દુનિયાની સફર – ૯

     -    કલ્પના દેસાઈ

https://www.huffingtonpost.in/2018/03/16/asian-american-author-explains-the-beautiful-struggle-behind-chinglish_a_23387229/?utm_hp_ref=in-lifestyle

https://www.huffingtonpost.in/2018/03/15/so-thats-why-we-call-it-pizza-margherita_a_23386200/?utm_hp_ref=in-lifestyle

https://www.weirdasianews.com/2016/01/22/270-hong-kong-couples-participate-in-doggy-style-yoga-set-world-record/

       ૧) ભેળસેળિયા ભાષા

      સૌને પોતાને સમજાતી ભાષા સાથે બહુ જ પ્રેમ હોય છે. ચાહે પછી તે મા, માસી કે સાસુની ભાષા કેમ ન હોય? એકબીજાને સમજવામાં જે ભાષા કામ કરી જાય તે ખરી ભાષા. ભણતર તો પછી આવે ને એમાં તો ભાષા શીખવાની કોઈ લિમિટ જ નથી. 

     દુનિયાના કોઈ પણ છેડે રહેતા લોકોને એકબીજા સાથે જોડતી કડી તે ભાષા ચાહે કોઈ પણ હો, બે વ્યક્તિ  વચ્ચે થતી આપ–લેની ભાષા કે બોલીને એક નામ મળી જાય. આપણે ત્યાં જેમ ગુજલિશ, હિંગ્લિશ, પંગ્લિશ, બંગ્લિશ વગેરે વગેરે છે તેમ સિંગાપોરમાં સિંગ્લિશ છે ને ચીનમાં? ચિંગ્લિશ! ઈંગ્લિશમાં ચીં ચીં સાંભળો તો સમજી લેવાનું કે ચિંગ્લિશ બોલાય છે. એક એશિયન અમેરિકન લેખિકા ગિશ જેનના ધ્યાનમાં આવ્યું કે, જે દેશમાં રહેતાં હોઈએ ત્યાંની ભાષા પૂરેપૂરી ન આવડે તો કંઈ વાંધો નહીં. પોતાની ભાષા સાથે એને મેળવીને એક મિશ્ર ભાષા બોલી શકાય. ભાષાની ભેળ તો વધારે સ્વાદિષ્ટ લાગે! એક્ટ્રેસ કોન્સટન્સ વૂ કહે છે, પરદેશથી આવીને રહેલા લોકોએ શા માટે પોતાની વાતો છુપાવવી જોઈએ? એમની તો અવગણના પણ ન થવી જોઈએ. બે ભાષાની ખિચડીને પોતાના અંદાજથી પેશ કરવામાં કોઈએ શરમાવું ન જોઈએ.

        ૨) માર્ગેરિટા પીઝા

       પિઝા કહેવાતા પિત્ઝાની વેરાયટીની દુનિયામાં કોઈ કમી નથી. પ્લેન પિઝા અને ચીઝ પિઝા સિવાય એક બહુ જાણીતું નામ છે પિઝા માર્ગરિટા! અરે! આ તો ઈટલીની એક સમયની પટરાણીના  નામના પિઝા! 

    વાત કંઈક એમ બનેલી કે રાણી એક વાર રાજા સાથે ફરવા નીકળેલી. નેપલ્સ પહોંચતાં સુધીમાં તો ફ્રેન્ચ ફ્રાઈઝ(બટાટાની તળેલી સોલ્ટી ચીરીઓ) ખાઈ ખાઈને બિચારી કંટાળી, એટલે પિઝેરિયા બ્રાન્ડના ચિફ શેફે રાણીને આ ત્રણ રંગના બનેલા પિઝા ખવડાવ્યા. અને પછી તો ઈતિહાસ બની ગયો.

