રોલ નંબર પાંચ..
કોઈ બોલ્યું નહિ એટલે મેં જરા મોટે અવાજે રીપીટ કર્યુ, ‘રોલ નંબર પાંચ..?’
‘એ નથી આવ્યો સાહેબ.. રોજ મોડો જ આવે છે.’ બીજા બાળકો બોલ્યા.
મને યાદ આવ્યું. થોડા મહિના પહેલા પણ આવું જ થયેલું. હું ત્રણ-ચાર વાર રોલ નંબર પાંચ ની બૂમ મારી પણ એ આવ્યો નહોતો. થોડી વાર રહીને ધીમે પગલે એ વર્ગમાં આવેલો.
મેં તરત જ રોક્યો, ‘કેમ આટલા મોડા મારા સાહેબ ?’
એ કંઈ બોલ્યો જ નહિ.
‘જા તારા મમ્મીને બોલાવી આવ.’ મેં કહ્યું. એનું ઘર નજીક જ હતું.
‘હું ઊઠ્યો ત્યારે મમ્મી ઘરે નો’તી.’ આટલું બોલી એ રડવા લાગ્યો.
‘અરે ? મમ્મી નહોતી એમાં રોવા માંડવાનું ભાઈ ? જા પપ્પાને લેતો આવ.’
‘ઈ પણ સવારથી રોવે જ છે સાયેબ..’ આંસુ લૂછતા એ બોલ્યો. આખા ક્લાસરૂમની સાથે મારાથી પણ હસી પડાયું, ‘પપ્પાયે રોવે છે ? તારી જેમ ?’
એ મારી સામે જોઈ રહ્યો, ‘હું બોલાવા નહિં જાઉં સાયેબ.’ એના દયામણા અવાજથી હું વધુ નારાજ થયો. ‘રહેવા દે, હું જ ફોન કરીને બોલાવું છું.. જા બેસી જા.’
મેં ટેબ્લેટમાંના એના પિતાના કોન્ટેકમાંથી એનો નંબર કાઢ્યો ને ફોન કરી એના પપ્પાને આવી જવા કહ્યું. જોકે છેક રીસેસના સમયે એ આવ્યા એ મને ગમ્યું નહોતું.
નાસ્તો કરવાનું મુલતવી રાખી મેં તેમની સાથે વાત શરૂ કરી, ‘જુઓ તમારું ઘર નિશાળની સાવ સામે છે ને તોયે તમારો છોકરો આમ મોડો આવે ? એટલે તમને બોલાવ્યા છે.’
ક્લાસમાં બાળકો નહોતા એટલે મારા સવાલને સાંભળ્યા વગર જ એ માણસ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. હું અચંબામાં પડી ગયો. આ પરિવારને રડવાનો આવો કોઈ માનસિક રોગ હોવાનું મારી જાણમાં નહોતું.
મેં પૂછ્યું, ‘થયું છે શું ?’ મેં એને ખુરશી પર બેસાડ્યા. મારી વૉટરબૅગનું પાણી આપ્યું. એ હળવા પડ્યા.
‘તમારાથી શું છુપાવું સાહેબ.. મહેશની મમ્મી..’
‘કેમ ? તેની મમ્મીને શું થયું ? ફરી ચોથી ડીલીવરી ? કે પછી કોઈ બીમારી ?’
‘ના સાહેબ, એ તો તમે કહેલું એમ નાના કુટુંબની વાત મેં બરાબર યાદ રાખી છે.’
‘તો ? તો થયું શું ?’
‘એની મમ્મી રાતે જ.. ભાગી ગઈ છે.. ધનસુખ સાથે.. એની સાથે હીરા ઘસતો.. નવી બાઈક લઈ રખડતો.. એની સાથે.. સાહેબ.. મેં સગ્ગી આંખે..’ એ ફરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. હું એના દર્દને સમજવા કોશિશ કરવા લાગ્યો. એની આંખમાંથી કચડાયેલા સપનાઓનો કાટમાળ ખરી રહ્યો હતો. મેં એને સાંત્વના આપી શાંત પાડ્યો.
જતા જતા કહેતો ગયો, ‘સાહેબ મહેશને આ વાત કરતા નહિ. હું થોડા દિવસમાં એને મનાવી પાછી લઈ આવીશ. નાનકાને સાથે લઈને ગઈ છે. મને એની ફિકર છે. હું મહેશને રોજ તૈયાર કરીને મોકલી દઈશ, જરા મોડું થાય તો સાચવી લેજો.’
તરછોડીને ચાલી ગયેલી પત્નીને મનાવી લાવવાના એના ભરોસાને મનોમન સલામ કરતા મેં એને ખાતરી આપી કે ‘મહેશની ચિંતા કરતા નહિ. હું તેનું ધ્યાન રાખીશ.’
તેના ચહેરા પર એક બેબસ બાપ અને એક લાચાર પતિની રેખાઓ આપસમાં જ ટકરાઈ રહી હતી એ મેં જોઈ હતી.
બસ એ દિવસે એની આંખોમા મેં આપેલા ભરોસાને યાદ કર્યો અને આજે હજુયે ક્લાસમાં પહોંચી ન શકેલા ગેરહાજર મહેશની હાજરી પૂરી દીધી.
- અજય ઓઝા