ચસકેલીની “અમર” ચૂંટણી

સાભાર - વેબ ગુર્જરી

જોશી હિતાર્થ

શાળા- દિવાન બલ્લુભાઈ શાળા, કાંકરિયા

એક નાનું એવું ગામ હતું. ગામનું નામ ડોબાપુર. ડોબાપુરમાં બધા ગાંડા રહે. તે ગામમાં સરપંચની ચૂંટણી દર વર્ષે યોજાય. જે સૌથી વધુ ગાંડો લાગે તેને સરપંચ બનાવાય.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામમાં ચૂંટણી આવી. બધા મૂર્ખાઓ પોતપોતાનો વૉટ આપવા ભેગા થયા. આ વખતે સરપંચના પદ માટે બધાંના મોઢે એક જ નામ હતું અને તે હતું, ‘ચમનલાલ ચીનુભાઈ ચસકેલી’ ઉર્ફે ‘છટક’.

ચસકેલી ગાંડા જોડે બાડો પણ રહેતો. તે રડે તો ડાબી આંખનું આંસુ પણ જમણા ગાલે જતું. 50 માણસની ભીડમાં પહેલી વ્યકિત કાંઈ પૂછે તો છેલ્લાને જોઈને જવાબ આપતો. જમતો હોય તો ચબડ-ચબડ અવાજ આજુબાજુના દસ ઘરમાં સંભળાય. માથામાં ગણ્યા ગાંઠ્યા સત્તર(17) વાળ. કાયમ ચડ્ડોને ઉપર ઝભ્ભો પહેરે, જે તેના ચડ્ડાને ઢાંકી દેતો. જમીન સુધી છેક જમીન સુધી લબડતું હોય એના ચડ્ડાનું નાડું. મહિને એકવાર નહાય. ભાઈ નીકળે તો આજુબાજુના પાંચ મિટરના વ્યાસમાં ગંધાય એવો કદરૂપો ને ગંદો કે બીજીવાર ના મળવાનું કે જોવાનું મન થાય. એવો આ બાડો.

ગામમાં વૉટની પ્રથા એવી કે જેણે જેને વૉટ આપવો હોય તે માટે તેના ગાલ ઉપર જોરથી લાફો મારવાનો. 1200 માણસની વસ્તી ધરાવતા ગામમાં આ વર્ષે ચસકેલીના ગાલ પર 1055 લાફા પડ્યા ને ગાલ ભલે સોજાઈ ગયો પણ જંગી બહુમતીથી આપણો ચસકેલી વિજયી પામ્યો. તેનો સત્કાર સમારંભ અને શપથ વિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમાં ચમનલાલ કૉલર વગરનું શર્ટ પહેરી જાણે ફાટેલા મોજામાંથી અંગૂઠો બહાર આવ્યો હોય તેવા તૈયાર થઈ ગામના પાદર વડના ઓટલે બિરાજમાન થયા.

ગાંડાઓની સ્પર્ધા રાખવામાં આવી. સ્પર્ધા એવી કે જેને જે પણ ખવડાવું હોય તમારે, તે ખવડાવવાનું પ્રેમથી કે જબરદસ્તીથી. લોકો જાતજાતની વસ્તુ લઈને એકબીજાની પાછળ દોડે. એમાં એક ગાંડો હાથમાં 2 કિલોની દૂધી લઈને જેના તેના મોંમાં ખોશે. આખરે એ દૂધી પૂરી થઈ અને તેને વિજયી ઘોસિત કરાયો. આ સમયે શહેરથી એક મંત્રી પણ આવેલા, તેમને અભિનંદન આપવા. તેમને હસ્તે સરપંચ ચમનલાલ ચસકેલીની શપથવિધિ કરાવી અને કહ્યું, “તમે ચસકેલીને મૂર્ખ અને ગાંડો સમજો છો પણ તેનાથી સમજુ કોઈ માણસ નથી.” બધાંએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધાં. પછી જ્યારે મંત્રીશ્રી રવાના થતા હતા. તેથી તેમની કાર પાસે પહોંચ્યા ત્યારે પાછળથી એક જોરથી લાફો પડ્યો. પાછળ જોયું તો બાડો હતો. તે કહે, “સાહેબ ! શાબાશી આપવા, પીઠ પર શાબાશી આપી.” મંત્રીશ્રી કશું બોલ્યા નહીં. ત્યાં તો ફરી પાછળથી જોરથી પથ્થર તેમના માથે વાગ્યો. પાછળ જોયું તો ચસકેલી દૂર ઊભો હતો અને ભાઈ બૂમ પાડીને કહે છે, “સાહેબ ! આવજો કહેવાનું ભૂલી ગયો. ગળું બેસેલું છે ને બૂમ નથી પડાતી.” ત્યારે મંત્રીશ્રીને લાગ્યું કે, “ના ગામવાળાએ સાચો મૂર્ખ પસંદ કર્યો છે.”

ચસકેલીના કિસ્સાઃ

C.C.C.નો અર્થ ચમનલાલ ચીનુલાલ ચસકેલી.

કાંઈ પહેરી લે

એક દિવસ ચમનલાલે ઘર ખરીદ્યું. એમાં ચમનલાલ અને બાડો રહે. બાડો મહિને નહાય. પણ નહાય ત્યારે તબિયતથી નહાય બે થી અઢી કલાક તો નહાવામાં જાય. એ દિવસે ચમનલાલને પણ પાદરે જવામાં મોડું થતું હતું. માટે ચમનલાલે બાડાને બાથરૂમ બહારથી કહ્યું, “એ ભાઈ જલદી નીકળ ! મારે મોડું થાય છે.” ત્યારે બાડો કાંઈ પણ પહેર્યા વગર બહાર આવ્યો. છટક કહે, “બાડા કાંઈ પહેરી તો લે !” તો બાડો બહાર ગયો અને ચંપલ પહેરીને આવી ગયો.

