- જિગીષા પટેલ
વ્હાલા બાળમિત્રો,
આજે આપણે વાત કરીશું સંગીતની. તમને ગીત ગાવું ગમે છે ને? સંગીત આપણા જીવનનું અવિભાજ્ય અંગ છે. કોઈનો અવાજ ખૂબ સુંદર કર્ણપ્રિય હોય, તો કોઈ બાથરૂમમાં ગાતું હોય. કોઈ એકાંતમાં સંગીત સાંભળતું હોય, તો કોઈ ખુશ થઈ મોટે મોટેથી ગાઈને નાચતું હોય. પણ દરેકના જીવનમાં સંગીત હોય જરૂર.
સંગીત એટલે સાત સૂરોનો સંગમ. સંગીત એ આત્માનો અવાજ છે. સંગીત એવો અવાજ છે જેથી તમે શાંત પળોને માણી શકો છો. સંગીત થકી તમે તમારી સુખદ, દુ:ખભરી, રોમૅન્ટિક પ્રેમની, આનંદની લાગણીઓને વ્યક્ત કરી શકો છો. તમારા હ્રદયમાં ધરબી રાખેલ લાગણીઓને વ્યક્ત કરવાનો તેમ જ તેને લોકો સમક્ષ રજૂ કરવાનો અનોખો રસ્તો છે. આખી દુનિયાને ભૂલીને પોતાનામાં મદમસ્ત થઈ સંગીતમાં ખોવાઈ જવું તે એક શ્રેષ્ઠ યોગ છે. ભગવાનને મેળવવાનો પ્રાર્થવાનો એક સરળ રસ્તો છે. તમે બૈજુ બાવરાનું નામ સાંભળ્યું છે? તે સંગીતના એવા ઉસ્તાદ હતા કે તેમની ગાયકી થકી તેમણે વનના અબોલ પશુઓને પણ આકર્ષ્યા હતા. સંગીત એ એવી કળા છે જે તમને આત્મા સાથે જોડે છે અને પ્રસન્નતા બક્ષે છે.
સંગીત એ તમારો કાયમનો સાથીદાર છે. જ્યારે શબ્દો નકામા થઈ જાય ત્યારે સંગીત બોલે છે. સંગીત જીવનપર્યંત તમને આનંદ આપતું રહે છે. સંગીત અવાજ અને વાજિંત્રોનું એવું મિશ્રણ છે કે તે સાંભળનારને મુડ અને એનર્જીથી ભરી દે છે. આવો અનુભવ તો દરેકેદરેક વ્યક્તિ એ કર્યો જ હોય.
સંગીત ભારતીયોના જીવનનું અભિન્ન અંગ રહ્યું છે. ક્લાસિકલ સંગીતથી મેલોડીયસ સંગીત સુધી વિકસ્યું છે. આપણા ભારતીય સંગીતના અનેક પ્રકારો છે. સુર, તાલ અને રાગ મળીને ક્લાસિકલ સંગીત ઉદ્દભવે છે. તેમજ ફિલ્મી સંગીત દરેક ફિલ્મમાં હોય છે જે બહુજનસમાજને નૃત્ય સાથે ફિલ્મમાં જોવા મળતું હોવાથી ખૂબ પ્રચલિત થાય છે. તેમ જ ઈન્ડીયન રોક, ઈન્ડીયન પોપ, કર્ણાટક સંગીત, સુગમ સંગીત, રવીન્દ્ર સંગીત, સુફી સંગીત, લોકસંગીત જેવા અનેક પ્રકારના સંગીત ભારતમાં સાંભળવા મળે છે.
સંગીતનો ઇતિહાસ જોઈએ તો તેના મૂળ આપણને સામવેદમાં સામગાનમાં મળ્યા, તો પાંડવાની સંગીત આપણને મહાભારતમાંથી મળ્યું. રામાયણમાં પણ લવકુશ રામાયણ ગીત અયોધ્યામાં એકતારા સાથે ગાતા જોવા મળ્યા. સૂફી સંગીત જે અલ્લાહની દિવ્યશક્તિને ઉદે્શીને ગવાયું છે તેની પર પર્શિયન એટલે કે મુગલોની આપણા દેશને તેઓએ આપેલી અનોખી ભેટની અસર વર્તાય છે.
સા રે ગ મ પ ધ નીના સાત સ્વરો, તા ધીન્ના, તુન્ના કત્તા, તા તા ધીન્ના, જેવા તાલ અને ભુપાલીથી શરૂ કરી યમન, મલ્હાર, દેશ, ભૈરવી, જેવા ચારસો રાગ મળીને ક્લાસિકલ સંગીત અસ્તિત્વ પામ્યું. પંડિત રવિંશંકર, ભીમસેન જોષી, જસરાજજી, તાનસેન, શીવકુમાર શર્મા, અલી અકબર ખાન, લત્તા મંગેશકરજી, એ.આર.રહેમાન જેવા અનેક દિગ્ગજ સંગીતના કલાકારોથી આપણો દેશ સમૃદ્ધ છે.
