વાત અમારા ગ્રેગરીની

   -   શૈલા મુન્શા

    Echolalia is a condition associated with autism.  A child with   echolalia repeats  noises and phrases that they hear. It’s meaningless repetition of another person’s spoken words as a symptom of psychiatric disorder.

    આનો અનુભવ  અમને પણ થયો.

     “Echolalia” શબ્દ મેં પહેલીવાર અમેરિકામાં સ્પેશિયલ નીડ વાળા બાળકો સાથે કામ કરતાં સાંભળ્યો. શબ્દ કાંઈ નવો ન હતો, પણ કદાચ એવી કોઈ જરૂર ન પડવાને કારણે વધુ ઊંડા ઉતરવાનુ થયું નહિ.

      ગ્રેગરી પહેલી વાર અમારા ક્લાસમા આવ્યો. ત્રણ વર્ષનો ગ્રેગરી આંખે ઓછું જુવે છે. ગોરો ગોરો રેશમી સોનેરી જુલ્ફાવાળો ગ્રેગરી જોતાની સાથે જ કોઈની પણ આંખમા વસી જાય. છે ત્રણ વર્ષનો પણ બૌધિક સ્તરે હજી જાણે ભાંખોડિયા ભરતું બાળક. મમ્મી હમેશ એને તેડીને ફરે એટલે ચાલવાનો ચોર. અમારી સામે પણ હાથ લાંબો કરી ઊભો રહી જાય. ખાવામાં બેબી ફુડ અને દુધની બોટલ. ચકોર એટલો કે ઘડીભરમા ક્યાં થી ક્યાંય પહોંચી જાય. પૂરૂં દેખાય નહિ પણ ઊઠતો, ગબડતો આખા ક્લાસમા ફરી વળે. ભૂખ લાગે ત્યારે ભેંકડો તાણે અને પળભરમાં ખાવાનું જોઈએ. એ સિવાય એટલો ખુશમિજાજ કે પરાણે લાડ કરવાનુ મન થાય.

    સ્કુલમા બધા એને જોઈ રમાડવા ઊભા રહી જાય અને મજાકમા કહે, "સમન્થા તું એની મા અને મીસ મુન્શા એની દાદી." ગ્રેગરી બે ચાર દિવસમા જ અમારો હેવાયો થઈ ગયો. અમે હાથ પકડીને ચલાવી તો સરસ ચાલવા માંડ્યો. અમારી સાહિરા તો જાણે એની મોટી બેન હોય તેમ એટલું બધુ એનુ ધ્યાન રાખે.

     ગ્રેગરીની જોવાની તકલીફ અને માનસિક વિકાસના ઓછપનુ કારણ એની મમ્મીના બોયફ્રેન્ડે  જ્યારે એ માંડ બે વર્ષનો હતો, ત્યારે પછાડ્યો હતો, કારણ એનુ રડવાનુ બંધ નહોતું થતું. ઊગતી જુવાનીનુ   જાતીય સુખ, અને પરિણામ સ્વરૂપ બાળક. આ પછડાટના કારણે ગ્રેગરીની મગજની એક નસ દબાઈ, અને એની અસર આંખ અને મગજ પર થઈ.

     ધીરે ધીરે ગ્રેગરીનુ બોલવાનું શરૂ થયું. શરૂઆતમાં તો બધાને એની કાલી ભાષા સાંભળવી ખુબ ગમતી. હમેશ હસતું રહેતું બાળક કોને ન ગમે?

      અમારા બધા બાળકોને સ્પીચ થેરાપી મળતી હોય, જે એમની વાચાનો વિકાસ કરવામાં મદદરૂપ થાય. એક બીજાના સહવાસે બાળકો જલ્દી બોલતાં શીખે. એકાદ વરસ પછી અમારી સ્પીચ થેરાપિસ્ટના ધ્યાનમાં આવ્યું અને અમે પણ જોયું કે,  જે અમે બોલીએ તે ગ્રેગરી બોલવાનો પ્રયાસ કરે છે. “મોનિકા બેસી જા.” એ વાક્ય પુરું થાય ત્યાં તો ગ્રેગરીનો અવાજ સંભળાય,”બેસી જા.”

      શરૂઆત તો નાના શબ્દોથી થઈ. ધીરે ધીરે કોઈ નર્સરી રાઈમની પંક્તિ આખો દિવસ ગવાતી ગઈ. ખરી મજા તો ત્યારે આવી કે ઘરમાં પણ મમ્મી એની સાથે જે વાત કરતી હશે તેનું પુનરાવર્તન ક્લાસમાં થવા માંડ્યું. ગ્રેગરીને નાની એક વર્ષની બેન છે. ગ્રેગરી કદાચ બેબીને હેરાન કરતો હશે અને દરેકની મમ્મી જેમ કહે કે, 'બેબીને અડ નહીં, તારા રુમમાં જા, આ સારું ના કહેવાય.'(Don”t touch baby. Go to your room. It is not nice.) એ બધું ગ્રેગરી ક્લાસમાં આવી રમતાં રમતાં પોતાની ધૂનમાં બોલતો હોય, અને જે લહેકામાં મમ્મી બોલતી હોય એ જ લહેકામાં બોલતો હોય. મમ્મીએ જો ગુસ્સામાં કાંઈ કહ્યું હોય તો ગ્રેગરીનો લહેકો પણ એવો ગુસ્સાવાળો જ!

      અરે ! ક્લાસમાં પણ નાના શબ્દોમાંથી વાક્યોમાં પુનરાવર્તન થવા માંડ્યું. અમે જે  બોલીએ એનો પડઘો તરત પડ્યો જ હોય, ” એમીલી તારૂં નામ લખ.”, એટલું બોલીએ ત્યાં  તો પાછળ અવાજ સંભળાયો જ હોય. અમે બે શિક્ષકો એકબીજા સાથે વાત કરતા હોઈએ અને ગ્રેગરીને કાને કોઈ શબ્દ પડે, તો એનો પડઘો પડ્યો જ સમજો. એકબાજુ હસવું આવે અને બીજી બાજુ બોલતાં પહેલાં ચાર વાર વિચારવું પડે. એ સાથે ગ્રેગરીનો ગુસ્સો પણ વધ્યો, અને ગુસ્સામાં હોય ત્યારે ઘણુ બધું સાથે બોલી કાઢે.

     સામાન્ય રીતે દરેક બાળક બોલતાં શીખે ત્યારે મોટાઓનું અનુકરણ બોલવામાં કરતું હોય, પણ સ્પીચ થેરાપિસ્ટે અમને સમજાવ્યું કે માનસિક રીતે મંદ બુધ્ધિવાળા બાળકોમાં આ પ્રતિક્રિયા વધુ જોવા મળે જેને Echolalia કહેવામાં આવે.

“Echolalia is a condition associated with autism.”

   કેવા અનોખા આ બાળકો અને કેવી અનોખી એમની વાતો !!!

તેમનો બ્લોગ અહીં....

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *