સાડા એક અરેબિક છોકરી. અરબ ભાષામાં કદાચ એનો ઉચ્ચાર શાહદા થાય છે જેનો અર્થ ' ખુશી' થાય.
شهد
ગયા અઠવાડિએ લગભગ ત્રણ બાળકો મારા ક્લાસમાં નવા આવ્યા. એમા બે બાળકી અને એક બાળક. અમારા સ્પેશિયલ નીડ ક્લાસમાં બાળકો દાખલ થાય પહેલા માતા પિતા, શિક્ષક, સાયકોલોજિસ્ટ, સ્કુલ કાઉન્સિલર બધાની મીટિંગ થાય. બાળકની માનસિક અવસ્થા, શારિરીક તકલીફ વગેરેની ચર્ચા થાય, જેથી બાળક જ્યારે ક્લાસમાં આવે તો અમને થોડી એની પૂર્વભુમિકા ખબર હોય.
મીસ ડેલે જ્યારે અમને ખબર આપી કે, કાલથી એક નવી ચાર વર્ષની બાળકી સાડા આવવાની છે, ત્યારે અમારી કલ્પનામાં સામાન્ય રીતે જે ચાર વર્ષની બાળકી હોય એવી નાનકડી બાળકીનો અંદાજ હતો પણ જ્યારે સાડા આવી ત્યારે એને જોતા જ ખ્યાલ આવ્યો કે ઉમરના પ્રમાણ માં સાડા ઊંચી પહોળી અને મજબૂત લાગે છે.
મમ્મી તુર્કીશ અને પપ્પા અરેબિક, એમનુ સંતાન સાડા. સ્વાભાવિક જ દેખાવમાં રુપાળી અને ઘટાદાર સોનેરી વાળ. મમ્મી પપ્પા હોંશે હોંશે મુકવા આવ્યા. જરુરી સૂચના અને અને સ્પેશિયલ નીડની બસમાં ઘરે જવાની ગોઠવણ થઈ. સવારે પપ્પા પોતે મુકવા આવશે અને બપોરે બસમાં જશે એવું નક્કી થયું.
જેવા મમ્મી પપ્પા ક્લાસમાં થી બહાર ગયા કે સાડાએ પોક મુકી. રડવાનો અવાજ છેક આખા હોલમાં સંભળાય એટલો મોટો, સાથે ખુરસી ફેંકવાનુ અને ક્લાસમાં થી બહાર ભાગવાનો પ્રયત્ન. અવાજ સાંભળી અમારી મદદે બીજા બે શિક્ષકો દોડી આવ્યા. અડધા કલાકે મામલો શાંત પડ્યો.જ્યારે પ્લે એરિયામાં રમવા લઈ ગયા તો પાછા ક્લાસમાં આવતા એ જ તકલીફ. સાડા તો પાછી ક્લાસમાં આવવા તૈયાર નહિ. માંડ બે શિક્ષક મળી એને લઈ આવ્યા.
પહેલે દિવસે તો મમ્મી પપ્પા લેવા આવ્યા, પણ બીજે દિવસે બપોરે ઘરે જવાના સમયે જેવી સાડાને ક્લાસની બહાર લઈ ગયા અને બસમાં મુકવાનો પ્રયત્ન કર્યો કે જાણે ભુત જોયું હોય તેમ સજ્જડ થઈ એક ડગલું આગળ ન ભરે અને જોર જોરથી રડવાનુ ચાલુ થઈ ગયું. છેવટે પપ્પાને ફોન કર્યો અને લેવા આવવાનુ કહ્યું. બીજે દિવસે મમ્મીને કહ્યું તમે આવો અને એની સાથે બસમાં જાવ તો કદાચ સાડા બસમાં જવા તૈયાર થશે. મમ્મી તો આવી પણ સાથે સાડાનો નાનો ભાઈ સ્ટ્રોલરમાં લઈને આવી. હવે બસમાં તો સાડાના ભાઈને લઈ ના જવાય. નસીબજોગે મમ્મી સાથે એની મિત્ર પણ હતી એ નાના ભાઈને ગાડીમાં લઈ ગઈ, પણ સાડા તો મમ્મી સાથે પણ બસમાં જવા તૈયાર નહિ. માંડ માંડ બે જણાએ થઈ સાડાને બસમાં બેસાડી.
