- જયશ્રી પટેલ
નમસ્તે બાળકો,
ખૂબ ખૂબ વહાલ સહિત..!
કેટલી ખુશી છે મને. મંગળવાર તો આપણો..એટલે કે તમારો ને મારો. બકા જમાદારને મળવાની મજા આવે છે ને?
વાર્તા નં. ૩
ચાલો આજે આપણે નવીન લાગણીભર્યા બકા જમાદારની વાત કરીએ.
બકા જમાદારનું મન કેવું? ઉપર નાળિયેર જેવું કડક ને અંદરથી નરમ ને મીઠું પાણી જેવું . મીઠું મીઠું. મદદગાર પણ. બધાને મદદ કરે ને સેવા કરે. આજે આ વાત એટલે કરવી છે કે તમને પણ શીખવા મળે.
બકા જમાદાર એકવાર બસમાં બેસીને તેમના દીકરા બરકેશ ને મળવા જતા હતા. સાથે મીઠાઈ ,ચોકલેટ ને ફરસાણ, કચોરી વગેરે લઈને જતા હતા. રસ્તામાં અચાનક જંગલ જેવો રસ્તો આવ્યો. કહેવાય છે કે તે રસ્તે ડાકુઓ બસ રોકે ને બધું લૂંટી લે. ડરના માર્યા બધા આંખ મીંચી બેઠા હતા. સમીસાંજ એટલે કે છ કે સાત વાગ્યાનો સમય કહેવાય.
બાળકો, હંમેશા આ પ્રાર્થનાનો સમય કહેવાય. બધા મુસાફરો પોતપોતાના ભગવાન ને અલ્લાહને યાદ કરી રહ્યા હતા. બસમાં ધીમું સંગીત વાગી રહ્યું હતું. અચાનક એક નાનો છોકરો તેની ધૂનમાં નાચવા લાગ્યો. બધા બાળકો પણ નાચવા લાગ્યા. બસ જઈ રહી છે. બહાર સરસ ઠંડો પવન લહેરાઈ રહ્યો છે. બધા ખુશ છે ને ઝટકા સાથે બસ ઊભી રહી ગઈ.
વિચાર્યુ નહોતું ને ત્રણ બુકાનીધારી બસમા ઘૂસ્યા. બાળકો બીચારાં ડરી ગયા. બધાને નીચે ઉતાર્યા ને સામાન ફેદી નાંખ્યો. મળ્યો એટલો સામાન લૂંટ્યો ને બધાને કેદ કરી એમની ઝૂપડીમાં લઈ ગયા. ત્યા છત્રીસ કલાકથી બધાને પૂરી રાખ્યા હતા.
પોલીસના ડરથી ડાકૂ પણ બહાર ન નીકળતા. તેવામાં છોકરાઓ પેલા ડાકુના પુત્રો સાથે રમવા લાગ્યા. ડાકુનો પુત્ર બીમાર હતો. ન ખાય ન પીએ. સ્ત્રીઓમાં એક સ્ત્રીને દયા આવી ને તેની સેવા કરવા લાગી. બકા જમાદાર પણ હવે જોડાયા. બાળકો જૂઓ કોઈ ખરાબ થાય તો આપણે ખરાબ ન જ થવાય. બધા બસના બાળકો પણ હવે ડાકુના દીકરાને તેમની પાસે જે હતું તે રમવા આપવા લાગ્યા. ધીરે ધીરે ડાકુઓનાં મન પણ નરમ પડ્યા. ત્રણ દિવસને બે રાત વીતી ગઈ હતી. બધાનાં કુટુંબી ચિંતા કરતા હતા.
બરકેશ પણ પિતાની રાહ જોતો હતો. જેમ તમે તમારા પિતા પરદેશ જાયને રાહ જુઓ તેમ જ, ને પેલી ચોકલેટની પણ! ડાકુ તો ડાકુ પણ તેમના પુત્રે પ્રશ્ન કર્યો, "શું હું આ બાળકો જેવો ન બની શકું, ન ભણી શકું?"
હવે બકા જમાદારે ધીરે ધીરે ડાકુઓને સમજાવવા માંડ્યા. તેમના દુખ જાણ્યા ને કહ્યુ, “ભાઈ, તમારી જીંદગી તો નરક બની છે. હવે આ બાળકોની જીંદગી ન બરબાદ કરો.”
પોતાના પુત્રોને ખુશ જોઈ ડાકુઓના હૃદય પીગળ્યા, પણ તેમને સરકાર પર ભરોસો ન હતો. બકા જમાદારે જીમ્મેદારી લીધી કે જો તમે સરકારને તાબે થશો તો તમારા બધા બાળકોને હું ભણાવીશ. તમારી જેલ પૂરી થશે ત્યારે તમને તમારા બાળકો સોંપી દઈશ. જુઓ કેટલા સારા હતા એ ..ભલા સાથે ભલા ને બુરા સાથે પણ ભલા. બાળકો જો આપણે પણ આવા થઈએ ને તો જગતમાં જરૂર પરિવર્તન આવી જાય.
ચાલો, ચાલો, આગળ. આ વાત ગુજરાતના વાધોડિયાની છે. પછી તો બધા ડાકુઓએ સરકાર સામે પોતપોતાની બંદૂકો ટેકવી દીધી ને તેમના સ્ત્રીઓ, બાળકોને સરકારે નાની નાની જમીન આપી. વિશ્વામિત્રી નદીનો કાંઠો હરિયાળો થયો ને બકા જમાદારનું નામ ઈતિહાસના પાને ચિતરાયું. વરસો પછી આવું જ સરસ કામ મૂઠી ઊંચેરા માનવી ગણાતા રવિશંકર મહારાજે પણ કર્યુ પણ ડાકુને માનવી બનાવીને.
શું શિખ્યા બાળકો? ઉપરથી કડક દેખાવું પણ અંદરથી નરમ ને સભ્ય બનવું. મજબૂરી આવે કદી અમાનવીય ન થવું ને હમેશાં ભલા સાથે ભલા ને બુરા સાથે પણ ભલા બનવું. જરૂર ક્રુરતા પણ દયાળુતામાં બદલાઈ જશે. બરકેશ પણ પિતા પાસે કંઈક આવું જ શિખ્યો હશે ને?
મજા આવી બાળકો? જરૂર શીખજો ને સારા બનજો. ફરી મંગળવારે કંઈક નવું શીખીશું .
સુંદર વાર્તા