળખવાનો પ્રયાસ કરે અને તેની  જે વૃત્તિઓ વર્તનમાં વધારે દેખાતી હોય તેને અનુરૂપ પ્રવૃત્તિ-રમત-પ્રતિભાવ મળે, તો બાળકો નો વિકાસ થાય અને બાળક માં રહેલ ગુણવિશેષ મૂલ્યોનું સ્વરૂપ ધારણ કરે છે. માતા-પિતાએ પોતાની ઈચ્છા, ગમો- અણગમો, માન્યતા કે રીત-રિવાજને મહત્વ આપી આપમેળે વિકસી રહેલ બાળકના વિકાસમાર્ગમાં બાધા લાવવાનો પ્રયત્ન કદાપિ કરવો જોઈએ નહિ.

     મારા આગ્રહથી બહેને બાળકોના શિક્ષણ વિશેની પોતાની જાણ શબ્દોમાં આપી. "બાળક જન્મે ત્યારે માતા-પિતાના વારસાગત લોહીના ગુણ, અવગુણો સાથે જુદી જુદી કુશળતા, આવડત અને કેટલીક વિશેષતાઓનાં બીજ પડેલાં કે આવેલાં હોય છે. દરેક બાળકમાં કોઈ ને કોઈ વિશેષ શક્તિબીજ હોય છે. ૧ થી ૬ વર્ષનું બાળક થાય, ત્યાં સુધી બાળક માતા-પિતાનું આચરણ સતત જોયા કરે છે; અને તેનું અનુકરણ કરવાનું કામ મહત્વનું ગણે છેબાળકોના ઉછેરમાં માતા-પિતાએ પોતાના આચરણ દ્વારા બાળકમાં રહેલા વિશેષ પ્રતિભા-બીજોની માવજત કરવાની છે.

     બીજની માવજત જેટલી પ્રેમ અને  હૂંફવાળી હશે, તે પ્રમાણે અંકુર ફૂટશે. છોડ થશે. તેમાંથી વૃક્ષ થશે. આપણા બાળકોની વિશેષ પ્રતિભા-આવડતને  ઓળખીને તેને વિકસવાની તક સમયસર આપીએ, તો બાળકનો સાચા અર્થ માં વિકાસ થઈ શકે. સંગીત, રમતગમત, નૃત્ય, ચિત્ર, શિલ્પ, લેખન-વાંચન જેવી વૃત્તિઓ નાના બાળક માં આપણે પારખી શકીએ છીએ. તેને ગમતી કળાસાહિત્ય, રમત, ચિત્ર કે પ્રવૃત્તિ વિકાસ માટે તમામ સગવડ, સાધનો અને તક આપીએ તો બાળકને પોતાની ઈચ્છા પ્રમાણે વિકસતા રહેવા દેવું જોઈએ તો બાળકોનો સર્વાંગી-સંપૂર્ણ વિકાસ થઈ શકે.

    આટલી વાત અંગ્રેજી ભાષામાં કરી, મનીષા તેનો અનુવાદ કરીને મને સમજાવતી ગઈ - હું તો માથું હલાવતો જ રહ્યો. છેલ્લે બહેને કહ્યું, "અંકલ,  પ્લીઝફૂલને ફૂલની રીતે વિકસવા દેવું જોઈએ, તેની વિકાસ પ્રક્રિયામાં સહાય કરવી તે સારી વાત છે પણ તે વિકાસ ને રૂંધવાનો આપણો અધિકાર નથી. તેમ બાળકને સ્વતંત્ર પોતાની રીતે વિકસવા દેવું જોઈએ." 

    બહેને ફરી અમને નમસ્તે કર્યાઅમારી ફલાઈટ પણ આવી ગઈ. બોર્ડિંગ થયું અને સિએટલ તરફ રવાના થયું. હું પેલાં બે સદ્દભાગી બાળકોની માતાને મનોમન વંદી રહ્યો.

 

 કોણ તમારી સાથે છે અને કોણ તમારી સામે છે એવી ભાંજગડમાં કદી પડશો નહિ. માત્ર એટલીજ કાળજી રાખો કે, ભગવાન તમારી સાથે છે કે કેમ? આનો જવાબ હકારાત્મક મળે તો, જગત જખ મારે છે.

  - પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ

      પ્રતાપભાઈના લેખમાં 'બાળકના ચૈત્ય તત્વમાં ધરબાઈને પડેલા બીજ' નો ઉલ્લેખ છે. એ અંગે ઈ-વિદ્યાલયના બીજની આ હૃદયસ્પર્શી સત્યકથા વાંચવા સૌ વાચકોને વિનંતી છે.

    આપણે સૌ સાથે મળીને  એ બીજના 'બાગબાન' થવાનો  હરખ માણીશું?  

3 thoughts on “બાળકને પોતાની રીતે વિકસતું રહેવા દેવું જોઈએ”

  1. ખૂબ જ પ્રેરણા મળે તેવા સુંદર વિચારો…જિંદગી અને મનુષ્ય નો જન્મ આપણને પ્રભુ તરફ થી મળેલી સર્વોત્તમ ભેટ છે…આપણું સંતાનો અને આપણું કુટુંબ એવું બને કે જીવન બાગ મેહકી ઉઠે..પ્રતાપભાઈએ ખૂબ સરળ ભાષામાં સુંદર રજુઆત કરી આપણને સૌ ને દિશા સૂચન કર્યું છે…e- vidhyalay ને ખૂબ અભિનંદન એવું યજ્ઞિય કાર્ય કરવા અંગે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *