- પ્રજ્ઞા દાદભાવાલા
પ્રિય પપ્પા ,
પપ્પા, તમે સદાય મારા માટે પૂજનીય છો.પણ મારા પ્રિય પપ્પા છો માટે આ સંબોધન કરું છું.
પપ્પા, આજે તમે મને ખુબ યાદ આવ્યા મારી દીકરી હવે બીજા સ્ટેટમાં ભણવા જશે.એ ખુબ મુંઝાય છે. મને કહે, "મમ્મી, તું ત્યાં નહિ હોય ત્યારે હું શું કરીશ? મારે જાતે રાંધવાનું, જાતે બધું કામ કરવાનું. કયારે કામ કરીશ અને કયારે હું ભણીશ ? It is too much. "
મેં કહ્યું, "તું અહીં હતી ત્યાં સુધી તને હું મદદ કરતી હતી, પણ તારે મારી ઉપર આટલો આધાર ન રાખવો જોઈએ."
ત્યારે તમારી કહેલી વાત યાદ આવી -
મારાં લગ્ન પછી તમે કહ્યું હતું, "તું હવે પરણીને સાસરે ગઈ છો. આમ વારે ઘડીએ મમ્મીને બધું પુછીને ક્યાં સુધી કરીશ? જો સંભાળ- તારી મમ્મી જ નહિં, ઈશ્વર પણ માનવીના અવલમ્બનરૂપ છે."
ત્યારે મેં કહ્યું હતું કે, "દોરી સીવાય વેલો ન ચઢે ને ?"
મારી આ દલીલનો જવાબ આપતાં તમે કહ્યું હતું કે, "મોટાભાગની વ્યક્તિઓ માટે અવલમ્બન જરૂરી હશે. પણ તેનાથી માત્ર તને રાહત રહેશે. તું જાતે તારું જીવન હવે શરુ કર તારે તારા પ્રૉબ્લેમ જાતેજ ઉકેલવા પડશે. આપણે ચાલણગાડી ચલાવતા બાળક જ રહેવાનુ છે, કે ટેકા વગર ચાલતા શીખવાનુ છે? મમ્મીની મદદ તને કદાચ દુઃખનું ભાન નહિં થવા દે, પણ આપણે તો પ્રશ્નનો કાયમનો ઉપાય શોધવાનો છે - જે માત્ર તું અને તું જ કરી શકીશ."
મેં પણ આજ વાત મારી દીકરીને કરી, "હું તને આગળ વધવા પ્રેમ હૂંફ અને સમજણથી ખાતર પાણી આપીશ. પણ હવે તારે દોરી સંચારની જરૂર નથી. તું માથું દુખે ત્યારે ઍસ્પિરિન લે છે ને ? ઍસ્પિરિનની ગોળી દુખનું ભાન થવા દેતી નથી. પણ તે રોગને દૂર પણ કરી શકતી નથી. જરુરી લાગતું હોય તો પણ આપણે અવલમ્બન સમજીને લેવું જોઈએ કે, તે માત્ર અવલમ્બન જ છે. વેલાને ઊગવા માટે ખાતર–પાણી જરૂરિયાત છે, પેલી દોરીની નહીં."
પપ્પા, ભૂમિ હવે કોલેજમાં સેટ થઇ ગઈ છે અને મારા સૂચન વગર ખુબ આગળ વધી રહી છે. એમના પ્રોફેસરને રિચર્સના પ્રોજેક્ટમાં મદદ કરે છે અને યાહૂમાં જોબ પણ મળી ગયો છે. હું વિચારી પણ નથી શકતી કે, મારી ભુલું આટલી મોટી થઇ ગઈ. એને માત્ર છાશ બનાવતા આવડતી હતી; અને તેમાં કેટલા પ્રશ્ન પૂછતી, 'કેટલું પાણી નાખું ?કેટલું દહીં ?કેટલીવાર વલોવું મમ્મી ? હજી વલોવું ? મમ્મી મારાથી પાણી વધુ પડ્યું ! ઓ ઓ જીરાળુ તો નાખતા જ ભુલી ગઈ।'
પપ્પા જીવનમાં હું અનુભવથી કોઈની ઉપર આધાર રાખ્યા વગર ઘણું શીખી તેમ એ પણ હોશિયાર થઇ ગઈ છે. તમે બધા ખુબ યાદ આવો છો.
જીવનમાં તમારા કહેલા શબ્દો મને ક્યારે કામ આવશે એની ખબર ત્યારે મને થોડી ખબર હતી?
- પ્રજ્ઞા દાદભાવાલા