દુનિયાની સફર – ૧૦

     -    કલ્પના દેસાઈ

http://gettingnowhere.net/2014/08/street-art-malaysia/

ગલી કળા

      ગલી–કળા વિશે કંઈ જાણો છો? અરે સૉરી! સ્ટ્રીટ આર્ટ વિશે તો જાણતાં જ હશો. આપણા દેશના કદાચ દરેક શહેર ને ગલીની ગલી–કળા તો બહુ પ્રખ્યાત છે. વળી એ ગલીની નજીકમાં જ જો કોઈ  દિવાલ કે ખૂણો કેનવાસ તરીકે મળી જાય તો કોઈ પણ સૂ સૂ, છી છી કે થૂ થૂ કરનારા કલાકારને મોકળા મેદાન જેવી રાહત મળી જાય. એ બધા કલાકારોની કદર કરવા સરકારે નાછૂટકે સ્વચ્છ ભારત અભિયાન ચલાવવું પડ્યું. બાકી તો દુનિયાની કોઈ પણ સ્ટ્રીટ આર્ટને ટક્કર મારે એવી તદ્દન મફત ને એકદમ ઈન્સ્ટન્ટ કળા બતાવનારા અસંખ્ય કલાકારો ભારત દેશમાં શોધવાય ના પડે એ રીતે આપણને આંખ ઝપકાવતાં જ મળી આવે.

       ખેર, આજે વાત કરવી છે મલેશિયાના સ્ટ્રીટ આર્ટિસ્ટોની. આ કલાકારો જૂના મકાનોની દિવાલો પર એવી કળાનો જાદુ પાથરે, કે ત્યાંથી પસાર થનાર તો ખરા જ પણ ખાસ એ કળા જોવા આવનારા પણ દંગ રહી જાય. આ ચિતારા આજુબાજુના માહોલને ચિત્રમાં વણી લઈને આબેહૂબ જીવંત દ્રશ્ય ઊભું કરી દે ત્યારે થાય કે ખરી ગલી–કલા તો આ. દુનિયાના ઘણા દેશોમાં આ કળા જોવા મળે છે. ભારતમાં પણ સારા ને સભ્ય કલાકારોએ ઘણા શહેરોમાં પોતાની સ્ટ્રીટ આર્ટનો જાદુ, પેલી ગંદી દિવાલોના અસલ ચિત્રોને ધરમૂળથી બદલી નાંખીને બતાવ્યો છે ખરો. એમને સલામ કરતાં આપણે જઈએ મલેશિયા.

      ૧) સાઈકલ પર ડબલ સીટ જતાં આ બે બાળકોના આનંદની તોલે કદાચ કંઈ જ નહીં આવે. મોટાભાઈનું પેટ ટાઈટ પકડીને એને સહારે પાછળ બેઠેલો નાનો ભાઈ સાચી સાઈકલ પર નથી બેઠો એ માનવામાં આવે છે? ફક્ત એક સાઈકલને દિવાલને સહારે મૂકીને બાકીનું ચિત્ર પોતાના મનના રંગોથી સજાવનાર કલાકાર ખરેખર દાદને લાયક તો ખરો. આપણનેય મન તો થઈ જાય કે બે ઘડી સાઈકલ પર બેસીને આપણેય આવો આનંદ લઈ લઈએ.

       ૨) પગ ઉપર પગ ચડાવીને નિરાંતે બેઠેલા આ સાઈકલ–રિક્ષાવાળાને જુઓ. સવારથી યાત્રીઓને મલેશિયાની સૈર કરાવતાં કરાવતાં એ થાકે ત્યારે બે ઘડી આરામ તો કરે ને? કદાચ સાથે લાવેલું ટિફિન ખાઈને પણ બેઠો હોય. કદાચ બે ચાર ઝોકાં મારવાની તૈયારીમાં પણ હોય યા તો એણે ઝોકાં મારી પણ લીધાં હોય! ચિત્ર જોઈને તો એવું જ લાગે કે જાણે એની રિક્ષા માટે ખાસ દિવાલ પર રિક્ષા–સ્ટેન્ડ બનાવ્યું હોય અને એ બધાથી ઊંચે બેસીને બધાંને જોવાની મજા લેતો હોય!

      ૩) આ જાડી પાડી માસીને જુઓ. ખાઈ પીને મસ્ત તગડી થઈ ગઈ છે. સતત સતર્ક રહેતી એની આંખો બીક લાગે એવી જ છે ને તોય પેલા બે મિત્રો એની તદ્દન નજીક બેસીને ફોટો પડાવવાની હિંમત કરે એટલે એમને શાબાશી તો આપવી પડે. જો કે આ મહારાણી કોઈ પણ પળે એનો પંજો પેલા લોકોના ગળા ફરતે ભેરવીને એમને પરેશાન કરી શકે ખરી! પછીનું તો એ લોકો જ જાણે.

       ૪) કોઈક ઘર, દુકાન કે નાનકડી હૉટેલની બહાર ગટર પર તારથી બાંધીને ઈંટ પર ટેકવેલી ખુરશી પર ચડીને, ઊંચા ગોખલાના પેલા ખુલ્લા ડબ્બામાંથી આ છોકરાને શું જોઈતું હશે? શું એના મોટા ભાઈએ અંદર લખોટીઓ સંતાડી હશે? કે પછી એમાં ભમરડો ને દોરી હશે? કદાચ થોડી ચોકલેટો પણ સંતાડી હોય તો કંઈ કહેવાય નહીં. મોટો ભાઈ સારી રીતે જાણે છે કે, કોઈની મદદ વગર એકલા તો આ નાનકાથી ડબ્બા સુધી પહોંચાવાનું નથી. દિવાલ પર બીજા કોઈ ખાંચા કે ગોખલા પણ નથી એટલી નિરાંત છે. નાનકાથી ફક્ત ચાર આંગળ દૂર રહી જતો ડબ્બો જોઈને એમ થાય કે કાશ, થોડો નીચો આ ગોખલો હોત તો એને એની જોઈતી વસ્તુ મળી જાત. પછી ભલે એ ખુરશી પરથી નાનકડું ગડથોલિયું ખાઈ જાત કે પછી ખુરશી ડગુમગુ થઈને એને ગભરાવી કાઢત ને એ ઝડપથી પેલી વસ્તુ હાથમાં ટાઈટ પકડીને કૂદકો મારી દેત!

       ૫) બાળપણમાં હીંચકે ઝૂલવાનો આનંદ કોણે નહીં લીધો હોય? આ બે ટેણિયાં હીચકે ઝૂલતાં કેટલાં ખુશ દેખાય છે! જાણે કે સામે માબાપ ઊભાં હોય અને એમને હીંચકો નાંખતાં હોય! આપણે જો ત્યાં હોઈએ તો નક્કી બોલી પડીએ, ‘એય ધીરે...પડી જશો.’

તો આ છે સ્ટ્રીટ આર્ટનો જાદુ. હવે કહો કઈ સ્ટ્રીટ આર્ટ પસંદ કરશો?

આવાં બીજાં ઘણાં ચિત્રો અહીં જુઓ અને માણો


નોંધ -  નીચેના કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી નવી વિન્ડોમાં મોટું જુઓ. ફરી ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.

ડબલ સવારી
આરામ કરતો રીક્ષાવાળો
હિંચકે ઝૂલવાની મઝા
જાડી પાડી બિલ્લી માશી
એને શું જોઈએ છે?
કામગરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *