- અજય ઓઝા
રોલ નંબર પંદર..
‘યસ સર.’ આ મીરા હતી. ગજબની છોકરી આ. પ્રોફાઇલમાં પૂરા કદનો ફોટોગ્રાફ. પગથી માથા સુધીનો. ઊંચાઈ ૧૧૪ સેમી. વજન ૨૩ કિલો. પહેલેથી જ એને પોતાની ઊંચાઈ અને વજનમાં ખૂબ રસ પડતો.
મેં તેની ઊંચાઈનો ગ્રાફ ખોલ્યો, ધાર્યા કરતા વધુ મજબૂત દેખાયો. ધોરણ ૧ માં ૮૮ સેમી., ધોરણ ૨ માં ૯૫ સેમી, અને એ રીતે વરસો વરસ તેની ઊંચાઈનો ગ્રાફ આગળ વધી રહ્યો હતો. વર્ગની એ લગભગ સૌથી ઊંચી છોકરી રહી હશે. પણ એ વાત એને ખ્યાલ આવ્યો ત્યારથી એ અવાર નવાર આવીને ઉત્સાહથી કહે, ‘સાયબ, હું હવે કેવડી થઈ હોઈશ ?’
આમ તો હું ચાર-છ મહિને એક વાર સૌની ઊંચાઈ ને વજન નોંધતો. પણ મીરા લગભગ દર મહિને પરાણે વજન માપવા દીવાલ પરના ચાર્ટ ને લગોલગ ઊભી રહી જાતી, ને એટલું જ ઉત્સાહથી પૂછતી, ‘આજે હું કેવડી ?’
બીજા ધોરણના બીજા સત્રનું વેકેશન ખૂલ્યું કે પહેલે જ દિવસે એ દોડતી મારી પાસે આવી, ‘સાયબ!’
‘હા, બોલ બેટા, દીવાળી કરી આવી ? મામાને ઘેર જઈ આવી ? ફટાકડા ફોડ્યા ?’ બધાને પૂછુ એવા રુટિન સવાલો મેં એને કર્યા.
‘ના.’ એણે નકાર ધીમે કર્યો પણ માથું જોરથી ધૂણાવ્યું.
‘કેમ ?’
‘પેલા મારી ઊંચાઈ માપી લ્યો હાલો..’ કહેતાંક એ દોડીને વર્ગની દીવાલ પરના ઊંચાઈનાં મેં અંકિત કરેલા ચાર્ટને લગોલગ ઊભી રહી ગઈ.
મેં માપન કર્યું ને બોલ્યો, ‘અરે વાહ મીરા, તું તો વેકૅશનમાં બહુ વધી ગઈ !’
એના ચહેરા પર ખુશી દોડવા લાગી. મેં પૂછ્યું, ‘હવે તો બોલ, તું વેકૅશનમાં કરતી’તી શું ?’
‘હું છે ને.. સાયબ.. છે ને..’ ઉત્સાહ વધુ છલકાવા લાગ્યો.
‘હા હા, બોલ, શું કરતી’તી વેકૅશનમાં ?’ મેં પન ઉત્સુકતા દર્શાવી.
એ બોલી, ‘વેકૅશનમાં છે ને સાયબ, હું મોટ્ટી થાતી’તી !’
કહેતાંકને એ તો દોડી ગઈ પોતાની બહેનપણીઓને ઊંચાઈ ની વાત કરવા.