વાત અમારા એબડિઆસની

   -   શૈલા મુન્શા

 

 

હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

   -  કવિ દલપતરામ

     ચાર વર્ષનો એબડિઆસ અમારા ક્લાસમાં થોડા વખત પહેલા જ આવ્યો.  નાનું બાળક  હોય કે પચાસ વર્ષનો પ્રૌઢ, સહુને મન “મા એ  મા બીજા બધાં વગડાના વા.”!એનો વહાલભર્યો હાથ માથે ફરે અને સઘળી આપદા દુર થઈ જાય! એબડિઆસ માટે પણ એની સઘળી વાતોનુ કેન્દ્ર એની મમ્મી.

     એબડિઆસ બીજા મેક્સિકન બાળકો જેવો જ નાનકડો રેશમી વાળ અને ગોળ ચહેરાવાળો બાળક છે, ફરક એટલો જ કે માતાની કાળજી અને દેખભાળ દેખાઈ આવે. સરસ ઈસ્ત્રીવાળો યુનિફોર્મ, સરસ રીતભાત. પહેલે દિવસે ક્લાસમા આવ્યો તો હું ને સમન્થા, જોતાં જ રહી ગયા. આ બાળક કેમ અમારા ક્લાસમાં છે? હસમુખો ચહેરો ક્લાસમાં સહુથી નવો પણ સહુથી હોશિયાર, સ્પષ્ટ ઉચ્ચાર, ને કેમ અહીં?

     થોડા વખતમા અમને ખ્યાલ આવી ગયો કે એબડિઆસ એક “Autistic” બાળક છે, જે દેખાવમાં તો બીજા સામાન્ય બાળક જેવો જ લાગે, પણ એનુ વર્તન, એની દિનચર્યા અમુક ઢાંચામા ગોઠવાયેલી હોય. એમાં ફેરફાર એનુ મગજ સહેલાઈથી અપનાવી ના શકે.

     અમારી સાથે તો એબડિઆસ થોડા દિવસમા હળીમળી ગયો, રોજ સવારે આવતાંની સાથે અમને  ગુડ મોર્નિંગ કહે, બીજા બાળકોને પણ કહે, પણ બધા જવાબ ના પણ આપે, પણ જો સંગીતના સર ક્લાસમાં આવે અને કહે, "એબડિઆસ કેમ છે?"  તો જવાબ ના આપે અને અને એવી રીતે સામે જુએ કે જાણે એને કાંઈ સમજ નથી પડતી.રમતાં રમતાં અચાનક સ્થિર થઈ ઉભો રહી જાય, ત્યારે એના ચહેરા પર એવા ભાવ હોય કે કોઈને પણ ઓળખતો નથી. આ બાળકો બહુ બધા માણસો કે બાળકો વચ્ચે પોતાની જાતને એક કોચલામાં સમેટી લે.

     એકની એક વાત એબડિઆસ આખો દિવસ કરે. મારી મમ્મી મને લંચ આપવા આવશે, મને ત્રણ વાગે લેવા આવશે, અને ખાસ તો જો કોઈ બીજું બાળક પોતાના ઘરની કોઈ વાત કરતું હોયકે, "કાલે હું મારા મમ્મી પપ્પા સાથે વોલમાર્ટ ગયો હતો." - તો તરત જ એબડિઆસ બોલી ઉઠે ,”હું ને એલેક્ષ કાલે મમ્મી સાથે વોલમાર્ટ ગયા હતા”

    એબડિઆસની મમ્મી જ્યારે બપોરે એને લેવા આવે ત્યારે એટલા લહેકાથી રાગ આલાપતો હોય એમ મોટા અવાજે “ઓલા! મમ્મી.” એટલે (કેમ છે મમ્મી!) કહે.

     આજે જે વાત મારે કરવી છે  તે એના ગુસ્સાની અને આટલા નાનકડા બાળકના સ્વાભિમાનની છે, જેણે અમને પળમાં હસતા બંધ કરી દીધા.

     દર શુક્રવારે અમે બાળકોને સવારે નવ વાગ્યે કોમ્પ્યુટરના ક્લાસમાં લઈ જઈએ.સ્કુલમાં અમારો ક્લાસ એક બાજુ અને કોમ્પ્યુટરનો બીજા છેડે. ત્યાં પહોંચવા માટે અમારે કાફેટેરિઆ પાસેથી પસાર થવું પડે. એબડિઆસ અમારો લાઈન લીડર. જેવા અમે કાફેટેરિઆ પાસે આવ્યા, એ અંદર જવા માટે વળી ગયો, કારણ દસ વાગે અમે એમને જમવા માટે રોજ લઈ જઈએ. બીજા એક શિક્ષક ત્યાં ઊભા હતા એ,   સમન્થા અને હું એકદમ  હસી પડ્યા કે આ બાળકોનુ  મગજ દરરોજના રુટિનથી કેવું સેટ થઈ ગયું છે. બસ અમારા એબડિઆસ ની કમાન છટકી. ગુસ્સામાં ભાઈ બોલી ઉઠ્યા “It’s not funny” એના ચહેરાના હાવભાવ જાણે કેટલું ખોટુ લાગી ગયું હોય એવા થઈ ગયા, અને અમારા ચહેરાનું હાસ્ય તો જાણે સ્થિર થઈ ગયું.

    અચરજની વાત એ છે કે પેલા શિક્ષક તો આભા જ બની ગયા, બીજાની જેમ એમની પણ એવી માન્યતા કે આ બાળકો બિચારા કાંઈ સમજતા નથી ત્યાં એબડિઆસનુ આ રૂપ એમને અચંબિત કરી ગયું.

     એબડિઆસ અને એના જેવા બધા બાળકો સામાન્ય બાળકોથી  સાવ અસામાન્ય હોય છે અને યોગ્ય કેળવણી એમને આગળ જતા મોટા વેજ્ઞાનિક કે મોટા ઈતિહાસકાર કે નેતા બનાવે તો એમા કોઈ નવાઈ નથી.

તેમનો બ્લોગ અહીં....

નોંધ -  નીચેના ચિત્ર પર ક્લિક કરી એને મોટું જુઓ, ફરી ત્યાં ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.

-- -- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *