કાનુડો એન્થની

- ગીતા ભટ્ટ

      જિંદગીની ઘણી ખરી સારી અને સુંદર વસ્તુઓ ખરેખર જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી પણ દિલથી અનુભવાય છે.  બાળકો સાથે રહીને હું એજ તો અનુભવતી હતી.  ફૂલ જેવાં બાળકો મને જે પ્રેમ કરતાં હતાં;  તેઓનાં માતા પિતાનો મારા ઉપર જે સો ટકા વિશ્વાસ હતો અને જે સતત અનહદ અહોભાવ દર્શાવતાં હતાં અને સૌથી મહત્વનું તો તેનાથી જે આર્થિક સધ્ધરતા અમે  મેળવતાં હતાં -  તે મને વધુ સારું કામ કરવા પ્રેરણા આપતાં હતાં. 

     હા, એ ટૂંકા બે ચાર વર્ષો દરમ્યાન સતત બાળકો સાથે કામ કરવાને લીધે મને કોઈ સમવયસ્ક મિત્ર ન હોવાનો રંજ જરૂર થતો હતો -  પણ તે ક્યારેક જ. મને હેલન કેલરના શબ્દો યાદ આવ્યા:

તમારી દ્રષ્ટિ સૂર્યના ઉજાસ તરફ રાખશો
તો પડછાયા દેખાશે જ નહીં. 

      હું પણ મારા આ બેબીસિટીંગ નાં ખુબ જ જવાબદારીભર્યા શારીરિક અને માનસિક મહેનત ભર્યા કામમાં ભવિષ્યનું મારુ પોતાનું બાલમંદિર જોઈ રહી હતી. બસ, ગ્રીનકાર્ડ આવે એટલે ડે કેર સેન્ટર ખરીદી લઈશું. 

     એક શુક્રવારે સવારે બધાં બાળકો આવી ગયાં પણ ચાર વર્ષની માયા અને બે વર્ષની જૂન આવ્યાં નહોતાં. ત્યાં જ એમની ગાડીનો અવાજ સંભળાયો. દોઢેક વર્ષથી એ બન્ને બહેનો અમારે ઘેર નિયમિત આવતી હતી, એટલે બધાની ગાડીઓના અવાજ ઉપરથીય મને ખબર પડી જતી કે, કોણ આવ્યું છે. માયા અને જૂન દોડીને ઘરમાં આવી ગયાં પણ તેમની મમ્મી હજુ ધીમે ધીમે સાચવીને પગ ઉપાડતી હતી, તે પાછળ આવી.

     “ અરે ! તમારી તબિયત ઠીક નથી લાગતી! અહીં સોફા પર બેસી જાઓ.” મેં મિસ જેનેટ (છોકરાંવની મા)નો હાથ પકડીને ત્યાં બેસાડતાં કહ્યું .

     “ પણ મારે જોબ પર જવું બહુ જરૂરી છે.” એમણે ચિંતાથી કહ્યું. જેનેટ મારાંથી પાંચેક વર્ષ મોટી છત્રીસ એક વર્ષની સુંદર દેખાવડી, પૂરી અમેરિકન  ઇટાલિયન સ્ત્રી હતી. એને છેલ્લા દિવસો જતા હતાં.

    “ મને લાગે છે કે તમે સીધા હોસ્પિટલે જ જાઓ. નહીંતો હું અહીં એમ્બ્યુલન્સ બોલાવું.” મેં કહ્યું.

     “ના, ના; હજુ બે અઠવાડિયાની વાર છે. અને મારે ઓફિસમાં ખુબ કામ પતાવવાનાં બાકી છે. મારાંથી રજા ઉપર ઉતરાય તેમ નથી!”અને બળ કરીને પરાણે, મારી વિંનતિને ગણકાર્યા વિના એ ત્યાંથી નીકળી ગઈ.

     હું મારા સ્વભાવ પ્રમાણે એમની મજબૂરી પર , સમગ્ર પરિસ્થિતિ પર વિચાર કરતી હતી: ‘ પેલી કહેવતમાં કહ્યું છે ને, ‘માણસે મોંઘાઈ.’ ક્યાં આપણે ત્યાંની સુવાવડી વહુ દીકરીઓ અને ક્યાં આ જેનેટ! રસોઈ પણ એણે બે અઠવાડિયા આગળથી બનાવવા માંડી હતી: સૂપ , ચીલી અને અમુક મીટ ની ડીશ.  સાંજે છોકરાંઓની નાનીમા છોકરાં લેવા આવી ત્યારે એમણે કહ્યું કે જેનેટે એન્ડી નામના બાબાને જન્મ આપ્યો છે.

     સોમવારે રૂટિન પ્રમાણે બીજાં બધાં બાળકો આવી ગયાં. મને એમ કે પેલી બે બહેનો આજે કદાચ નહીં આવે.  ત્યાં મોડેથી જેનેટનો ફોન આવ્યો; “ મારે જોબ પર એક ખુબ જ અગત્યનું કામ છે.  બે છોકરીઓ સાથે જો તમે એન્થનીનું બે ત્રણ કલાક ધ્યાન રાખો તો હું ઝડપથી કામ પતાવીને વેળાસર આવી જઈશ, પ્લીઝ!”

     ત્રણ દિવસનું નવું જન્મેલું બાળક ? ના ભૈ! મારાંથી એવડું મોટું સાહસ ના કરાય. હું તો હજુ વિચારતી હતી કે જો બે બહેનો અમારી ઘેર આવશે તો સાંજે હું જેનેટ માટે શિરો બનાવીને મોકલીશ.  આમ પણ મારી ઘણી બધી વાનગીઓ એ બધાંએ ખાધી છે, અને બધાંને ભાવે પણ છે.
ત્યાં આ તો સુવાવડી મા જ પોતે ગાડી લઈને છોકરાં મુકવા આવી ગઈ! 

     'અરે નવજાત શિશુ જે હજુ ત્રણ જ દિવસનું છે એને ઘરની બહાર લઇ જાય છે. આટલા નાના બાળકને ઘરની બહાર ના લઈ જવાય.  ક્યાંક કોઈ ચેપ લાગી જશે તો ઉપાધિ થશે.  અરે! બેન,  તું પણ હમણાં જ બાળકને જન્મ આપી હોસ્પિટલેથી ઘેર આવી છું; જરા નિરાંતે ઘેર રહીને આરામ કર. અને એ બધું તો ઠીક પણ મારે ત્યાં આટલાં બધાં બાળકો છે ને હું આ બાળકને કેવી રીતે સાચવું ?' - આવું બધું વિચારીને મેં વિનયપૂર્વક સ્પષ્ટ ના પાડી.

     “ મારાથી એન્થનીને નહીં સાચવી શકાય, મને નહીં આવડે,  મને નહીં ફાવે, સોરી!”

      પણ કલાક એક પછી જેનેટ આવી – માયા અને જૂન દોડીને ઘરમાં આવી ગયાં. અમારા ઘરનું બાંધકામ એવી રીતનું હતું કે, ઘરની આગળ મોટું આંગણું ને છેક પાછળ ઘર.  બધાં પાછળની ગલીમાં આવી, પાછળને બારણેથી ઘરમાં આવતાં. જેનેટે પાછળ એલીમાં જ ગાડી ઉભી રાખી હતી. ગાડીનું બારણું પકડીને મને કહ્યું; “ હું એન્થનીને પણ લઈને જ આવી છું ; જો તમે એને એકાદ બે કલાક રાખી શકો તો.  હું બને એટલી ઝડપથી આવી જઈશ, પ્લીઝ!”

    એ બાળકને લઈને જ આવી હતી એટલે મેં પણ વિચાર બદલ્યો. 'હું પણ એમ તો સક્ષમ હતી જ. જેનેટની પણ કોઈ મજબૂરી હશે, એટલે જ તો એ આટલો આગ્રહ કરે છે.' - મેં વિચાર્યું . જો કે મેં ઘણી વાર નોંધ્યું હતું કે, એ ખુબ કામ કરતી હતી, અને એના કુટુંબમાંથી એને કોઈનોયે ઝાઝો સપોર્ટ નહોતો. એની મમ્મી ગામમાં જ રહેતી હતી પણ એ કોઈ ઇવનિંગ જોબ કરતી હતી; એના હસબન્ડને મેં ક્યારેય જોયેલ નહીં .

    “ અરે! કાંઈ વાંધો નહીં, બહેન . તમે તમારે નિરાંતે આવજો, કાંઈ ચિંતા કર્યા વિના શાંતિથી કામ પતાવજો.” હું ગળગળી થઇ ગઈ. જેનેટ પણ ગળગળી થઇ ગઈ અને આભાર સહ કામે ગઈ. 

     પણ હવે શું ? બે વર્ષથી પાંચ વર્ષનાં છ બાળકો, અને આ તદ્દન ત્રણ દિવસનું બાળક! રખેને હું બધાં બાળકોને જમાડવા બેસું અને પેલો બાબો જાગી જાય અને રડવા ચઢે તો? હું બધાં બાળકોને સુવડાવવાની તૈયારી કરતી હોઉં અને એન્થની જાગીને રડારોળ કરે તો? ઝડપથી કાંઈ વિચાર કરવા દે.  અરે! એ જો રડવા ચઢશે, તો બીજાં બાળકો પર મારુ ધ્યાન નહીં રહે. અંદર અંદર બાળકો એકબીજાને અડપલાં કરશે ને ક્યાંક કોઈને વાગી જશે તો, કદાચ કોઈ અકસ્માત થઇ જાય. હવે શું કરવું ? આમ તો સુભાષ રોજ જોબ પરથી નીકળીને અમારાં બાળકોને લઈને ઘેર આવે, પણ હજુ તો ઘણી વાર હતી. સંકટની સાંકળ ખેંચવાનો સમય આવી ગયો!

     મેં સુભાષને જોબ પર ફોન કર્યો. “ મારે જવું પડશે , મારી દીકરીની સ્કૂલમાંથી ફોન છે.” એમ ખોટું બોલીને એ ઘેર આવ્યો. હાશ! મેં નિરાંતનો દમ લીધો. અને અમે વાતાવરણમાં પણ હળવાશ અનુભવી. નાનકડાં નવજાત એન્થનીને અમે ક્યાંય સુધી અનિમેષ નયને નિહાળી રહ્યાં. ખરેખર વાતાવરણ અલૌકિક હતું. બે એક કલાકમાં જેનેટ આવી અને અમને બન્નેને બાળકોની સંભાળ લેતાં જોઈને એનાં થાકેલા મોં પર પ્રસન્ન આશ્ચર્ય છવાઈ ગયું.  અનેખુશ થઇ ગઈ.

     "ખરેખર,  તમારે બાળકો માટેની નર્સરી શરૂ કરવી જોઈએ." એણે કહ્યું. અને પછી તો અમારે ઘેર એણે શીરો પણ ખાધો. ત્યાં જ સ્કૂલમાંથી ફોન આવ્યો. આ બધી ધમાલમાં અમે અમારાં છોકરાંઓને જ લેવા જવાનું ભૂલી ગયાં હતાં.  છોકરાઓનું સારું ધ્યાન રહે તે આશયથી તો આ બેબીસિટીંગ શરું કરેલું; અને આજે હવે એમને જ ભૂલી ગયાં હતાં.

    વાત્સલ્યની વેલ કાંઈ અમારાં બે બાળકો પૂરતી થોડી જ હતી? આ બધાં બાળકો અને તેમાંયે એન્થની જાણે કે અમારો કાનુડો બનીને અમારે ઘેર પધાર્યો હતો.  અને સાચે જ અમે પ્રિ-સ્કૂલ શરુ કરી ત્યાં સુધી (પછીનાં અઢી વર્ષ સુધી)  એ અમારાં સૌનો માનીતો કાનુડો જ રહ્યો હતો. આજે આટલાં વર્ષો બાદ, સેંકડો બાળકો આ વાત્સલ્યની વેલડીનાં પુષ્પો બની મ્હેંક્યા છે, પણ એન્થનીની મહેંક સૌથી અનેરી છે. 

    કેમ ? આગળ ઉપર ક્યારેક જણાવીશ.

'બેઠક'  પર તેમના લેખ આ રહ્યા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *