સોનુ અને મોનુ – ૧

    -  નીલમ દોશી

 

દૃષ્ય - ૧ 

પાત્રો:

  • નિકેતભાઇ:   સોનુ,પીનુના પપ્પા
  • રાધિકાબહેન: સોનુ,પીનુની મમ્મી
  • સોનુ:  રાધિકાબહેનનો પુત્ર લગભગ દસ વરસનો
  • પીનુ:         સોનુની બહેન લગભગ આઠ વરસની
  • મોનુ:         સોનુનો મિત્ર તેની જ ઉમરનો

સ્થળ:

  • સોનુનું ઘર. મધ્યમ વર્ગનું હોય તેવું રાચરચીલું છે. પણ તેની ગોઠવણીમાં સુઘડતા દેખાય છે.

( પડદો ખૂલે છે ત્યારે સોનુ અને પીનુ, ભાઇ બહેન સ્કૂલેથી  આવે છે. થોડાં થાકેલાં અને ગુસ્સામાં હોય તેવું  લાગે છે. આવી ને દફતર પછાડીને મૂકે છે )    ત્યાં અંદરથી તેની મમ્મી આવે છે.

મમ્મી:    આવી ગયા મારા દીકરાઓ ?

સોનુ:     તે સમય થાય એટલે આવી જ જઇએ ને ? એમાં શું નવું છે ?

મમ્મી:    કેમ શું થયું , બેટા ? આજે આમ કેમ બોલે છે ?

સોનુ:     બસ..એમ જ.

મમ્મી:    અરે, આજે તો તમારો પ્રિય નાસ્તો તૈયાર રાખ્યો છે. ચાલો,

સોનુ:     ( એમ જ રોષથી ) મારે કંઇ નથી ખાવું. ભૂખ નથી..

મમ્મી:    સ્કૂલમાં કંઇ થયું છે ? કોઇ સાથે ઝગડો થયો ? કોઇ ખીજાયું ?મારો દીકરો તો કેવો હોંશિયાર છે.

એને વળી કોણ ખીજાય ?

સોનુ:      હોંશિયાર તો ઠીક. બધાને નોટ જોતી હોય કે, કંઇ શીખવું હોય ત્યારે સોનુ સોનુ કરે..અને...( અટકી

જાય છે. )

મમ્મી:    અને? અને શું બેટા ?

સોનુ:    (થોડો શાંત થાય છે. ) કંઇ નહીં, જવા દે ને મમ્મી.

મમ્મી:    બેટા, મનમાં જે હોય તે મમ્મી ને તો કહેવાનું ને ? શું થયું ?

સોનુ:     થાય તો શું ? પણ પેલા મોનુને કંઇ આવડે નહીં તો  પણ બધા તેની ચમચાગીરી કરવામાંથી જ  ઊંચા ન આવે. જોયો ન હોય તો મોટો પૈસાવાળો. !

પીનુ:     હા, મમ્મી, એ ગાડીમાં સ્કૂલે આવે ને એટલે એવો તો રોફ મારે બધા પર. અને બધાને ચોકલેટ ને બધું ખવડાવતો ફરે એટલે બધા તેની આગળ પાછળ ફર્યા કરે.  (રોષથી ) અને પછી શીખવું  હોય ત્યારે બધા મારા ભાઇ પાસે આવે.

મમ્મી:    વાહ ! ભાઇની ચમચી બોલી.  જવા દે ને બેટા, એને બોલવા દેવાનું  જે બોલવું હોય તે..આપણે ધ્યાન જ નહીં આપવાનું. મારો   સોનુ તો ટયુશન વિના પણ પહેલો નંબર આવે જ છે ને ?

પીનુ:     મમ્મી, હું  યે પહેલો નંબર લાવું છું હોં!

મમ્મી:    હા, ભાઇ હા, મારી ટેણકી ભૂલાઇ જાય એ કેમ ચાલે ?

પીનુ:     અમને ન આવડે તો તું કે પપ્પા કેવું સરસ શીખડાવો છો ? એટલે અમને તો આવડે જ ને ? મમ્મી, સ્કૂલમાં બધા ટીચર. મારા અને ભાઇના કેટલા વખાણ કરે છે - ખબર છે ?

મમ્મી:    એમ? વાહ ! હવે હું યે તમારી જેમ કહુંને કે, દીકરા કોના ? તમે મને કહો છો ને કે મમ્મી કોની ?  એની જેમ જ. બરાબરને ? (હસે છે.)

(ત્યાં પીનુ દોડીને મમ્મીને ભેટી પડે છે અને બોલે છે. )

પીનુ:     દીકરા પપ્પાના. ( હસે છે.)

મમ્મી:    વાહ ! (ભેટે છે)  મમ્મી ને અને દીકરી પપ્પાની.

સોનુ:     ( હસી ને ) દીકરી નહીં ચમચી પપ્પાની.

પીનુ:     એ તો પપ્પા અત્યારે હાજર નથી ને એટલે  એને બદલે તને વહાલ કરી લીધું. ( ખડખડાટ હસી પડે  છે. )

સોનુ:      હા, અને પપ્પા આવે એટલે પાટલી બદલાઇ જાય. મમ્મી, આ પાટલીબદલુ છે હોં.  પપ્પાની ચમચી છે.

પીનુ:      અને તું મમ્મીનો ચમચો.

સોનુ:      તું ચમચી. (બંને એક બીજાની મસ્તી કરે છે. એક બીજાને પકડવા દોડાદોડી કરે છે. મમ્મી  આનંદથી ભાઇ બહેનની મસ્તી જોઇ રહે છે. )

મમ્મી:     બસ, બસ. લો , આ તમારો ગરમાગરમ નાસ્તો.

પપ્પા:     (અચાનક પાછળથી આવે છે. ) અને આ તમારી સ્ટોરીબુક. (પીનુ દોડીને પપ્પાને વળગે છે. )

પીનુ:      ઓહ! પપ્પા આવી ગયા?

પપ્પા:     આવી યે ગયો અને તમારી સ્ટોરીબુક લાવતાં ભૂલ્યો પણ નથી હોં ! જુઓ, આ એક પુસ્તક  ખરીદીને લાવ્યો. અને આ બીજી એ ચોપડીઓ લાઇબ્રેરીમાંથી લાવ્યો.

પીનુ:       ( એકદમ ખુશ થઇને )  થેન્કયુ, પપ્પા. અને આજે રાત્રે કેટલી વાર્તા ?

પપ્પા:      તમે કહો તેટલી. ઓકે ? અને આ રવિવારે આખો દિવસ પીકનીક માં જવાનો પ્રોગ્રામ બની ગયો  છે હોં.

પીનુ:       પપ્પા, આ રવિવારે ત્યાં આપણે  રમીશું  ને ત્યારે મમ્મીને હરાવી દેવાની છે હોં.

સોનુ:       મમ્મી સાથે હું હોઉં પછી મમ્મી હારે કયાંથી ? આ વખતે હારશે પપ્પા.

પીનુ:       પપ્પા કયારેય ન હારે.

સોનુ:       મમ્મી પણ ન હારે.

પીનુ:       પપ્પા ન હારે. ( ફરી ભાઇ બહેનની મસ્તી, ધમાચકડી ચાલુ થાય છે. મમ્મી, પપ્પા આનંદથી  જોઇ રહે છે. )

મમ્મી:      કેવા ડાહ્યા છે આપણાં છોકરાંઓ. !

પપ્પા:      હોય જ ને ? તું આખો દિવસ તેમની સાથે જ હોય છે.તું આટલી ભણેલ ગણેલ. અને સામેથી  નોકરી મળતી હોવા છતાં બાળકો માટે તેં એ બધું જતું કર્યું. એ મહેનત ફળે તો ખરી જ ને ? એ  ભોગ રંગ લાવે જ ને ?

મમ્મી:      ભોગ વળી શાનો ? પોતાના સંતાન માટે દરેક મા કરતી જ હોય છે ને ? એમનો વિકાસ, એમનો આનંદ જોઇને મને જે ખુશી મળે છે. એની તોલે બીજું  કંઇ ન આવે. થોડા પૈસા ઓછા મળે  એટલું જ ને ? પણ જે ગુમાવીએ છીએ તેના કરતાં જે મેળવીએ છીએ તેનું પલ્લુ ભારે છે. અને  આપણી જરૂરિયાત જેટલું તો તમે કમાવ જ છો. પછી શું ? ગાડીને બદલે સ્કૂટર પર જઇએ છીએ; એટલું જ ને ? પણ બાળકો સાથે આખો દિવસ રહી તો શકાય છે. એ શું ઓછું છે ?

પપ્પા:    છતાં યે આ જમાનામાં પૈસા કે કેરીયરનો મોહ જતો કરવો એ કંઇ જેવી તેવી બાબત નથી.કેટલા  મા બાપ એ કરી શકે છે ? ( ત્યાં સોનુ, પીનુ દોડીને મમ્મી, પપ્પાનો હાથ પકડી તેમને પણા  પોતાની સાથે ફેરવે છે. ચારેયની મસ્તીથી ઘર ગૂંજી રહે છે. )


દૃષ્ય -૨ આવતા રવિવારે

    -     તેમનો બ્લોગ 'પરમ સમીપે' 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *