- વિનોદ પટેલ
કર્મવીર ગાંધી આફ્રિકાથી તાજાં જ દેશમાં પરત આવેલા. અમદાવાદમાં કોચરબમાં તેમણે આશ્રમ શરૂ કર્યો હતો અને દેશની સેવાનાં કાર્યો હાથ ધરવા માંડ્યાં હતા, તે સમયની આ વાત છે.
શહેરના જાણીતા એક વકીલ દેશસેવાનું કામ મેળવવા માટે ગાંધીજી પાસે કોચરબ આશ્રમમાં આવ્યા. ગાંધીજી એ વખતે રસોડામાં અનાજ સાફ કરવાના કામમાં ગૂંથાયેલા હતા. મહેમાન વકીલનું સ્વાગત કરી ગાંધીજીએ એમને બેસવા સાદડીનું આસન જમીન પર પાથર્યું અને કહ્યું, બેસો.
વકીલ કોટપાટલૂનમાં સજ્જ હતા. ઊભા ઊભા જ બોલ્યા : "હું બેસવા નથી આવ્યો.મારે તો કામ જોઇએ છે. મારા સરખું કોઇ કામ મને આપશો એ આશાએ હું અત્યારે આશ્રમમાં આવ્યો છું."
ગાંધીજીએ કહ્યું : "ઘણા આનંદની વાત છે. "
એમ કહી એમની આગળ અનાજની ઢગલી કરી અને કહ્યું, "એકે કાંકરી ન રહે એ રીતે સાફ કરજો."
વકીલ આભા બની ગયા. અનાજ સાફ કરવાનું કામ તો નોકરોનું કે સ્ત્રીઓનું - એવા એમના સંસ્કાર હતા. કચવાતા કચવાતા બોલ્યા : "આવું અનાજ સાફ કરવાનું કામ મારે કરવાનું છે?"
ગાંધીજીએ કહ્યું : "હા, હાલમાં મારી પાસે એ જ કામ છે."
વકીલની બુદ્ધિ તો કમ હતી જ નહીં. એ સમજી ગયા કે, આ નેતા જુદી જ જાતના છે. તેઓ નાના મોટા કોઇ કામમાં ભેદ ગણતા જ નથી. આજના નેતાઓ આ રીતે નાના કામ પણ કરે તો સમજાય કે સામાન્ય વ્યક્તિ તરીકે રહેવું કેટલું અઘરું છે.
આપણે પણ થોડું ભણી લીધું કે અનેક કામો આપણને નાના લાગે છે. મોટા માણસ બનવા માટે નાના કામો કરવા જરૂરી છે. તેનાથી નમ્રતા અને સજ્જતા કેળવાય છે.
નોંધ - નીચેનું ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.
આ વકીલનું નામ છે વલ્લભભાઈ પટેલ!