રોલ નંબર સાત..
‘યસ સર્ર’ નરેશ બોલ્યો. હમેશ કરતા પણ બમણા ઉત્સાહથી અને ઊભો થઈ ને એ બોલ્યો, ‘યસ સરર..’ મારું ધ્યાન ખેંચવા માટેની એની હરકત બહુ સ્પષ્ટ જણાઈ આવી.
‘કેમ નરેશ.. આજે તો કંઈ બહુ ઉત્સાહ માં ? શું વાત છે ?’ મેં પૂછ્યું એટલે એ ફરી ઊભો થયો. મેં ધ્યાનથી જોયું તો તેણે આજે પહેલી જ વાર યુનિફોર્મ પહેર્યો હતો, નવો યુનિફોર્મ.
‘અરે વાહ, યુનિફોર્મ આવી ગયો ? બહુ સરસ ભાઈ.’ મેં શાબાશી આપી. પણ એ બેઠો નહિ, મારી પાસે આવ્યો. ‘સાયબ, ડ્રેસમાં મારો ફોટો..’
‘અરે હા, ચાલ નવા યુનિફોર્મમાં તારો ફોટો તો લેવાનો જ હોય ને.’ કહી મેં એનો ફોટો પાડ્યો અને ટેબ્લેટના રજીસ્ટરમાં એના પ્રોફાઈલમા સેટ કર્યો ત્યારે તેનો જૂનો ફોટો અને જૂની યાદોના એનીમેશન આપોઆપ આંખ સામે ‘પ્લે’ થવા લાગ્યા.
મારા વર્ગમાં નરેશ એક માત્ર એવો વિદ્યાર્થી હતો જેણે ક્યારેય યુનિફોર્મ પહેર્યો જ નહોતો. વરસે દહાડે બે જોડી યુનિફોર્મ માટે શિષ્યવૃત્તિના પૈસા દરેકને આપવામાં આવતા. એટલે ગરીબ મા-બાપ પણ પોતાના બાળકને યુનિફોર્મ અપાવી શકે. નરેશને પણ એ પૈસા મળતા.
હું દર વરસે નરેશના પપ્પાને બોલાવીને રૂબરૂ જ પૈસા આપતો અને ખાસ સૂચના આપતો કે આ વરસે આ પૈસામાંથી યુનિફોર્મ લેવાનો ભૂલશો નહિ. તેના પપ્પા સંમતિમાં માથું હલાવી પૈસા લઈ જાય, પણ યુનિફોર્મ અપાવે નહિ. નરેશને પૂછીએ તો એ કહે કે મને ખબર નથી, મારા પપ્પા ડ્રેસ અપાવે તો પહેરું ને. એના પપ્પાને પૂછું તો એ પણ વાત ઉડાવી દે, ‘ શું સાયેબ તમે પણ..? ડ્રેસ ન પેરે તો છોકરો ભણશે જ નહિ ? નો ભણે તોયે હું? અમારે તો મજૂરી જ કરવાની હોય ને !’
એકવાર તેના મમ્મી આવ્યા ત્યારે એણે ચોખવટ કરી, ‘શું કહુ સાહેબ ? આનો બાપ કમાતો ધમાતો કાંય નથી, ને રાત પડે પીવા જોવે. દારૂની લતે ચડી ગ્યો છે. તમે જે પૈસા આપો છો એ બધાયે એમા જ ઉડાડી દેય છે, કઈ કહીયે તો આપણને ય ધોલધપાટ કરે, આ નરિયાને ય મારે, હાથ ઉપાડી લે, શું કરવું ?’
પરિસ્થિતિ સમજવામાં મને વાર ન લાગી. મેં એમને કહ્યું, ‘જો પૈસા તમને જ મળે એવું કરીએ તો ? તમે નરેશને ડ્રેસ અપાવી શકશો ને ?’
‘હા, હા સાહેબ. એવું કરી દ્યો તો બધું હું માથે લઈ લઉં.’ નરેશના મમ્મી ખુશ થતા બોલ્યા.
મેં કહ્યું, ‘જુઓ, આ વરસથી શિષ્યવૃત્તિના પૈસા રોકડા મળવાના નથી. તમે નરેશનું બૅન્કમાં ખાતું ખોલાવો. અને એની સાથે તમારું નામ પણ ખાતામાં રાખવાનું. પૈસા માત્ર તમારી સહીથી જ મળી શકશે.’
મેં એમને બૅન્કમાં ખાતુ ખોલવા માટેની જરુરી વિધિ માટે મદદ કરી ખાતુ ખોલાવી આપ્યુ. આ વરસના પૈસા તેના ખાતામાં જમા થયા એટલે એમને નરેશ સાથે સમાચાર મોકલાવી દીધા હતા.
પછી તો હું પણ ભૂલી ગયો હતો, પણ આજે નરેશે નવો યુનિફોર્મ બતાવ્યો એટલે બધું તાજું થયું. ફોટો પડાવ્યા પછી પાછો કહે, ‘સાયબ, થોડા રૂપિયા વધ્યા છે, એ પાછા આપવાના છે કે મારે જ રાખવાના ?’
એની નિખાલસતા સ્પર્શી જાય એવી, મેં કહ્યું, ‘ભાઈ એ વધેલા પૈસાની તારે નોટબૂક લેવાની અને તારે જ વાપરવાના છે. પાછું કંઈ આપવાનું નથી.’ એ ખુશ થઈ ગયો ને પોતાની જગ્યાએ ધીમી ચાલે પહોંચ્યો.
યુનિફોર્મમાં એને જે ગર્વનો અહેસાસ થઈ રહ્યો હતો તે એના ચહેરા પર સાફ દેખાઈ રહ્યો હતો. નરેશનો ઉત્સાહ બેવડાયેલો જોઈ મેં એના પ્રોફાઈલમાં એક વાત નોંધી કે પરિસ્થિતિ સમજીને વાલીને સહયોગ આપીયે તો એટલા જ ઉત્સાહથી વાલી પણ સપોર્ટ કરતા જ હોય છે. ઘરમાં કોઈ એક વ્યક્તિ તો એવી સમજદાર મળી જ આવે જે આપણી વાત સમજે. અને બાળકનું શું ? બાળકને તો આખરે ભણવું જ હોય છે ને !
- અજય ઓઝા