ત્રીજા દિવસે સવારે બસ ડ્રાઈવરે પણ ફરિયાદ કરવા માંડી કે, બસમાં સાડા જોરથી રડતી હતી અને ઊભા થઈ જવાનો પ્રયત્ન કરતી હતી.
અમારી મુંઝવણનો પાર નહિ, પણ આવાં બાળકોને બસની સગવડ તો મળવી જ જોઈએ, અધુરામાં પુરું એ દિવસે મીસ ડેલને પણ બીજે ટ્રૈનીંગ માટે જવાનુ હતું. હું અને મીસ ઈરા અમે બન્ને ગભરાતા હતા કે બપોરે શું થશે. અગમચેતી વાપરી અમે પ્રિન્સિપાલ અને અમારા સ્પેશિયલ નીડના હેડ મીસ ડિકન્સને કહી રાખ્યું હતું કે અમારી મદદે આવજો.
બપોર થઈ, બસ આવી અને સાડાબેન ખભે દફતર ભરાવી સડસડાટ કુચ કરતાં બસમાં જાતે દાખલ થઈ બેસી ગયા. અમારા બધાના મોઢા નવાઈથી ખુલા ના ખુલા રહી ગયા. એની મમ્મી તો આવી હતી પણ અમે એને સંતાઈને ઊભા રહેવા કહ્યું હતું. એની પણ નવાઈનો પાર નહોતો. એની આંખમાં પાણી આવી ગયા. પપ્પા માસ્ટર ડીગ્રી માટે સાંજની કોલેજમાં જાય અને મમ્મીને નાનકડા દિકરા સાથે સાડાને લેવા આવવું પડે તો ઘણી તકલીફ પડતી.
સાડામાં સમજણ ઘણી, પણ પોતાનુ ધાર્યું કરાવા ભેંકડો તાણવાનો રસ્તો એને ફાવી ગયો હતો. સ્વેટરના બટન ખોલી અમને બંધ કરવાનુ કહે. એકવાર, બેવાર અમે બંધ કરીએ અને એ ખોલીને પાછી આવીને ઊભી રહે, પણ અમે પણ આ બાળકોને શિસ્ત શીખવાડવાના રસ્તા જાણીએ. ત્રીજીવાર જ્યારે આવી તો અમે બટન બંધ કરવાની ના પાડી. અમારા હાથ ખેંચી મદદ કરવાનો પ્રયત્ન નકામો ગયો તો ભેંકડો તાણ્યો. પાંચ મિનિટ રડ્યા પછી લાગ્યું કે, અહી દાળ ગળે એમ નથી એટલે પોતાની જાતે બટન બંધ કરી બેસી ગઈ. બૂટ કાઢી ફરી પહેરાવવા માટે પાછળ પડે પણ અમે દાદ ના આપીએ એટલે જાતે પહેરવાનો પ્રયાસ કરે. અરેબિક કે તુર્કિશ ભાષામાં કઈં ને કઈં ગણગણ્યા કરે.
કહેવત છે ને કે, 'પારકી મા કાન વીંધે.' - એમ અમે પણ આ બાળકોની બીજી મા જેવા જ છીએ. માતા પિતા ઘણીવાર આ બાળકોને એમની અવસ્થાને કારણે આશા છોડી દે છે, પણ આ ચમકતા તારલા પોલિશ વગરના હીરા જેવા છે, અને મને આત્મસંતોષ મળે છે જ્યારે આ હીરાને ચમકતો કરવામાં હું પણ થોડો ભાગ ભજવું છું.
શું ખબર સાડા પણ ભવિષ્યમાં ચમકતો સિતારો બની પોતાના નામને સાર્થક કરી મમ્મી પપ્પાનુ ગૌરવ બને !
- શૈલા મુન્શા
નોંધ - નીચેના ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.