સ્વંયવર

ચસકેલી કુંવારો હતો. તે છોકરી ગોતે પણ તેને ગમે નહીં. કહેતો, “મારી પત્ની તો વિશ્વસુંદરી હશે.” આખું ગામ તેની પર હસતું. એક દિવસ તેણે સમાચાર પત્રમાં ઍડ વાંચી, ‘રાધાકૃષ્ણ મેરેજ બ્યુરો’. પોતાના માટે MissWorld જેવી પત્ની લાવવા બાડાને થયું, ‘લાય! જોઈજોઉં.’ તેણે ફોન લગાડ્યો સામેથી બોલ્યા, “બોલો ! શું કામ છે?” ચસકેલી કહે, “મારે MissWorld જેવી પત્ની જોઈએ છીએ.” સામે બહેને એડ્રેસ લીધું અને કહ્યું, “કાલે સવારે 8 વાગે તૈયાર રહેજો !” ચસકેલીએ આ વાતની આખા ગામમાં ઘોષણા કરાવી. 8 વાગ્યા ત્યારે ચસકેલી તૈયાર થઈ બહાર આવ્યો તો એક MissWorld જેવી છોકરીને આખું ગામ જોતું હતું. છોકરી કહે, “જો તેં મને પકડી લીધી તો હું તારી પત્ની !” આખો દિવસ ભાગ દોડ કરવા છતાં છોકરી હાથ ન આવી. છેવટે ચસકેલી નિરાશ થયો. બીજા દિવસે એ જ રીતે ઍડ આવી. ફરી એની એ જ વાતો દોહરાવવામાં આવી પણ ફરક એટલો હતો કે આ MissWorld નહીં પણ વિશ્વ સુંદરી હતી. 8 વાગે ચસકેલી બહાર આવ્યો અને જોયું તો વિશ્વ સુંદરી જેવી છોકરી કહે, “મને પકડ! પકડી પાડે તો હું તારી પત્ની ! છતાં ચસકેલી પકડી ન શક્યો. ત્રીજા દિવસે ફરી ઍડ આવી લખ્યું હતું, સારી અને સંસ્કારી પત્ની માટે ફોન કરો. પાનમસાલાવાળા જેમ પોતાના પડીકા પર લખેને, ‘આ ખાવાથી કેન્સર થાય છે.’ એવી જ રીતે આ ઍડમાં નીચે ઝીણા અક્ષરે લખ્યું હતું કે, ‘સુવાળી સુકન્યાની આશા ન રાખવી.’ હંમેશની જેમ આ વખતે પણ 8 વાગે ચસકેલીએ બારણું ખોલ્યું અને જોયું તો કાળી અને જાડી એક કદરૂપી લાગતી કન્યા બહાર ઊભી હતી. આજ સુધી પેલી બે કન્યાઓને જોઈને ગામ આખું ખુશ હતું. આજે કાંઈ ફરક નહોતો. ખાલી બે વસ્તુઓનો તફાવત હતો. અત્યારે આખું ગામ ચસકેલીને જોઈને હસતું હતું અને અવાજ આવતો હતો, “ભરાણો ! ભાઈ ભરાણો ! ચસકેલી તો ભરાણો.” આ વખતે કન્યાએ દરવખત કરતાં ઊંધું જ કહ્યું, “તું ભાગ, હું તને પકડું અને જો મેં તને પકડી પાડ્યો તોતું મારો વર !” છેલ્લે પેલી કન્યાએ ચસકેલીને પકડી પાડ્યો અને ચસકેલીના બેસણા કમ લગ્નમાં આખું ગામ રડ્યું અને હસ્યું.

લો નાખી દો

એકવાર ચસકેલી તેની પત્ની સાથે પાવાગઢ ફરવા ગયો. પર્વત ચઢતા રસ્તામાં તેના પત્નિની સ્લીપરની પટ્ટી નીકળી ગઈ. તેની પત્ની ચસકેલીને કહે, “લો આ નાખી દો ને !” ત્યારે આપણા ભાઈશ્રીએ આખેઆખી ચંપલ નાખી દીધી. પછી શું? ચસકેલીને તો બરોબરના ધોબાકા પડ્યા !!

સ્વર્ગ

એક દિવસ ચસકેલીના સાસરે હવન હતો. હવન પૂરો થયા બાદ પંડિતજી પૂછે, “કોને સ્વર્ગે જવું છે?” ચસકેલીના સસરા, સાસુ, સાળા, સાળાની પત્ની, તેમના છોકરાં તેમજ ચસકેલીના પત્નીએ આંગળી ઊંચી કરી. પંડિતજી ચસકેલીને કહે, “કેમ તમારે નથી જવું ?” ચસકેલી કહે, “આ બધાં જતાં રહે પછી મારું સ્વર્ગ અહીંયા જ છે.” ફરીથી પડ્યા ધોબાકા !!

મરી ગયા

ડોબાપુરમાં ભણવાની પ્રથા એવી કે જે ઘરડું થાય ત્યારે તે ભણવા જાય. ત્યારે ચસકેલીના ટીચરે તેને કહ્યું કે, “17મી સદીના વૈજ્ઞાનિકો વિશે કાંઈ કહે.” ચસકેલી કહે, “એ બધા મરી ગયા !”

ઈતિશ્રી ચસકેલીપુરાણ, ડોબાખંડાય સર્વસંપૂર્ણ.

નમો પાર્વતી પતે હરહર મહાદેવ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *