- નીલમ દોશી
ગોપી નજીક આવીને કાનાને મોબાઇલ બતાવીને એમાં ગેઇમ બતાવે છે.જો આ કેન્ડી
ક્રશની ગેઇમ છે.
કાના.. આ તો બધું નવું નવું છે. મને તો એમાં કંઇ સમજણ ન પડી કે ન મજા આવી.
ગોપ..એ તો હજુ કદી રમ્યો નથી ને એટલે..એકવાર રમી જો.પછી અમારી જેમ તને યે
હાથમાંથી મૂકવાનું મન નહી થાય.
ગોપી..અને પછી અમારી મમ્મીની જેમ યશોદામા પણ તને
બૂમો પાડવાના..કાના, હવે
મોબાઇલ મૂકે છે કે નહીં ? ( બધા હસે છે.)
પાત્રો: કનૈયો
યશોદા
ગોપ અને ગોપીઓ
પડદો ખૂલતા પહેલા અંદરથી સૂત્રધારનો ઘેરો, ગંભીર અવાજ સંભળાય છે.( પરિત્રાણાય સાધૂનામ વાળો શ્લોક સંભળાય અને પછી શબ્દો..)
સૂત્રધાર: એકવીસમી સદીમાં કૃષ્ણ ભગવાન અવતાર લઇને આવે..નાનકડો કનૈયો ગોકુળની ગલીઓમાં ઘૂમે, માખણ ખાવાની જીદ કરે તો, આજે તેને કેવા અનુભવો થાય... આજે જમુનાના નીર તેને કેવા દેખાય ને તે શું અનુભવે ? ચાલો, આપણે જાણીએ અને માણીએ પ્રસ્તુત નાટક યુગધર્મમાં..
સ્થળ: યશોદાજીનું ઘર. માતા યશોદા દહીં વલોવે છે. અને સાથે સાથે ગાય છે.કાન ઉપર હેડ ફોન લગાવ્યા છે. કોઇ મોર્ડન ગીત ગાય છે.કનૈયો દોડતો આવે છે અને રડવાનું નાટક કરે છે
કનૈયો. (રડતા રડતા લાડથી) મા, હજુ માખણ નથી થયું ? જા, તારી સાથે નહીં બોલુ. (યશોદા કંઇ જવાબ આપતા નથી.)
કાનો..મા..મા..તને કહું છું. તને સંભળાતું નથી ? અને આ કાનમાં શું ખોસ્યું છે.( ખેંચે છે.)
યશોદા..આવી ગયો મારા લાલ ?
કાનો..( ગુસ્સાથી ) હું તો કયારનો આવ્યો છું પણ તને સંભળાય તો ને ? તેં તો કાનમાં આ ભૂંગળું ભરાવ્યું હતું ને ?
યશોદા..( હસીને ) લાલા, એ હેડ ફોન કહેવાય..હેડ ફોન..
કાના... જે હોય તે..પણ પહેલા જલ્દી જલ્દી મને માખણ દે..આજે તો મન ભરીને અને પેટ ભરીને તાજું માખણ ખાઇશ.
યશોદા: અરે મારા લાલ, આ નેતરા ફેરવી ફેરવી હું તો થાકી...પણ આ પાણીવાળા દૂધમાંથી માખણ બને તો તને આપું ને ? જોને હું કયારની મથું છું. હવે તો થાકી..જો કેવી પરસેવે રેબઝેબ નીતરી રહી છું. ( પરસેવો લૂછે છે.)
કનૈયો. (રોષથી) હું એ કંઇ ન જાણુ મૈયા..મને તો માખણ જોઇએ એટલે જોઇએ. જો તું નહીં આપે તો હું પહેલા લાવતો હતો તેમ આજે પણ ગોપીઓને ઘેરથી લઇ આવીશ.ગોપીઓ તો મને હોંશે હોંશે માખણ આપવાની.
યશોદા..અરે બેટા, આપણે ત્યાં જ માખણ નથી થતું ત્યાં ગોપીઓની તો આશા રાખવી
જ નકામી. અને તું શું એમ માને છે કે આજની ગોપીઓ તને એમ મફતમાં માખણ
આપી દેશે ? બેટા, એ જમાના ગયા..આજે તો દરેક વસ્તુની કીંમત ચૂકવવી
પડે..કીંમત..
કનૈયો.. મા, મફતમાં તો ગોપીઓ ત્યારે યે ક્યાં આપતી હતી ? મારી પાસે કેટલા
નખરા કરાવતી હતી, બંસી વગાડવી પડતી હતી,..નાચવું પડતું હતું. ત્યારે માખણ
મળતું હતું. તો આજે પણ બંસી સંભળાવી દઇશ. બીજુ શું ?
યશોદા..( હસી પડે છે.) બેટા, તું તો હજુ યે એવો જ ભોળિયો રહ્યો. આ એકવીસમી
સદી છે બેટા.. હવે તારી બંસીના બોલ તો કાવ્યોમાં રહ્યા. એ તો ફકત કવિઓને
ગીતો ગાવામાં કામ લાગે. બાકી અત્યારે એમાં કોઇ માખણ ન આપે.
કનૈયો: હું એ કઇ ન સમજું. મને તો માખણ ખાવું છે, એટલે ખાવું છે...
યશોદા: કાના, આ દૂધમાંથી તો માખણ નીકળી રહ્યું. એમ કર ચાલ, આ અમૂલનું
માખણ તને આપુ. (અમૂલનું પેકેટ ખોલે છે)
કનૈયો: આ વળી શું ? ( હાથમાં લે છે.સૂંઘે છે..) છિ.. ના, ના, આવું વાસી માખણ મને
ન ભાવે. મારે તો ગાયના દૂધનું તાજું માખણ જોઇએ.
યશોદા:ગાયના દૂધનું માખણ ? લાલા, એ બધા સપના હવે ભૂલી જા. નહીતર દુ:ખી
થઇ જઇશ.લે, કાના, આ માખણ ખાઇ લે. બેટા, આ પણ મળે છે એમ કહે ને..(અમૂલનું
પેકેટ ખોલી માખણ ખવડાવવાનો પ્રયત્ન કરે છે.)
કનૈયો:(ગાય છે. ” .મૈયા મોરી, મૈ નહીં માખણ ખાયો....” અને ભાગે છે. યશોદા તેની
પાછળ દોડે છે. એકશન ગીત મૈયા મોરી...) યશોદા મા એની પાછળ પાછળ ભાગતા
રહે છે.
ગોપ, ગોપીઓ:(આવે છે) કાનુડા, એય અલ્યા કાનુડા....
કનૈયૉ ..(ખુશ થઇ જાય છે) ઓહ..ગોપા,ગોપીઓ તમે બધા ? આવો આવો
યશોદા...હાશ..કાનાની તાજુ માખણ ખાવાની જિદ અત્યાર પૂરતી તો ટળી.. મારો લાલો બિચારો હજુ યે એવો જ ભોળિયો રહ્યો. એને કયાં આજના જમાનાની કંઇ ખબર છે ? આ કાનો એના દોસ્તારો ભેગો છે ત્યાં હું અંદર જઇને જલ્દી રસોઇ કરું. એ હવે કોઇના છપ્પનભોગ આરોગવા જતો નથી.
ગોપ:કાના, આજે તો તું આવ્યો છે એમ આ ગોપીઓએ કહ્યું એટલે અમે સૌ તો ઉઘાડે
પગે દોડી નીકળ્યા.. અમારો ભેરૂ આવ્યો એ કંઇ જેવી તેવી વાત છે ?
ગોપી.. તે હેં કાના, તને કયારેય અમારા કોઇની યાદ ન આવી ?
કાના..અરે, યાદ આવી એટલે તો દોડયો પાછો આ પૃથ્વીલોકમાં..ઉપર સ્વર્ગમાં યે
તમારા સૌ વિના મને કયાં ગોઠવાનું હતું ?
ચાલો, ચાલો તમે સૌ દોસ્તારો આવ્યા છો તો આપણે સૌ પહેલાની જેમ ગેડી દડે
રમીએ.
(ગોપી..અને ગોપ બધા હસે છે.. ) ગેડી દડો..? કાના..એ જમાના ગયા.. હવે કોઇ ગેડી
દડો થોડા રમે ?
કાના..કેમ ન રમે ?હવે કોઇ રમતું જ નથી ?
ગોપી..રમે તો છે પણ કાના, હવે એ બધી રમતો ગઇ.
બીજી ગોપી.. આ જો, અમારા બધાના હાથમાં શું છે ?( મોબાઇલ બતાવે છે.)
કાના..આ રમકડા જેવું વળી શું છે ?
ગોપ..હસે છે..કાના, આ રમકડું નથી..આ મોબાઇલ કહેવાય..મોબાઇલ ફોન..
કાના...આનાથી કેમ રમાય ? કેચ કરાય ? ચાલ, ઘા કર જૌઉં મારાથી કેચ થાય છે કે
કે કેમ ?
