ડૉ. સંજય કોરિયા
એક યુવાન મનથી ભાંગી પડ્યો હતો. ખૂબ જ ખિન્ન અને ઉદાસ હતો. ભારત –પાકિસ્તાન યુદ્ધમાં તેના બધા સાથીદારો માર્યા ગયા હતા, વળી જે જીપ તે ચલાવી રહ્યો હતો તેના પર પાકિસ્તાની વિમાને બોમ્બ ફેક્યો હતો.
એક રાતે દિલ્હી રેલ્વે સ્ટેશન પર તેણે ચાલતી ગાડીમાંથી કૂદી આત્મહત્યા કરી લેવાનો વિચાર કર્યો, પણ તે રાતે કોઈ કારણસર તે તેમ ન કરી શક્યો, બીજી સવારે તે અખબાર લેવા સ્ટેશન પર ગયો. ત્યાં સ્ટોલ પર સ્વામી વિવેકાનંદનું એક પુસ્તક જોયું, પુસ્તક ઉથલાવી એક પાના પરની થોડીક લીટીઓ તેણે વાંચી. તેમાંથી તેને પ્રેરણા મળી. તેને જીવનનો સાચો અર્થ સમજાયો.
મુશ્કેલીથી હતાશ થયા વિના અન્યની સેવામાં જીવન અર્પણ કરવાની પ્રેરણા મળી. નિરાશા ખંખેરી સેવા ક્ષેત્રે જવા સૈન્યમાંથી તેણે નિવૃત્તિ લીધી અને મહારાષ્ટ્રના ‘રાલેગાંવ સિદ્ધિ’ નામના પોતાના ગામમાં પાછા આવી સેવા કાર્ય ચાલુ કર્યું. વિપરીત સંજોગો હોવા છતાં ધીમે ધીમેં આખું ગામ બદલી નાખ્યું. એમની આશ્વર્યકારક સફળતાથી પ્રભાવિત થઈને તેણે મહારાષ્ટ્રના ૩૦૦ ગામડાંઓનાં વિકાસની જવાબદારી સોંપાઈ અને એ જ વ્યક્તિએ વૃદ્ધાવસ્થામાં પણ ભ્રષ્ટાચાર સામે જંગ છેડ્યો.
એ વ્યક્તિ - બીજું કોઈ નહિ, અન્ના હજારે છે. જોયુંને, એક પુસ્તક, એની થોડીક લીટીઓ એટલે કે સદ્દવાચન માનવીનું જીવન બદલી શકે છે.
પ્રેરકબિંદુ : વિચારોના યુઘ્ઘમાં પુસ્તકો જ શસ્ત્રો છે .