એક જ ભારત દેશમાં જુદા જુદા પ્રાંતની જુદી જુદી સંસ્કૃતિને લીધે આપણું લોકસંગીત ભાતીગળ છે. જુદા જુદા લોકસંગીતમાં ઠૂમરી ઉત્તર ભારતનું રાધાકૃષ્ણની અનન્ય ભક્તિનું ગીત છે. બીહુગીત ઉત્તરાખંડનું ખૂબ પ્રચલિત સંગીત તેમ જ કર્ણાટકનું ભાવગીત, મદયપ્રદેશનું પાંડવાની તો મહારાષ્ટ્રનું લાવણી અને સૌરાષ્ટ્રી રાસ ને ગુજરાતના માતાજીના ગરબા પણ કેમ ભુલાય? માછીમારોનું ભાટીયાલી લોકસંગીત અને પંજાબનું પેપીભાંગરા પણ આખા ભારતમાં પ્રચલિત છે.
રવિન્દ્ર સંગીતની વાત કર્યા વગર ભારતના સંગીતની વાત કરવી અશક્ય છે. કવિવર ટાગોરનું રવિન્દ્ર સંગીત બંગાલમાં ઘેરઘેર ગવાય છે. કવિવરે લખેલ રર૩૦ ગીતો જેમાં કવિતાઓ તેમજ દેશભક્તિ ના ગીતો, માનવતાવાદી ગીતો, આત્મનિરિક્ષણ માટેની ફિલસુફીથી ભરપૂર ગીતો વગેરે દરેકેદરેક જીવનના ઉતાર ચડાવ વખતે ગવાતાં ગીતોનો સમાવેશ છે. બંગાલી અને દેશના
મહાન ગાયકોએ પોતાના કંઠમાં રવિન્દ્ર સંગીત ગાયું છે જે દરેક જણે સાંભળવું જ જોઈએ.
આ બધા સંગીત સાથે જુદા જુદા વાજિંત્રો વગાડવામાં આવે છે. પહેલવહેલા વાજિંત્રમાં બંસરી એટલે કે આપણા કૃષ્ણ ભગવાન વગાડતા હતાં તે વાંસળીથી શરૂઆત થઈ પછી. તો સિતાર, સરોદ, સારંગી, શહેનાઈ, હાર્મોનિયમ, ઢોલ, પખવાજ, તબલા સંગીતકારો વગાડવા લાગ્યા. અરે, હવે તો રુદ્રવીણા, જલતરંગ, સરસ્વતી વીણા, વાયોલિન, તાનપૂરા, નાદસ્વરમ્, કંજીરા, મોહનવીણા, મૃદંગ, સેક્સોફોન જેવા ચાલીસથી પચાસ જુદા જુદા વાજિંત્રો પર દેશના જુદાજુદા ભાગના સંગીતકારોએ પોતાનો હાથ અજમાવ્યો છે.
શહેનાઈવાદક ઉસ્તાદ બિસમિલ્લાહ ખાન, સિતારવાદક પંડિત રવિંશંકર, બાંસુરીવાદક હરિપ્રસાદ ચોરસીયા, સરોદવાદક અમજદ અલી ખાન અને તબલાવાદક ઝાકીરહુસેન જેવા અનેક ભારતીય કલાકારો દેશવિદેશમાં પોતાની કળાથી ખ્યાતિ પામ્યા છે.
સંગીતમાં જે આમ જનતામાં સહજ ઉપલબ્ધ છે અને ઘેર ઘેર ગવાય છે તે ફિલ્મીસંગીત આપણા દેશમાં લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડે છે. નૌશાદજી, શંકર-જયકિસન, કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાંત-પયારેલાલ, ઓ.પી.નૈયર, આર.ડી.બર્મન, મદનમોહન, ઈલીયારાજા અને એ.આર. રહેમાન જેવા અનેક જાણીતા સંગીતકારોએ તેમના અદ્ભૂત સંગીતથી આપણા સૌના જીવનને પ્રસન્ન કરી દીધું છે.
ભારત દેશના આવા અમૂલ્ય વારસાને જાળવવા અને જીવનમાં આનંદ મેળવવા સંગીત શીખવું જરૂરી છે. જો તમને સંગીતમાં રસ હોય તો તમે યુટ્યુબ પર અનુજા કામઠ (*)પાસે પ્રાથમિક સંગીતની જાણકાર મેળવી શકો છો. તમારા પોતાના આનંદ કે કેરિયર તરીકે પણ તમે સંગીતક્ષેત્રે આગળ વધી નામના કમાઈ શકો છો.
(*) અહીં એમના વિડિયો જોઈ ક્લાસિકલ સંગીતની જાણકારી મેળવી શકશો.