ચૌદ વર્ષનો એક ગરીબ છોકરો, ૧૭૮૪ની સાલમાં ગુજરાન શોધવા કચ્છથી કપાસ ભરીને જનારા વહાણમાં ચડીને મુંબઈ આવ્યો. જીવો એનું નામ. મુંબઈમાં ત્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની હકૂમત ચાલતી હતી. બંદર પર વહાણોના માલની હમાલીની આશા સાથે જીવો આ ટાપુ પર ઊતર્યો. મુંબઈ આવનારા ભાટિયાઓમાં આ પહેલો માણસ. પાસે એક થીંગડાંદાર ગોદડી અને એક જ જોડી કપડાં. ખિસ્સામાં એક પણ પાઈ નહીં.
એક વહાણ પાસે જઈને જીવો ઊભો રહ્યો. કપાસ-કરિયાણાંની ચડ-ઊતર થઈ હતી. પારસી મુકાદમે ભિખારી સમજીને એક પાઈ ફેંકી. જીવાએ કહ્યું : ‘પરદેશી છું, ભિખારી નથી. કોઈ ઓળખતું નથી. કામ જોઈએ છે. કામ કરીશ અને રોટી ખાઈશ.’
પારસીએ રોજનો એક આનો આપીને મજૂરોને પાણી પાવા રાખ્યો. આ છોકરો મહેનત મજૂરી કરતાં પૈસા બચાવી, ખંતીલો જીવરાજ કોન્ટ્રાક્ટર બન્યો. ૨૧ વર્ષનો થયો ત્યારે ઘર અને ઘોડા-ગાડીનો માલિક બન્યો, લગ્ન કર્યા. ૧૫ વર્ષ પછી કચ્છ ગયો ત્યારે સગાંવહાલાંને છુટા હાથે મદદ કરી.
ત્યાર બાદ અન્ય વેપાર કર્યા અને ખૂબ કમાયો. ૧૮૪૩ માં આ શેઠ જીવરાજ બાલુનું ૭૩મે વર્ષે અવસાન થયું, ત્યારે એ પચાસ લાખના આસામી હતા. અંગ્રેજ કંપની એમની પાસેથી વ્યાજે રૂપિયા લેતી.
સ્વમાન, ઈમાનદારી અને મહેનત ક્યારે પણ નકામી જતી નથી.
-પી. કે. દાવડા