રોલ નંબર છ..
કોઈ બોલ્યું નહિ, એટલે મેં એના નામની જ મોટેથી બૂમ પાડી, ‘આય્યતી..!’
બીજા બાળકોએ પણ પડઘો પાડતા હોય એમ ‘આયતી..આયતી’ ચાલુ કર્યું. એટલે બહેનપણીઓ સાથે વાતોમાં મશગુલ આરતીને હોશ આવ્યા. બધા હસવા લાગ્યા.
‘યસ્સ સય્ય..’ ગભરાઈને એ તરત જ બોલી ગઈ. ગભરાવું એની કાયમી તાસીર હતી. એ સતત વિના કારણે આમ જ ગભરાતી રહે.
‘અરે આયતી, ગભરાય છે શું કામ ? તને જોઈને તો હું ગભરાઈ જાઉં છું.’ મેં કહ્યું.
એ ‘ર’ ને બદલે ‘ય’ બોલતી. શિક્ષક તરીકેની મારી અનેક મર્યાદાઓમાંની આ પણ એક હતી કે હું એને ‘ર’ નો સાચો ઉચ્ચાર શીખવી નહોતો શક્યો. ઊલટું હું જ એને આરતીને બદલે ‘આય્યતી’ કહેતો થઈ ગયેલો !
પ્રોફાઈલમાં પણ એનો ચહેરો તો ગભરાયેલો જ દેખાઈ આવે. અને એનો એ ગભરાયેલો ચહેરો જોઈ મને એ દિવસની ઘટના યાદ આવ્યા વિના રહે નહિ.
એ દિવસે શનિવારની પ્રાર્થનાસભા અને સાંસ્કૃતિક કાર્યક્રમ મેદાનમાં ચાલતો હતો. એ સમયે મને કશુંક કામ યાદ આવતા હું મારા ક્લાસરૂમમાં આવ્યો. મને અચાનક ક્લાસરૂમમાં આવતો જોઈને ત્યાં સંતાઈને બેસી રહેલી મારા ક્લાસની કેટલીક છોકરીઓ હું ખિજાઉં એ પહેલા જ દોડીને પ્રાર્થનામાં ચાલી ગઈ. હું રૂમમાં મારું કામ કરવા બેઠો.
થોડી મિનિટો થઈ હશે ત્યાં પેલી છોકરીઓ ફરી પાછી રૂમમાં આવી. મને કહે, ‘સાહેબ તમારે પ્રાર્થનામાં નથી આવવું ?’
‘કેમ ? કેમ પૂછવું પડ્યું ?’ મેં કહ્યું. એ છોકરીઓ પણ ગભરાયેલી હતી. હું રૂમમાં જ બેસીશ એવું લાગતા એ લોકોની ધીરજ ખૂટી ગઈ ને એમાની એકે દોડીને જાજમ મૂકવાના મોટા કબાટનું બારણું ખોલી નાખ્યું.
મારા આશ્ચર્ય વચ્ચે કબાટમાંથી આરતી બહાર આવી !
‘આરતી ?’ મારી રાડ ફાટી ગઈ. ‘તું કબાટમાં શું કરતી’તી ?’
અચાનક મને આખીયે ઘટનાની ગંભીરતા સમજાવા લાગી ને મારું હૃદય ધબકારા ચૂકવા માંડ્યુ. પેલી છોકરીઓ તરફ ગુસ્સે થઈ બોલ્યો, ‘તમે લોકોએ આરતીને કબાટમાં પૂરી દીધી ? આટલો વખત એ અંદર રહી શી રીતે ? તમને કંઈ વિચાર ન આવ્યો કે આ છોકરી અંદર ગૂંગળાઈ મરશે તો ?’
બધી છોકરીઓ ધૄજવા લાગી. ગભરાયેલી આરતી વચ્ચે બોલી, ‘સય..સય... મેં જ એને કીધું’તું.’
‘શું ? તેં જ એને કીધું’તું કે તને પૂરી દે ? આ કબાટમાં ? શું કામ ?’
‘સય, તમને આવતા જોયા ને એટલે મને બીક લાગી, તો મેં કીધું કે મને કબાટમાં પૂયી દ્યો, સય જાશે એટલે હુંય નિકળી જાઈશ. પણ તમે તો ગયા જ નહિ... એટલે..’
હવે એના બદલે ગભરાવાનો વારો મારો હતો. પરસેવો વળી ગયો. જો આ છોકરી વધુ સમય કબાટમાં રહી હોત તો એનું ને એના લીધે મારું શું થયું હોત એની કલ્પના મને કંપાવી ગઈ. જોકે એ ધારે તો અંદરથી અવાજ કરીને કે પાટુ મારીને કદાચ સરકારી કબાટ ખોલી શકે ખરી પણ અત્યંત ગભરાવાની એની આદત એને એવું કરતા રોકી રાખે એ વાત પણ એટલી જ સાચી હતી. એ દિવસથી મેં જાજમ માટેના કબાટને હંમેશ માટે તાળુ મારી દીધું ને એનો ઉપયોગ કરવાનું બંધ કરાવ્યું.
જો કે હિંમત હાર્યા વગર પ્રયત્નો હજી ય ચાલુ જ છે, આરતીની ગભરાહટને દૂર હટાવવાના અને તેને ‘ર’ નો સાચો ઉચ્ચાર શિખવવાના.. ક્યારેક તો સફળતા મળશે જ..
- અજય ઓઝા