- રાજુલ કૌશિક
આજે આપણે સૌ જાણીએ છીએ કે રોજીંદા જીવનમાં ટેક્નોલૉજીએ આપણા ઘર-મન પર કેટલો કબજો જમાવી દીધો છે નહીં? એક હદે એનો ઉપયોગ કરવો એ ખોટું ય નથી. ઘેર બેઠા ઘણી જાણકારી મળે એ વાત પણ સાચી. તો આજે મેં ફુરસદના સમયે એક સાથે બે તદ્દન વિરોધાભાસ ધરાવતી વિડીયો જોઇ. એની વાત કરું જે જોઈને ક્યારેક એવું બને કે કોઇ બાબત આપણને વિચારતા કરી દે. તો બીજી હ્રદયના ઊંડાણને સ્પર્શી જાય. આ વિડીયો પણ એમાંની જ એક હતી.
મેં જે વિડીઓ જોઈ એમાં એક કોર્પોરેટ ઓફિસના હોલ જેવી જગ્યા જ હતી. એક વ્યક્તિ ઓફિસમાં હાજર સૌને જાણે રમત રમાડતા હતા. ત્યાં ઉભેલ તમામ વ્યક્તિઓના હાથમાં એક ફુલાવેલો ફુગ્ગો આપવામાં આવ્યો હતો અને બીજા હાથમાં એક ટુથપિક આપવામાં આવી. રમત શરૂ થાય એ પહેલા સૌને સૂચના આપવામાં આવી હતી કે નિર્ધારિત સમય સુધીમાં છેલ્લે જેના હાથમાં ફુલેલો ફુગ્ગો રહેશે એ રમત જીતશે.
દસ નવથી માંડીને ઉંધી ગણતરીએ કાઉન્ટ ડાઉન શરૂ થયુ; અને 'સ્ટાર્ટ' ની સૂચના સાથે જ સૌ એકબીજાના હાથમાં રહેલો ફુગ્ગો પેલી ટુથપિકથી ફોડવા મંડ્યા. પોતાનો ફુગ્ગો બચાવીને અન્યનો ફુગ્ગો ફોડવાની પેરવીમાં અંતે તો કોઇના ય હાથમાં ફુલેલો ફુગ્ગો રહ્યો નહી. અર્થાત ગેમ કોઇ જીત્યું નહીં.
ગેમ રમાડનાર વ્યક્તિએ અંતે એક સવાલ સૌને પૂછ્યો, “ દોસ્તો, મેં સૌને એવું કહ્યું હતું કે ગેમના અંતે જેના હાથમાં ફુલેલો ફુગ્ગો રહેશે એ વિજેતા. અહીં કોઇપણ એવા સંજોગ હતા જ્યાં આપણી જીતવાની કોઇ શક્યતા હતી?”
'શક્યતા હતી.' એ તો સૌએ કબૂલ કર્યું “
કોઇએ અન્યનો ફુગ્ગો ફોડવાની જરૂર જ નહોતી. જો એમ કર્યું હોત તો સૌ વિજેતા બની શક્યા હોત!
અથવા, જીતવા માટે કોઇને હરાવવાની જરૂર નથી હોતી. જીતવા માટે અન્યનું નુકશાન કરવાની જરૂર તો જરાય નથી હોતી.
પણ આપણી માનસિકતા એવી છે કે, જો આપણે જીતવું છે તો અન્યને હરાવવા જ રહ્યા. કોઇનું નુકશાન એટલે આપણો ફાયદો. આ જ બનતું આવે છે. પછી ભલેને એ કોર્પોરેટ જગત હોય, રાજકારણ હોય. અન્યને નીચા પાડવા જતાં આપણે ખુદ નીચે ઉતરતા જઇએ છીએ.
હવે આની સામે એક બીજો સીન જોઇએ.
મોટા- ખુલ્લા મેદાનમાં હરીફાઈનો માહોલ હતો. સફેદ પાટા પર દોડવીરો દોડવા માટે અને જીતવા માટે સજ્જ થઈને ઉભા હતા. મેદાનની ફરતે પ્રેક્ષકો ગોઠવાયેલા હતા. કદાચ સૌના ચહેરા પર હરીફાઈમાં ઊતરેલા પોતાના સ્વજનની જીત માટેની ઉત્તેજના હતી એની સાથે હાથ પ્રાર્થના માટે જોડાયેલા હતા.
સ્પર્ધા શરૂ કરવા માટેની વ્હિસલની સાથે લીલી ઝંડી ફરકી અને એની સાથે જ પેલા સફેદ પાટા પર ઉભેલા સ્પર્ધકોએ દોડવા માંડ્યુ. બે પાંચ પળ વિતી અને દોડી રહેલા સ્પર્ધકમાંથી એક દોડવીર ઠેબુ ખાઇને પડ્યો. સ્વભાવિક છે કે, બાકીના સ્પર્ધકો માટે તો એમની સાથેની સ્પર્ધામાંથી એક બાકાત થયો . અન્યનું તો એ જ ધ્યેય હોય ને કે જેમ બને એમ ઝડપથી નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચીને અવ્વલ સ્થાન પ્રાપ્ત કરવું.
પણ ના, અહીં એમ ના બન્યું. એક સ્પર્ધકના પડી જવાથી બાકીના સ્પર્ધક ઉભા રહી ગયા. પાછા વળીને પેલા ગબડી પડેલા સ્પર્ધકને ટેકો આપીને ઊભો કર્યો. એટલું જ નહીં પણ બાકીની દોડ માટે સૌએ એકમેકના હાથ ઝાલીને સંયુક્ત રીતે સ્પર્ધા જીતી.
મેદાનમાં બેઠેલા તમામ પ્રેક્ષકોએ ઉભા થઈને તાળીઓના ગડગડાટથી તમામ સ્પર્ધકોને વધાવી લીધા. કારણ ? આ કોઇ સામાન્ય સ્પર્ધકો નહોતા. રમતના મેદાનમાં ઉતરેલા તમામ બાળકો શારીરિક રીતે તો કદાચ સ્વસ્થ હશે પરંતુ માનસિક રીતે અસ્વસ્થ હતા. આ સ્પર્ધા મંદબુદ્ધિ (મેન્ટલી રિટાયર્ડ) બાળકો વચ્ચે યોજાયેલી સ્પર્ધા હતી.
હવે આ બાળકો માટે કેવી રીતે મંદબુદ્ધિ શબ્દ પ્રયોગ કરી શકાય? હુંસાતુંસીના આ જમાનામાં ભલભલા અકલમંદ લોકો પણ એક બીજાને પછાડવાની પેરવીમાં લાગેલા હોય છે. ક્યાંથી કોને પછાડીને હું આગળ વધુ એવી માનસિકતા વચ્ચે માનસિક સ્તરે નબળા કહેવાય એવા બાળકોએ શું કર્યું એ સમજવા આપણી સમજ અને એ મેન્ટલી રિટાયર્ડ બાળકોને નવાજવા માટે તો શબ્દો પણ ઓછા પડે.
સીધી વાત…..
- એકલી વ્યક્તિ પાણીનું બુંદ છે. જો એકબીજા સાથે ભળી જઈએ તો સાગર બનીએ.
- એકલી વ્યક્તિ માત્ર એક દોરો છે. સાથે મળીએ તો વસ્ત્ર બનીએ.
- એકલી વ્યક્તિ કાગળ માત્ર છે. એકબીજા સાથે મળી જઇએ તો કિતાબ બની રહીએ.
- એકલા આપણે પત્થર છીએ. ભળી જઈએ તો ઇમારત બનીએ
હવે તમે જ કહો આપણે હરીફાઈ જીતવા શું કરીશું? એકબીજાને પછાડવા કરતાં એકબીજાને મદદરૂપ થઈશું ને?
રાજુલ બહેનના આ હકારાત્મક વિચાર અંગે વિચાર!
આમ તો બન્ને વિડિયો વિરુદ્ધ લાગતા હોવા છતાં એકમેકના પૂરક છે. બન્નેમાં વાત સ્પર્ધા ટાળીને સહકારથી કામ કરવાની છે.
કમભાગ્યે આ સિક્કાની એક બાજુ છે! દરેક સિક્કાને બે બાજુ હોય છે. જીવનના ચલણમાં ચાલતા સિક્કાને વધારે બાજુઓ પણ હોય છે!
શિક્ષણ/ કેળવણીના સંદર્ભમાં - અરે! જીવનના પાયાના સંદર્ભમાં પણ - સ્પર્ધા જરૂરી છે. અથવા હકીકતની રીતે જોઈએ તો, એ તો હોય જ છે. સ્પર્ધા માત્ર માનવજીવનમાં જ નહીં જીવ માત્રમાં હાજર હોય છે. એને ટાળવાથી ટાળી શકાતી નથી. સ્પર્ધા વિકાસનું પાયાનું પૂરક બળ હોય છે.
કદાચ, આપણે સિક્કાની આ બન્ને બાજુને એક નવી રીતે જોઈએ તો....
સ્પર્ધા ભલે હોય, એમાં ખેલદિલી હોવી જોઈએ. હાર-જીતથી હાર્યા વિના, પૂરી તાકાતથી દોડવાનું કે ફુગ્ગા ફોડવાના - અને રમતના આનંદને માણવાનો. આવો અભિગમ કેળવીએ તો?
સ્પર્ધા ભલે હોય, એમાં ખેલદિલી હોવી જોઈએ. હાર-જીતથી હાર્યા વિના, પૂરી તાકાતથી દોડવાનું કે ફુગ્ગા ફોડવાના – અને રમતના આનંદને માણવાનો. આવો અભિગમ કેળવીએ તો?
સાચી વાત
સુરેશભાઈ, તમને યાદ હશે કે ‘ઉબુન્ટુ’ લેખમાં પણ આવી જ ભાવના દર્શાવાઈ હતી.
LEARN IN LIFE FROM THIS ARTICLE!
Play is to work as a team to grow.
Challenge the self And betterment for the group!
One has to play to learn Team work.
Challenge the self.
And
Attain the Goal,satisfaction and tranquility.
સુરેશભાઈ,
આપનો આ ખેલદિલીવાળો અભિગમ પણ એટલો જ સાચો છે. શરત માત્ર એમાં એટલી જ હોય છે કે એમાં સાચા અર્થમાં હારજીતની પરવા કર્યા વગર નિર્દોષ રીતે રમત માણવાની વૃત્તિ હોવી જોઈએ અથવા પોતાની લીટી મોટી તાણવા અન્યની લીટી ભૂસવાની મનોવૃત્તિથી પરે તંદુરસ્ત સ્પર્ધાની ભાવના હોવી જોઈએ.