ડૉ. સંજય કોરિયા
એક વખત એક મદારી મોટા ચોકની અંદર ખેલ નાખીને બેઠો હતો. ધીમે ધીમે તેણે પોતાની આગવી શૈલીથી લોકોને એકઠાં કરવાનું શરુ કર્યું. સૌથી પહેલાં બાળકો કુતૂહલતાથી જોવા લાગ્યાં. તેણે હવે પોતાની મોરલી વગાડવાની શરૂ કરી. હવે તો મોટાં લોકો પણ ભેગા થઇ ગયા હતા. હવે સમય આવી ગયો હતો. નાગને જગાડવાનો. આ માટે તેણે ખૂબ જ સુંદર મોરલીના સૂર રેલાવવાનું શરૂ કર્યું.
મોરલી વગાડવાની સાથે સાથે બોલતો જતો હતો. "તમને આજે એક ફણીધર નાગનાં દર્શન થશે. " પછી મોરલી વગાડતો હતો. હવે પૂરતી સંખ્યામાં લોકો આવી ચૂક્યાં હતા. એટલે નાગને તેની છાબડીમાંથી બહાર ફેણ સાથે બેઠો કરવાનો સમય આવી ચૂક્યો હતો. બધાંની આતુરતાનો અંત આવવાની તૈયારી હતી.
તેણે જોર જોરથી મોરલી વગાડવાનું શરૂ કર્યું. પણ પેલો નાગ ટોપલીમાંથી બહાર નીકળે જ નહિ. તમામ લોકો કુતૂહલથી જોઈ રહ્યાં. ધીમે ધીમે ખૂબ માણસ ભેગું થયું. છેવટે મદારીએ છાબડીને બે-ત્રણ વખત હલાવી તેમ છતાં પેલો નાગ બેઠો થતો ન હતો.
હવે, લોકોને વધારે રસ જાગ્યો કે, કયારે નાગ બેઠો થાય? આમ મદારીની ઈજ્જતનો સવાલ આવી ગયો હતો. આથી તેણે ફરીથી તમામ તાકાત લગાવીને મોરલી વગાડવાનું શરૂ કરી દીધુ. એટલી હદ સુધી તેણે વગાડ્યું કે તેના મોઢામાંથી ફીણ આવી ગયું, તેમ છતાં નાગ બેઠો થયો નહિ.
છેવટે તમામ પ્રયત્નોને અંતે તેના મોઢામાંથી લોહી પણ નીકળવા માંડ્યું. આમ, મદારી વગાડતાં વગાડતાં પડી જાય છે; તેમ છતાં પેલો નાગ બેઠો થતો નથી. ત્યાં એક અનુભવી વડીલ ઊભા ઊભા આ તમાશો જોતાં હતાં. તે મદારીની નજીક જાય છે અને ટોપલીમાં નજર કરે છે. પછી ધીમેથી મદારીના કાનમાં કહે છે, “મારા દોસ્ત, તું ખોટી જગ્યાએ મથામણ કરે છે. આ નાગ નહિ પણ ધામણ (આંધળી –ચાકલણ તરીકે ઓળખાતો સાપ) છે, જે ક્યારેય ફેણ ચડાવતો નથી.”
પ્રેરકબિંદુ : કર્મોનો ધ્વનિ શબ્દોથી ઊંચો હોય છે.