રોલ નંબર ત્રણ..
યસ સર.. કહેતોક ને નીતેશ ઊભો થયો. ક્લાસમાં સૌથી હોશિયાર અને ચપળ વિદ્યાર્થી. એક સવાલ પૂછો તો ત્રણ ત્રણ જવાબ આપે. રમતગમત માં પણ આગળ અને ભણવામાં પણ આગળ. શરૂઆતમાં જોકે મેં એના પર ખાસ ધ્યાન નહોતું આપેલું પણ ધીરે ધીરે એની હરકતો મારું ધ્યાન ખેંચતી રહેલી.
એનું પ્રોફાઈલ પિક્ચર અનોખું રાખેલું. તેના ફોટામાં એક હાથે પ્લાસ્ટર હતું. એ વખતે શેરીમાં નિકળેલ એક રીક્ષાની પાછળ ટીંગાવા જતા પડી ગયેલો. પડોશમાં રહેતા છોકરાઓએ સમાચાર આપેલા કે નીતેશ એક મહિનો નહિ આવે. હાથ ભાંગ્યો છે એટલે સાજા થતા વાર લાગશે.
પણ થોડા દિવસ પછી મને એમ થયું કે રૂબરૂ નીતેશને જોઈ આવું તો સાચી પરિસ્થિતિ નો ખ્યાલ આવે.
એટલે મેં એમના પડોશમાં રહેતા છોકરાવને કહ્યું, ‘મને એમને ઘેર લઈ જશો ?’
છોકરાઓએ ના પાડી, મેં કારણ પૂછ્યું તો કહે, ‘એના ઘર પાસે એક કૂતરું કરડે છે. અમને બીક લાગે.’
પણ દૂરથી મને એનું ઘર બતાવવાની શરતે એ લોકો મને લઈ ગયા. એ રીતે હું ગયો ત્યારે પ્લાસ્ટરવાળા હાથ સાથે નીતેશ શેરીની બહાર મારી સામે મને લેવા આવ્યો ને કહે, ‘હુ કેમ સામે આવ્યો ખબર છે સાહેબ ? હું આવું તો શેરીનું કૂતરુ તમને કરડવા દઊં નહિ, એટલે આવ્યો.’
મને ઘરે આવેલો જોઈને એ ખુશ થયેલો. મેં એને સમજાવ્યું કે પ્લાસ્ટર તો ડાબા હાથે છે, વળી ચાલવામાં કઈં તકલીફ નથી, તો નિશાળે તો આવી શકાય. તને ફાવે તેવું કામ આપીશ. એ સમજી ગયેલો, બે દિવસ પછી નિશાળે આવવા લાગ્યો. અને બમણા ઉત્સાહથી ભણવા લાગ્યો. જો કે જમણા હાથથી લખવામાં એને મુશ્કેલી પડતી હતી ત્યારે મને ખ્યાલ આવ્યો કે એ ડાબેરી હતો !
- અજય ઓઝા