- કલ્પના દેસાઈ
અજબગજબની શોધ
દુનિયામાં કેટલીક શોધો એવી પણ થઈ હતી કે, જે હતી તો બહુ કામની ને જોવામાં લાગતીય મજાની - પણ લોકોને ગમી નહીં એટલે ભોંયરામાં ગરકાવ થઈ ગઈ. ચાલો જોઈએ તો ખરાં, એ વળી કેવીક શોધો હતી!
૧)ટિપ પ્લીઝ!
હૉટેલમાં દાખલ થનાર મહેમાનનો સામાન બડી અદબથી ઊંચકીને એમના રૂમમાં પહોંચાડનાર કે હૉટેલમાંથી રવાના થનાર મહેમાનનો સામાન કાળજીથી ગાડીમાં ગોઠવનાર બેલબૉયને જો યોગ્ય ટિપ ન મળે તો શું થાય? એ સમજીને બેસી રહે અથવા મનમાં ગાળો ભાંડીને સાથીઓ સામે જીવ બાળી લે. બીજું શું કરી શકે? આ બેલબૉય્ઝનું દુ:ખ સમજનાર એક ભાઈ–રસેલ ઓક્સે એક નકલી હાથ બનાવ્યો જેને કમરમાં ફિટ કરી શકાય. એ હાથ સીધો મહેમાનની ગળચી જ પકડે? ના ના, થોડું તો માન રાખવું પડે ને કંજૂસ મહેમાનનું? ફોટામાં જોઈ લો, કેવી સલુકાઈથી હાથ લાંબો કરીને કહે છે, ‘પ્લીઝ, જરા તમને શોભે એવી ટિપ તો આપતા જાઓ, નહીં તો તમારો સામાન અહીંથી નહીં ઊંચકાય!’ હવે કંઈ લોકો સામાન ઊંચકવા થોડા હૉટેલમાં રહ્યા હોય? ખબર નહીં કેમ પણ આ શોધ બહુ ટકી નહીં અને આજે પણ ટિપ બાબતે સમજુતી થઈ જાય છે.
૨)ઘાસની સ્લીપર!
ચશ્માંના નંબર ઉતારવા કે પગને સુંવાળા રાખવા અથવા ચાલવા નીકળીએ ત્યારે લીલા ઠંડા ઘાસ પર ચાલવાની સલાહ ઘણાં આપે છે. પગનાં તળિયાં ઠંડાં રહે તો મગજ પણ ઠંડું રહે એ જ કારણ હશે. હવે રોજ રોજ બગીચા સુધી લાંબા થવાનું તો પોસાય નહીં કારણકે આપણે ત્યાં તો વચ્ચે લારીઓ જ કેટલી આવે? તો શું થઈ શકે? સ્લીપરમાં જ ઘાસ ઉગાડી દો! વિચારવામાં કે જોવામાં સારો લાગે એવો આ વિચાર કોઈ ઘનચક્કરને જ આવ્યો હશે ને? ઘાસ કંઈ માટી ને પાણી વગર લીલું રહે? ખાતર પાણી કરીને ઘાસ લીલુંછમ રાખ્યા પછી સ્લીપરના વજનનો વિચાર ન કર્યો? પગમાં કાદવ લાગે તે ન વિચાર્યું? ખેર, આઈડિયા ફોટા પાડવા જેટલો જ ચિરંજીવ નીકળ્યો ને ઘાસ સૂકાઈ ગયું એ કહેવાની જરૂર?
૩)સમૂહ હજામત!
આપણે ત્યાં હજામત કરવી કે મૂંડી નાંખવું જેવા ટૂંકા શબ્દસમૂહ બે અર્થમાં વપરાય પણ ખરેખરી હજામત કરવામાં પણ લોકો જાતજાતના આઈડિયાઝ લાવે ત્યારે એમની બુધ્ધિ માટે માન થઈ આવે. આ ધંધો જોખમકારક હોવાથી એક સમયે એક જ જણની હજામત થઈ શકે છે. મોટે ભાગે બીજા ગ્રાહકોએ પોતાના વારાની રાહ જોવી પડે છે. હવે જો કોઈ કાર્યક્રમમાં પુરુષ કલાકારોએ ઓછા સમયમાં ચકચકતા ગાલ સાથે તૈયાર થવાનું હોય તો? વારાફરતી બધાની દાઢી કરવામાં સમય બગાડાય? એના કરતાં આ મશીન જ ગોઠવી દો ને સામે બધાને બેસાડી દો. એકસાથે બધાના મોં પર સાબુ લાગી જાય અને એકસાથે જ બધાના ગાલ પર મશીનની બ્લેડ ફરવા માંડે. બે મિનિટમાં દસ જણની દાઢી સફાચટ! ઓગણીસસો સાંઈઠમાં એરિક સાઈક્સે એક ટીવી સીરિયલ માટે બનાવેલું આ મશીન ન ચાલ્યું! કારણ? દરેકના ચહેરા પ્રમાણે એ ગોઠવાઈ ન શક્યું! ખેર, આઈડિયા ચાલી જાત તો? માથાના વાળ માટે પણ પછી આવું મશીન કોઈ શોધત તો ચાલત જ નહીં કારણકે હેરસ્ટાઈલોમાં તો કેટલી બધી વિવિધતા કરવાની હોય? વળી દરેકની હેરસ્ટાઈલ મશીન કેવી રીતે યાદ રાખે? હા, કદાચ ટકો કરવામાં આ મશીન ચાલી જાત! એકસાથે દસ જણને મૂંડી તો શકાય!
આભાર લતાબેન, તમારો દીકરો તો ચાર કદમ આગળ ચાલેલો કહેવાય!
વાહ મજા પડી કલ્પનાબેન ! અમદાવાદનાં ટ્રાફિકથી કંટાળી મારો દીકરો કહેતો કે
‘મા, એવી ગાડી બનાવીએ કે જેમાં આગળ મોટો પાવડો હોય ! ચાંપ દબાવીએ એટલે એ આગળની ગાડીને એક પછી એક ઉપાડીને સાઈડ પર કરતો જાય ને આપણે ફટાફટ ભાગી શકીએ ! ‘
મને આ યાદ આવે ત્યારે બહુ મજા આવે !