એક કિશોરની વાત

 -    છાયા ઉપાધ્યાય

 (શિક્ષિકા, આનંદ કન્યાશાળા, ચિખોદરા, આણંદ)   

   હું તેના પરિચયમાં આવી ત્યારે તે છઠ્ઠાનો વિદ્યાર્થી હતો. ઉંમર જો કે ચૌદેક હશે. ત્યારે મારી શાળાને કમ્પાઉન્ડ વૉલ નહી. ફરિયાદ મળેલી કે તે છોકરીઓને હેરાન કરે છે. તે દિવસે રમતના તાસમાં ખો-ખો રમતી છોકરીઓની વચ્ચે તેને સાયકલના આંટા મારતો જોઇ હું  ધસી, સ્ટીયરીંગ પકડી અટકાવ્યો અને  માસ્તરની સત્તાથી ધમકાવ્યો. હમેંશની જેમ મારી અંદર સવાલોનો ફૂવારો ઉછળતો હતો. મારા સત્તાવાન વર્તનની અસરમાં તે ત્યાંથી જતો તો રહ્યો પણ, મારી ધારણા મુજબ તક મળતાં જ તે પાછો આવ્યો.

      તેના પર ગુસ્સો તો આવ્યો જ, પણ દયા ય આવતી હતી અને  ચિત્તના ઉંબરે એક પ્રિય વિધાન ટકટક કરતું હતું :

 

"પ્રભુ, તેને માફ કર કેમકે
તેને ખબર નથી કે તે શું કરી રહ્યો છે."

- જિસસ ક્રાઈસ્ટ

     

 

 

 

    નજર સામે એક જીવન જાણે પોતાને વેડફવાની નેટ-પ્રેક્ટીસ કરતું હતું.

    તોફાની બાળક માટે મને વિશેષ ભાવ. એમ લાગે કે તેને 'બચાવવું' મારી નૈતિક ફરજ છે. એવું નથી કે, હું આવા બાળકો પર અકળાતી નથી. પણ, એ અકળામણ મારી મર્યાદા છે; એમ મનમાં જાપ કરતી હોઉ છું.

    તો, આ છોકરાનું શું કરવું એ સવાલ ચિત્તની સિતાર બની ગયો, બૅકગ્રાઉન્ડમાં વાગ્યા કરે. તે મારી શાળાનો વિદ્યાર્થી પણ નહીં. 

     મારી વિદ્યાર્થીનીના વાલી સંપર્ક દરમિયાન તેને તેના ઘરમાં જોયો. એક ઓરડા અને નાની પરસાળવાળા ઘરમાંથી મને જોઇ તે થથરી ગયો. તેની મમ્મી જોડે તેની માથાકુટ ચાલતી હતી અને હું પહોંચી હતી. ભાજી સમારી રહેલ તેની  મા આગળ જઇ હું બોલી, ‘ કેમ'લા, નિશાળે નથી ગયો?"

    તે સાથે જ તેની મમ્મીએ કથા માંડી. તેની હાલત કફોડી હતી અને તે આ સ્થિતિમાં મુકાયેલ બીજી કોઇપણ વ્યક્તિની જેમ જાણતો હતો કે તેને સબક શીખવવાની મને મળેલી તક હું ગુમાવીશ નહી.

      હું આવી સોનેરી તક જવા દઉં? મેં તેના વખાણ આદર્યા.  "મજબૂત છોકરો છે."

      આદર્યા ભેગા મને તેનામાં વખાણવા લાયક લક્ષણો, સંભાવનાઓ દેખાવા લાગી. આ નવા સ્ફોટથી ચકિત હોવા છતાં હું જ્યોતિષ જેવા વાક્યો બોલતી રહી. "આ કોઇની શેહમાં નહી રહે. પથ્થરને લાત મારી કમાઇ લેશે." 

      નિ:શંક તે પણ ચકિત થયો હશે પણ મારા ભાવને સંતાડી રહેલી હું તેના ભાવ કળવાની સૂધમાં ન હતી. કાંઈ ચૂકાઇ ના જાય એની લાહ્યમાં હું ઘણું બોલી. 

     તેની મા તો માતૃત્વને વશ, કાચી ક્ષણે મારા બોલ સાથે ધામિૅકતાથી સહમત થઇ ગઇ.

      હું બોલતાં અટકી ત્યારે પોતાના પર આવતા હાસ્ય ઉપરાંત હાશ પણ અનુભવી રહી.

      ખરી કસોટી હવે હતી. મને ખબર હતી કે પોતાની સારપની સાબિતી મેળવવા તે અવારનવાર મારી પાસે આવશે. મને ડર લાગતો હતો, ક્યાંક તેના માટેનો ગુસ્સો હાવી થઇ જશે તો? 

 તે અવારનવાર પ્રત્યક્ષ થવા લાગ્યો. મારી નબળી ક્ષણોને સ્મિતથી ઢાંકી અને સબળ સમયે,  "કેમ છે? શું કરે મમ્મી?"  એમ મારું બોલવાનું ચાલ્યું.

 તે હાઇસ્કુલમાં ગયો તો ખરો પણ ટૂંકા ગાળામાં અભ્યાસ છોડી દીધો. મે તેના એ નિર્ણયને  "બરાબર કર્યું"થી જ બીરદાવેલો. હવે તેણે કમાવવાનું શરૂ કરી દીધું હતું.

     મારી શાળાના પ્રસંગોએ તે કામ આવવા લાગ્યો -  વગર બોલાવ્યે. શાળાનો સામાન ખસેડવાનો થયો -  બે વાર, કેમકે શાળાનું નવું મકાન બન્યું -  ત્યારે તે ખડે પગે. અને હવે તેને મારા પ્રમાણપત્રની જરૂર નહોતી પડતી. સાથી શિક્ષકો આ ઘટના જાણે નહીં. એટલે તેમને સવાલ થાય કે આ કિશોર કેમ આપણા કામમાં સાથ આપે છે? મિત્રોએ તેને ઉચિત મહેનતાણું ચૂકવ્યું અને જવાબ ગોઠવ્યો કે, તે મહેનતાણા માટે આમ કરતો હશે.

     બેશક, મહેનતાણું ચાલકબળ હતું, પ્રેરકબળ તેની જાગૃત સારપ હતી.

      વચ્ચે તેને કહ્યું કે દસમાનું સર્ટીફીકેટ મેળવી લે તો કેટલેક ઠેકાણે કામ આવે. પણ, એ કામ તેને હવે માફક આવે તેવું નથી. તે ઘણા પ્રકારના કામ શીખી ગયો છે, અને તક મુજબ કામ કરી કમાઇ લે છે. 

     લાંબા ફલક પર પથરાયેલા અમારા સંબંધને સમય કેટલો મળ્યો ? શરૂઆતમાં ત્રણ-ચાર દિવસે એક મિનિટ, પછી અઠવાડિયે/ પખવાડિયે એક/અડધી મિનિટ. સ્કુલે આવતાં-જતાં ચાલુ સ્કૂટરે વાત થાય. હવે તો મહિને-બે મહિને.

     મને જરાય ભ્રમ નથી કે કુલ્લે કેટલાક કલાકોના સંવાદથ જ એ જાગ્યો, પણ તે સમય એલાર્મ કે નિમિત્ત બન્યો એમાં ય શંકા નથી.

      ગઇકાલે એના ખુશહાલ ચહેરાને જોઇ આ લખાણ ઊતર્યું.

-- --
-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *