- રાજુલ કૌશિક
આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને તેમના કાર્યો વિશે કશી વાત કરવી એ તો સૂરજને દીવો ધરવા જેવી વાત થઈ. અહી આપણે વાત કરવી છે આલ્બર્ટ આઇન્સ્ટાઇનના ડ્રાઇવરની. આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહીને અભણ વ્યક્તિમાં પણ કેવી હોશિંયારી આવે એની વાત કરવી છે.
આલ્બર્ટ આઇન્સ્ટાઇનની “ થીયરી ઓફ રિલેટિવિટી “ ખુબ પ્રસિદ્ધ થઈ, પછી એમને અનેક જગ્યાએ લેક્ચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા. આઇન્સ્ટાઇન હંમેશા ડ્રાઇવરને લઈને ગાડીમાં જતા. આઇન્સ્ટાઇન લેક્ચર આપે ત્યારે એમના ડ્રાઇવર છેલ્લી હરોળમાં બેસીને અન્ય શ્રોતાઓની જેમ આઇન્સ્ટાઇનને સાંભળતા.
એક દિવસ ડ્રાઇવરે આઇન્સ્ટાઇનને કીધું કે, "તમારી થીયરી એટલી સરળ છે, અને આટલી વાર સાંભળ્યા પછી મને શબ્દસહઃ યાદ રહી ગઈ છે. એટલે મને લાગે છે કે હું પણ એની પર પ્રવચન આપી શકું."
ત્યારે આઇન્સ્ટાઇન ગુસ્સે થવાના બદલે રાજી થયા કે, એમની થીયરી એટલી સરળ છે કે વિજ્ઞાન ન ભણી હોય એવી વ્યક્તિ પણ એ સમજી શકે છે.
એ સમયે મીડિયા એટલું સક્ષમ કે લોકભોગ્ય નહોતું, એથી ઘણા બધા લોકો આઇન્સ્ટાઇનના નામથી પરિચિત હતા; પરંતુ ચહેરાથી નહીં. એક દિવસ આઇન્સ્ટાઇને એમના ડ્રાઇવરને કીધું કે, "આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે."
બંને જણે ડ્રેસની અદલાબદલી કરીને પહોંચ્યા હોલ પર અને આઇન્સ્ટાઇન એમના ડ્રાઇવરનું પ્રવચન સાંભળવા છેલ્લી હરોળમાં બેસી ગયા.
ડ્રાઇવરે એટલી કુશળતાથી “થીયરી ઓફ રિલેટિવિટી” સમજાવવા માંડી. કોઇને ક્યાંય શંકા ગઈ નહી. પ્રવચનના અંતે સૌના સવાલોના પણ ડ્રાઇવરે પુરેપુરા આત્મવિશ્વાસથી જવાબ આપવા માંડ્યા. મોટાભાગના સવાલો આજ સુધીમાં પુછાયા હોય એવા જ હતા, એટલે જરાય વાંધો આવ્યો નહીં. પરંતુ છેલ્લે એક સવાલ એવો પુછાયો કે એનો ઉત્તર આપવો ડ્રાઇવર માટે શક્ય નહોતો.
હવે? ડ્રાઇવરને ઉચાટ થવા માંડ્યો કે, જો હવે એ જવાબ નહીં આપી શકે અને જો કોઇને ખબર પડી જશે કે, આઇન્સ્ટાઇનની જગ્યાએ એમનો ડ્રાઇવર પ્રવચન આપે છે તો આઇન્સ્ટાઇનની છાપ ખરાબ પડશે.
પળવાર વિચારીને ડ્રાઇવરે જરા પણ અચકાયા વગર કહ્યું કે, “આપના સવાલનો જવાબ એટલો તો સરળ છે કે એનો ઉત્તર તો મારો ડ્રાઇવર પણ આપી શકશે. છેલ્લી હરોળમાં બેઠેલા મારા ડ્રાઇવરને હું વિનંતી કરીશ કે આપના સવાલનો જવાબ આપી આપના મનનું સમાધાન કરે!"
હવે આશ્ચર્યચકિત થવાનો વારો હતો આઇન્સ્ટાઇનનો. ડ્રાઇવરની સમયસૂચકતા પર વારી જતાં આઇન્સ્ટાઇને ડ્રાઇવર બનીને પ્રશ્નનો ઉત્તર આપ્યો. કોઇપણ જાતના વિઘ્ન વગર કાર્યક્રમ પૂરો થયો.
આપણે કેવી વ્યક્તિની સોબતમાં રહીએ છીએ એ મહત્વનું છે.
આઇન્સ્ટાઇન સાથે રહેવાથી ડ્રાઇવર પણ હોંશિયાર બની જાય એનો અર્થ એ કે, સોબતનું આપણા જીવનમાં અદકેરું મૂલ્ય છે.
એક પાણીનું ટીપુ જો ગટરમાં જઇને ભળ્યું તો ગંધાઇ ઉઠ્યું. ગરમ તવા પર પડ્યું તો વરાળ બનીને ઊડી ગયું. એ જ પાણીનું ટીપુ સવારમાં ફુલ પર ઝાકળ બનીને શોભી ઉઠ્યું. માછલીના પેટમાં ઉતરેલું એ ટીપુ મોતી બનીને ઝળક્યું.
તેમનો બ્લોગ ' રાજુલનું મનોજગત'
અને એક વાત મારી તરફથી.
ખરાબ સોબતની ખરાબ અસર થવાના આનાથી વિરુદ્ધ દાખલા પણ છે. સૌથી સચોટ દાખલો 'સંજુ' ફિલ્મ જેમના જીવન પરથી બની છે - તે હિન્દી ફિલ્મના જાણીતા એક્ટર સંજય દત્ત નો. અત્યંત પૈસાદાર અને પ્રખ્યાત માબાપના નબીરા એવો સંજય કિશોરાવસ્થાથી ખરાબ સોબતના કારણે સિગરેટ, દારૂ, ડ્રગ વિ. જીવનનો નાશ કરતી ચીજોના રવાડે ચઢી ગયો હતો.
અને એજ સંજય દત્ત સારી સોબત મળવાથી જાતે ખુબ સફળ અને પ્રસિદ્ધ પણ થઈ ગયા.