     રાણીને તો એ પિઝા એટલા ભાવ્યા કે, ‘આ પિઝાને મારા નામથી ઓળખાવવામાં આવે.’ એવી રાજા પાસે એણે જિદ પકડી ને રાજા બિચારો 'હા' સિવાય શું બોલે? એ ત્રણ રંગો છે, ટામેટાનો લાલ, તુલસીનો લીલો અને ખાસ ઈટાલિયન ભેંસના દૂધમાંથી બનેલ ચીઝનો સફેદ! એ તો પાછો ઈટાલિયન ઝંડાનોય રંગ. બીજી પણ એક વાત જાણે એમ છે કે ડેઈઝીના ફૂલ જેવો પિઝાનો દેખાવ હોવાથી ને માર્ગરિટાનો અર્થ ડેઈઝી થતો હોવાથી આ નામ પડ્યું! જે હોય તે, નામ બહુ સુંદર છે ને પિઝા સ્વાદિષ્ટ. આપણે બીજું શું જોઈએ?

       ૩) ઉંદરનો શિકાર

      જે દેશમાં ખેતી થતી હોય ત્યાં પાકને પશુ, પક્ષી ને ઉંદરોથી સાચવવા એ ખાવાના ખેલ નથી. જો આ બધાનું આક્રમણ થાય તો ખેડૂતની આખા વરસની મહેનત સાથે કમાણી પણ પાણીમાં જાય. ચાડિયાથી ન બીતાં પક્ષીઓ કે પિંજરામાં ન ફસાતા ઉંદરો કે વાડ તોડીને ભરાઈ જતાં ઢોર ખેતીને નુકસાન પહોંચાડે ત્યારે શો ઉપાય થઈ શકે?

       બાંગલા દેશની સરકારે ઉંદરો દ્વારા દેશનો દસ ટકા સાફ થતો પાક બચાવવા અને લોકોનો જીવ બચાવવા ઉંદર મારવાનું અભિયાન ચલાવેલું. એક જ વરસમાં ખેડૂતોએ પચીસ લાખ ઉંદરોનો ખાત્મો બોલાવ્યો. એમાં કુમાર કરમાકર નામના ખેડૂતે ચાલીસ હજાર ઉંદર માર્યા અને ગણતરી કરવા પૂંછડીઓ પણ સાચવી! એટલે એને વિજેતા જાહેર કરીને સરકારે સોનીનું કલર ટીવી ઈનામમાં આપ્યું! શું કોઈ દેશમાં ઉંદર મારવા સિવાય પાક બચાવવાનો બીજો કોઈ પાક રસ્તો નહીં હોય?

     પછી તો સાત પૂંછડીવાળા ઉંદરની વાર્તા કેવી રીતે કોઈ ભણશે?

      ૪) યોગ, યોગા કે ડોગા?

      હોંગકોંગમાં એક અદ્ભૂત રેકોર્ડ નોંધાયો. કૂતરાને સાથી તરીકે રાખીને બસો સિત્તેર લોકોએ યોગાસનો કર્યા! શું કૂતરાને પણ યોગનાં આસનો શીખવી શકાય? અરે ભાઈ! તમે જો ધ્યાનથી જોશો તો કૂતરાની દરેક અંગડાઈમાં તમને યોગની ઝલક દેખાશે. કૂતરો જ્યારે આળસ મરડે, ઊંઘ ખેંચીને ઊભો થાય કે શિકાર તરફ એકટક જોતો હોય ત્યારે એનું શરીર જે રીતે ખેંચાય તે એક જાતનું આસન જ ને? નિરાંતે ઊંઘે તે શવાસન નહીં? ભસતી વખતે ગળાસન ને દોડતી વખતે ઝડપાસન કહેવાય કે નહીં?

       ખેર, આ બસો ને સિત્તેર લોકોએ તો ગિનેસ બુકમાં નામ નોંધાવ્યું અને પોતાના ફેવરેટ સાથી સાથે યોગાસનનો આનંદ પણ લીધો. ખરું જોવા જાઓ તો આમાં કૂતરાને ટ્રેઈન કરવાની ક્યાં જરૂર જ પડી? એકબીજાને જોઈને જ યોગ શીખી લેતા હોય તો ડોગાસન જેવાં કોઈ આસન નહીં.


નોંધ -  નીચેના કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી નવી વિન્ડોમાં મોટું જુઓ. ફરી ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.

માર્ગેરિટા પીઝા
માર્ગેરિટા રાણી
હોન્ગકોન્ગ
ડોગાસન
ડોગાસન
ઉંદરનો શિકાર - બાંગલા દેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *