- શ્રી. પી.કે. દાવડા
તમે મિકી માઉસ અને ડોનાલ્ડ ડક નામો સાંભળ્યા હશે. એમના ચિત્રો અને કાર્ટુન પણ જોયા હશે. આ અને આવા અનેક પશુપક્ષીઓના પાત્રો સર્જી બાળકોનું મનોરંજન કરનારનું નામ હતું વોલ્ટ ડિઝની.
અમેરિકાના શિકાગો શહેરની નજીકના વિસ્તારમાં ૧૯૦૧ માં વોલ્ટનો જન્મ થયો હતો. દસેક વર્ષની વયે એનું કુટુંબે પહેલા મિસુરી અને પછી કન્સાસમાં સ્થળાંતર કર્યું. પુખ્ત વયનો થઈ એણે પ્રથમ વિશ્વયુધ્ધમાં રેડક્રોસમાં કામ કર્યું. યુધ્ધની સમાપ્તિ પછી એણે કન્સાસ શહેરમાં ઈવર્ક ડિઝની નામની ચિત્રકામની દુકાન શરૂ કરી પણ એ કંઈ ચાલી નહીં, એટલે એણે કન્સાસ શહેરની એક ફીલ્મો માટે જાહેરાતોની નાની ક્લીપ બનાવતી કંપનીમાં નોકરી સ્વીકારી.
૧૯૨૩ માં ફરી એણે લાફો-ઓ-ગ્રામ નામની કંપની શરૂ કરી અને કાર્ટુનની નાની નાની ફીલ્મો બનાવવાનું શરૂ કર્યું. થોડા સમય બાદ એ કેલિફોર્નિયા રાજ્યમાં આવેલા હોલીવુડમાં આવી ગયો અને ત્યાં સ્ટુડિયો શરૂ કર્યો. અહીં એને સફળતા મળી અને ૧૯૨૮ માં એણે પ્રખ્યાત વોલ્ટ ડિઝની પ્રોડક્શન નામના સ્ટુડિયોની સ્થાપના કરી. અહીં એણે પોતાના બધા કલ્પિત પાત્રોની ફીલ્મો બનાવી એ પાત્રોને દુનિયાભરમાં મશહૂર કર્યા. આ પાત્રોમાં મિકી માઉસ, મિની માઉસ, ડોનાલ્ડ ડક, ગૂફી, બાળકોમાં ખૂબ જ લોકપ્રિય થયા. ૧૯૩૫ માં એના આ કામ માટે હોલિવુડનો પ્રસિધ્ધ એકેદેમી એવોર્ડ પણ મળ્યો.
પછી તો એણે સ્નો વાઈટ એન્ડ સેવન દ્વાર્ફ, પિનોકીયો, એલીસ ઈન વન્ડરલેન્ડ જેવા અનેક કાર્ટુન ચલચિત્રો બનાવ્યા. ૧૯૫૫ માં એણે ટી.વી. માં મિકી માઉસ કલબ નામે સિરીયલ પણ શરૂ કરી. ૧૭ મી જુલાઈ ૧૯૫૫ માં એણે દુનિઆનું સૌથી પ્રખ્યાત ડિઝની લેન્ડ કેલિફોર્નિયામાં શરૂ કર્યું.
ધંધાનો ખૂબ વિકાસ કર્યા બાદ ૧૫ ડિસેમ્બર ૧૯૬૬ માં વોલ્ટ ડિઝનીનું અવસાન થયું.