ગોપી..કાના..કાના...આનો ઘા ન કરાય.આ કંઇ બોલ નથી.આમાં છે ને જુદી જુદી ગેઇમ
હોય..વીડિયો ગેઇમ ..
કાના..મને તો આમાં કંઇ સમજાતું નથી.
બીજી ગોપી..કાના, આવી તો કેટલી યે વસ્તુઓ અહીં નવી આવી છે. મહાભારતના
યુધ્ધમાં સંજયે અંધ ધ્રુતરાષ્ટ્રને બધું જોઇને કહી સંભળાવ્યું હતું ને ? હવે તો એ સંજય
દ્રષ્ટિ ઘેર ઘેર આવી ગઇ છે.
કાના...એટલે ?
ગોપ. એને હવે અમે ટી.વી.કહીએ છીએ. એમાં બધું યે ઘેર બેઠા દેખાય.અરે, તારા
દર્શન કરવા હોય ને તો યે અમે ઘેર બેઠા એમાં કરી શકીએ.
કાના.. માળુ હારૂ અહીં તો બધું યે બદલાઇ ગયું છે.
ગોપી..પણ કાના,સાચું કહું ? આ બધી સગવડો તો આવી છે.પણ પહેલા જેવી મજા નથી આવતી હોં..
ગોપ..હા, ઇ વાત તો સોળ આના સાચી..
ગોપી... કેવા મજાના એ દિવસો હતા.. કેવી રાસલીલા રમતા આપણે સૌ..
કાના.. મને તો અત્યારે યે એ રાસલીલાના શમણા આવે છે. કેવી મજાની હતી
રાસલીલાની એ રંગત..
ગોપીઓ..કાના, આજે ત્યાં ચોકમાં આજની ગોપીઓ પણ રાસડા તો લે છે.બોલ, તારે
એ પણ જોવી છે ? આવવું છે અમારી સાથે ?
કાનો..અરે વાહ ! આજે પણ રાસલીલા રમાય છે ? ચાલ ભાઇ, ચાલ, સદીઓ વીતી
ગઇ એ બધું જોયા ને...
યશોદા..ના, ગોપા, કાનો નહીં આવે એ બધું જોવા..
કાનો..મા, મારે જાવું છે. તું આજે ના કેમ પાડે છે ?
યશોદા..લાલા, એ બધું તને નહીં સમજાય..એ જોવાની તારે જરૂર નથી. નકામું દુખી
થવાનું ?
કાનો..શું મા તું યે ? રાસલીલા જોઇને હું દુખી થવાનો કે ખુશ થવાનો ? અરે, તેં હમણાં
જ જોયું નહીં કે મને તો ખુલ્લી આંખે પણ રાસલીલાના શમણાં આવે છે.
યશોદા..બેટા, એટલે જ કહું છું. એ શમણાનું વરવું રૂપ જોવાનું રહેવા દે..લાલા, રહેવા
દે..
કાના..મા, મને તો તારી વાતમાં કંઇ સમજાતું નથી. જે હોય તે પણ હું તો આજે
રાસલીલા જોવા જવાનો એટલે જવાનો..ગોપીઓ, ગોપો ચાલો બધા આપણે રાસલીલા
જોવા જઇએ.
યશોદા..( નિસાસો નાખે છે. )
કાનો પહેલેથી જિદ્દી તો છે જ ને ? એનું ધાર્યું જ કરવાનો. આજના તમાશા જોઇને મારો લાલો દુખી ન થાય તો સારું.
ગોપ: હાલ, કાના, હવે નવી આંખે નવી નવી રાસલીલા જોવા મળશે.
કનૈયો: નવી રાસલીલા ? એ વળી શું ?
ગોપ: જોઇશ ને એટલે બધું યે સમજાઇ જાશે. હાલો જલ્દી જલ્દી.
કનૈયો:ચાલો. ( ગોપ ને કનૈયો બંને જાય છે..વેસ્ટર્ન ડાન્સ ચાલે છે. બધા એક તરફ બેસીને જુએ છે.કનૈયો તો જોઇ જ રહે છે )
કનૈયો..(આશ્ર્વર્ય અને આઘાતથી) આ...આ બધું શું ? રાસડા આમ રમાય ?
ગોપ:કાના, આ તારા જમાનાના રાસ-ગરબા નથી. આ તો વેસ્ટર્ન ડાન્સ કહેવાય..
આ નવા જમાનાની એકવીસમી સદીની રાસલીલા છે. આજકાલ બધે ય આવી
જ લીલાઓ રમાય છે.
બીજો અને અંતિમ ભાગ આવતા રવિવારે.
સ રસ
રાહ બીજો અને અંતિમ ભાગની