નવાં લેખિકા શ્રીમતિ જયશ્રી પટેલ વાદળોમાં મળી ગયાં! વાત એમ છે કે, ગુજરાતી રચનાઓની વેબ સાઈટ 'પ્રતિલિપિ' પર અમે બન્ને અમારી રચનાઓ મૂકીએ છીએ. ત્યાંથી 'બકો જમાદાર' નામની એક વાર્તાનું શિર્ષક વાંચી; અમે નાના હતા ત્યારે બહુ ગમતીલા 'બકોર પટેલ' યાદ આવી ગયા. કુતૂહલથી 'અંદર' જોયું - અને એમના વારસ એવા આ જમાદાર મળી ગયા.
નાનકડી એક કોમેન્ટ બહેનની જાણ સારૂ લખી -
આ વાર્તા બહુ જ ગમી. મને એની ફાઈલ મોકલાવશો?
ઈ-વિદ્યાલય પર આ વાર્તા મૂકવી છે.
અને બીજે દા'ડે તો મુંબઈગરાં જયશ્રી બહેન નેટ-મિત્ર બની ગયાં. ફોન પર વાત પણ થઈ ગઈ, અને એના કલાકની અંદર 'બકા જમાદાર'ની પાંચ વાર્તાઓ મારા ઈન-બોક્સમાં બહેને ઠાલવી દીધી! પાછું પ્રોમિસ પણ મળી ગયું કે, કુલ ૩૪ વાર્તાઓ તૈયાર છે. આનંદો! દર મંગળવારે બકા જમાદારનાં પરાક્રમો પ્રસિદ્ધ કરવામાં આવશે.
જયશ્રી બહેન ૧૯૫૩ માં ભરૂચમાં પ્રગટેલાં; પણ મારા ગામ અમદાવાદમાંથી માસ્ટર બન્યાં હતાં! હવે એમની પાસે ઘણો ફાજલ સમય છે, એટલે મજેની બાળવાર્તાઓ લખે છે. આ વાર્તાઓની વિશેષતા એ છે કે, એ આ જમાનામાં જીવાતા જીવનનો પડઘો પાડે છે.