વાત અમારા ડેવિડની

   -   શૈલા મુન્શા

       અમેરિકામાં સ્કૂલમાં બાળકોના એડમિશન ગમે ત્યારે થતાં હોય, કારણ, નોકરીની બદલી, ઘરની બદલી, આ બધી સહજ વાતો કહેવાય અને એ એરિયાની પબ્લિક સ્કૂલમાં રહેતા બાળકોને ના ન પાડી શકાય.

      સામાન્ય રીતે ક્લાસમાં નવું બાળક આવે તો એને ગોઠવાતાં બહુ વાર ન લાગે, પણ જ્યારે માનસિક રીતે વિકલાંગ બાળકો આવે ત્યારે ફક્ત એમને જ નહીં, બીજાં બાળકોને અને શિક્ષકોને પણ એમની સાથે ગોઠવાતાં સમય લાગે.

      અમારા “life skill”ના  ક્લાસમાં હમણાં એક નવો છોકરો આવ્યો છે. નામ એનુ ડેવિડ. માનસિક રીતે ઘણો જ મંદ. આ બાળકોની એક ખાસિયત હોય છે. આ બાળકોના ચહેરા ગોળ હોય અને લગભગ બધા સરખાં જ લાગે. આપણી ભાષામાં કહીએ તો આ બાળકોમાં ગાંડપણનું પ્રમાણ વિશેષ હોય. આવા ચહેરાવાળા બાળકો મોંગોલિયન બાળક તરીકે ઓળખાય. આ ડેવિડને જોઈ સાત આઠ વર્ષ પહેલા મારા ક્લાસનો બીજો ડેવિડ યાદ આવી ગયો.

       આજે વાત મારે બીજા ડેવિડની કરવાની છે. થોડા વર્ષો પહેલા હું “life skill” ના ક્લાસમાં ભણાવતી હતી. પહેલા ધોરણથી માંડી પાંચમા ધોરણ સુધીના બાળકો મારા ક્લાસમાં. વિવિધતાનો જાણે થાળ ભરેલો! કંઈ કેટલાય અનોખા અવનવા બાળકો હાથ નીચેથી પસાર થઈ ગયા.

      મન પણ કેવું અજાયબ છે, આ બાળકોના મનમાં શું ચાલતું હશે એ તો સમજની બહાર છે પણ એમની કોઈ અનોખી વાત વર્ષો પછી પણ યાદ આવે ત્યારે ક્યારેક મનોમન હસવું પણ આવે અને ક્યારેક મન ગ્લાનિથી પણ ભરાઈ જાય.

      ડેવિડ જ્યારે આવ્યો ત્યારે લગભગ દસ વર્ષનો હતો, ગોળ ચહેરો, ઊંચો અને વજન ખાસ્સું. જ્યારે જુઓ ત્યારે હસતો જ હોય. ટૂંકા વાળ અને ચમકતા દાંત! બોલે કાંઈ નહીં પણ જાણે ગીત ગણગણતો હોય એવું લાગે. ક્લાસમાં થોડા નાના બાળકો પણ ખરાં, એમની પાસે ડેવિડ કદાવર લાગે.

      ડેવિડના મગજની કઈ ચાવી ક્યારે ખોટા તાળામાં લાગે તે ખબર ન પડે. જેમ કમ્પ્યુટર પર કોઈ વાર્તા લખતાં હોઈએ અને સેવ કરીએ તે પહેલા કોઈ ખોટું બટન દબાઈ જાય ને પળમાં બધું ભૂંસાઈ જાય તેમ આ બાળકોના મનની પાટી ઉપર જે અંકાયું હોય તે કઈ ઘડીએ અને કયા કારણે ભૂંસાઈ જાય એ સમજવું અઘરૂં પડે.

       સામાન્ય રીતે તો ડેવિડ હંમેશાં ખુશમિજાજમાં હોય, પણ ક્યાંક કમાન છટકે તો તાંડવ મચી જાય.

     અમારા ક્લાસમાં બે મોટી બારી, જેના કાચ ઉપર કરી બારીની બહાર જઈ શકાય. ડેવિડને નાની વાર્તાની બુકમાં પ્રાણીઓના ફોટા જોવા ગમે, સાથે હાથમાં જો ક્રેયોન કલર પેન્સિલ આવે તો બુકમાં લિસોટા કરવા ગમે.

       ડેવિડ એવું કરે ત્યાં સુધી તો ઠીક, પણ એનું જોઈ બીજા બાળકો પણ એના જેવું કરે! મોટા ભાગે તો અમે કલર પેન્સિલ સહેલાઈથી ડેવિડના હાથમાં ન આવે એનુ ધ્યાન રાખીએ, પણ જો બોક્સ એના હાથમાં આવી ગયું તો પછી પાછું લેવું મુશ્કેલ.

      એકવાર આવી જ કોઈ બાબતમાં ના પાડી, અને હજી કાંઈ વિચારીએ તે પહેલા તો ડેવિડ બારી ખોલી બહાર ભાગી ગયો. બીજાં બાળકો બેબાકળાં થઈ ડેવિડના નામની બૂમ પાડવા માંડ્યાં.  તરત અમે ઓફિસનું બઝર દબાવી જાણ કરી કે એક બાળક અમારા ક્લાસમાંથી બહાર નીકળી ગયો છે, અને ત્યારે મીસ હોપેક તરત બહાર નીકળીને ડેવિડને પાછો લાવવા ગઈ.

      શાળાની ચારેતરફ લોખંડની ફેન્સ છે અને દિવસ દરમ્યાન કોઈપણ વિદ્યાર્થી સ્કૂલની બહાર ન જઈ શકે, પણ ડેવિડને પકડવો જરૂરી હતો. મીસ હોપેકે જોયું કે ડેવિડ તો ભાગીને સ્કૂલના નાનકડા પાર્કમાં મન્કી બાર પર રમતો હતો.

      ખરી મઝા તો એ દિવસે આવી જ્યારે મારું હસવું અને મારી ગભરામણ બન્ને રોક્યા રોકાતાં નહોતાં. રાબેતા મુજબ અમે બાળકોને જમવા કાફેટેરિયામાં લઈ જતા હતા. ક્લાસની બહાર બધાને લાઈનમાં ઊભા રાખી હું આગળ વધી અને બાળકો મારી પાછળ ચાલવા માંડ્યા. સવારથી જ ડેવિડ ખૂબ મુડમાં અને ખુશમિજાજ લાગતો હતો. એ હસતો હસતો જઈને,  બીજા બાળકોને કાંઈક અટકચાળો કરી આવતો.

     અચાનક લાઈનમાંથી બહાર આવી ડેવિડે મને પાછળથી ઊંચકી લીધી. ક્ષણભર તો મને સમજ જ ન પડી અને ડેવિડ તો ગોળ ગોળ ફરતો ખડખડાટ હસતો હતો. “David please put me down, put me down” ની મારી વિનંતીને કોણ સાંભળે? એકબાજુ મને હસવું આવતું હતું તો બીજી બાજુ થોડો ડર પણ હતો, ક્યાંક એને કે મને વાગી ન બેસે!!

       છેવટે કલર પેન્સિલ આપવાની બાંહેધરી આપ્યા બાદ, એણે મને નીચે તો ઉતારી, પણ આજે જ્યારે એ પ્રસંગ યાદ આવી જાય છે તો મારા ચહેરા પર હળવું હાસ્ય ફરકી જાય છે!

      મનના પટારામાં આવા કેટલાય પ્રસંગો ગોપિત છે!

તેમનો બ્લોગ અહીં....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *