- શૈલા મુન્શા
આ પંક્તિ વાંચી મને મોનિકા યાદ આવી ગઈ.
મોનિકા અમારા ક્લાસમા લગભગ ત્રણ વર્ષથી છે. મોનિકા ત્રણ વર્ષની થઈ અને અમારા ક્લાસમા આવી. મોનિકા ખરેખર અમારી રાજકુમારી છે. કાળા ભમ્મર ઘુઘરાળા વાળ અને રંગ ખુબ ગોરો. ત્વચા એટલી કોમળ કે જાણે પાણી પીએ તો ગળેથી ઘટક ઘટક ઊતરતું દેખાય. મેક્સિકન છોકરી પણ એટલી ગોરી, જાણે યુરોપિયન જ લાગે. ઠંડીમાં એના પિતા એને લાંબો ગરમ કોટ પહેરાવે અને પોતાની મસ્તીમાં મસ્ત ચાલતી જ્યારે એ ક્લાસમાંઆવે તો કોઈ ફ્રેન્ચ નમણી નાર ઓપેરામાંથી આવતી હોય એવું જ લાગે.
મોનિકા Autistic બાળકી પણ બુધ્ધિનો આંક જો માપવામાંઆવે, તો કદાચ સામાન્ય બાળકો કરતા પણ વિશેષ હોઈ શકે. દરેક Autistic બાળકને કોઈ એક વસ્તુનું ખાસ વળગણ હોય.
મોનિકાને ક્રેયોન કલર પેન્સિલ અને હાથમાં એક પેપરનુ જબરૂં વળગણ.આવી ત્યારથી એને કલર કરવાનુ ખુબ ગમે. કોઈ પણ ચિત્ર આપીએ એટલે કલાક સુધી એમા રંગ ભર્યા કરે. એટલી હદે ક્રેયોન કલર એનુ વળગણ બની ગયા, કે જ્યાં જાય ત્યાં એના હાથમા એકાદ કલર પેન્સિલ પકડેલી જ હોય. જેવું એને ક્રેયોનનું બોક્ષ આપીએ કે પહેલું કામ ક્રેયોન પર વીંટાળેલા કાગળ પરથી રંગનુ નામ વાંચે અને પછી એ કાગળ ઉખાડી કલર કરવાનુ ચાલુ કરે.
જેટલા ક્રેયોનના બોક્ષ હોય એ બધા એને જોઈએ. અમારે મોનિકાના આવતા પહેલા બધા કલર બોક્ષ સંતાડી રાખવા પડે. એની ચકોરતા ત્યારે દેખાય કે, બીજાં બાળકોને રંગ પુરવા ક્રેયોન આપીએ અને એને જૂના, એના તોડેલા ક્રેયોન આપીએ તે ન ચાલે. એને પણ નવું બોક્ષ જ જોઈએ.
વરસમાં તો એની વાચા પણ ખુલી ગઈ. ઘણુ બોલતાં શીખી ગઈ અને ક્લાસમા આવતાંની સાથે ”color a cow." એમ જાતજાતનાં પ્રાણીઓનાં નામ બોલવાનું શરૂ કરે. અમે ગાયનું ચિત્ર આપવાની ના પાડીએ, એટલે "color a Bever, color a Lion." એમ એક પછી એક પ્રાણી ઉમેરાતા જાય. કોઈવાર એને ચીઢવવા જ અમે ના કહીએ એટલે એનો ગુસ્સો જોવા જેવો “Alright I can wait” સાંભળવા મળે. જે ગુસ્સા અને રૂવાબથી મોનિકા બોલે એ સાંભળવા જ અમે ના પાડીએ, પણ મોટાભાગે તો અમારે તરત ગૂગલમાં જઈ એ પ્રાણી નુ પિક્ચર એને બતાવવું પડે. ગમે તે ચિત્ર આપીએ તો ન ચાલે, અને એ બેન રાજી થાય એ પિક્ચરની કોપી કાઢી એને કલર કરવા આપવું પડે.
મોનિકાનુ ડ્રોઈંગ પણ સરસ. સરસ મજાની બિલાડી કે માછલીનું ચિત્ર દોરે અને પછી રંગ ભરે. સંગીતનો પણ એટલો જ શોખ. પણ આ તો અમારી રાજકુમારી. જે ગીત એને સાંભળવું હોય એ જ અમારે કોમ્પ્યુટર પર ચાલુ કરી આપવું પડે. પહેલા ધોરણના બાળકો વાંચે એ સ્ટોરી બુક મોનિકા વાંચી શકે, પણ એનો મુડ હોય તો!
સ્કૂલમાં મોનિકાનો રૂઆબ રાજકુમારી જેવો હોય તો સ્વભાવિક જ છે કે, ઘરની તો રાજકુમારી જ હોય. ઘરમાં દાદા, દાદી અને પિતા, પણ ધાર્યું મોનિકાનુ થાય.
એક સોમવારે સ્કૂલે આવી તો એના જથ્થાદાર ઘુઘરાળા કાળી નાગણ જેવા વાળ જેને દાદી મહામહેનતે પોનીટેલમાં બાંધતી, તેને બદલે બોય કટ વાળમાં સત્ય સાંઈબાબા જેવી લાગતી હતી. આ હેર સ્ટાઈલ પણ એને શોભતી હતી, પણ એના પિતાને પુછ્યું કે, ”ગરમી શરૂ થવાની છે એટલે તમે સલૂનમાં જઈ મોનિકાના વાળ કપાવી આવ્યા?”
ખબર પડી કે એના હાથમાં કાતર આવી અને પાછળથી વાળ એવી રીતે કાપ્યા કે પિતા પાસે સલૂનમાં જઈ વાળ સરખા કપાવવા સિવાય છુટકો ન રહ્યો. આવી નાની નાની બાબતોનુ એટલે જ આ બાળકો સાથે ખૂબ ધ્યાન રાખવું પડે. કોઈ નજીવી ઘટના પણ આવું પગલું ભરવાનુ કારણ બની શકે.
મોનિકાને બીજાની વસ્તુ જોઈતી હોય, તો એની જીદને રોકવા અમારે કહેવું પડે કે, આ તારી વસ્તુ નથી. “That is not yours.” પણ ઘણીવાર અમારા શબ્દો અમને જ બૂમરેંગની જેમ પાછાં મળે “That is not yours.”અને પછી ખિલખિલ હસી પડે.
ભવિષ્યમાં કોઈ ટીવી ન્યુઝમાં કે છાપાંમાં મોનિકાનુ નામ મોટા ચિત્રકાર તરીકે સાંભળીએ કે, વાંચીએ તો કોઈ નવાઈ નથી.
મોનિકાનુ નામ મોટા ચિત્રકાર તરીકે સાંભળીએ કે વાંચીએ તો કોઈ નવાઈ નથી
પ્રેરણાદાયી જીવન