- જયશ્રી પટેલ
નમસ્તે વહાલાં બાળ મિત્રો,
કેમ છો, મજામાં ને? હવે તો શાળા ખૂલવાની. પાછા સવાર સાંજ ભણવાનું ને રમવાનું તો કેવી રીતે? ઘરકામ પણ કરવાનું! ને વાર્તા પણ સાંભળવાની દાદા દાદી પાસે,મમ્મી પપ્પા પાસે. ને પછી મિત્રોને સંભળાવવાની.
વાર્તા નં.૮
બરકેશને દાદા બકોર પટેલ હમેશાં કહેવતો સંભળાવે કે,
- સંપ ત્યાં જંપ.
- મન હોય તો માળવે જવાય.
- સાંચ ને આંચ નહિ.
- હિમ્મતે મરદા તો મદદે ખુદા
વગેરે વગેરે.
બાળકો, તમે પણ સાંભળી હશે. બરકેશ તો એકવાર કશેકથી સાંભળી આવ્યો તો કે,
- જાત જાતના દ્વેષી.
- વૈદ્ય વૈદ્યનો વેરી.
- જાત જાતનું ખોદે.
- બિલ્લા,બ્રાહ્મણને કૂતરાં,એ ત્રણેયનો અણરાગ.
- તેમને પાડાખાર પડ્યા છે.
- કૂતરો કાશી જઈ આવ્યો, તે ઘેર આવીને ગામેગામ નાતીલાનું દુ:ખ ગાયું.
"દાદા સમજાવો. દાદી સમજાવો." અરે બકા જમાદારને કહે, "તમે સમજાવો."
દાદાએ તો સોંપી જવાબદારી બકા જમાદારને કે, હવે સમજાવ ભાઈ આ એકવીસમી સદીના તારા પુત્રને. બરકેશ કહે -
પાડા ખાર શું હોય..?
પાડા એટલે ભેંસના બચ્ચાં. જાનવરો માં સૌથી દ્વેષીલી પ્રજા એટલે પાડા. માનવી માનવી કે પ્રાણી પ્રાણી વચ્ચે કટ્ટી શત્રુતા થાયને ત્યારે બોલાય કે “તેમને પાડા ખાર પડ્યા છે” પાડાઓ વચ્ચે પરસ્પર ખાર (દ્વેષ) જબરજસ્ત એટલે પાડા બિચારા બદનામ.
બરકેશને આટલાથી સંતોષ ન થયો એટલે “કૂતરો કાશીએ જઈ આવ્યો તે ઘેર આવીને ગામેગામ નાતીલાનું દુ:ખ ગાયું.“ - એમ કેમ સમજાવોને?
બકા જમાદારે સમજાવા માંડ્યું કે, એક દિવસ કૂતરો કાશીની જાત્રાએ ગયો. તે કાશી, મથુરા, શ્રીનાથજી, ગોકુળ જઈ ઘરે આવ્યો. સગાવહાલાંએ કુશળ સમાચાર પૂછીને જાત્રાની હકિકત પૂછી. ત્યારે કહે કે , ”સિધ્ધપુરમાં લાડવા ખૂબ ખાધા, શ્રાધ સાર્યા બધા શ્વાન (કૂતરા)નો ભાગ કાઢે તે આરોગ્યું. શ્રીનાથજીનો તો પ્રસાદ એટલે મહા ભોજ. તેજ પ્રમાણે ગોકુળ,મથુરા ને વૃંદાવનમાં પણ ખાવા પીવાની મોજ મોજ. યાદ કરૂ તો આજે પણ મોંમા પાણી વછૂટે..હવે એ ભોજન તો ક્યારે મળશે? ખાવા પીવાનું સુખ બહુ પણ ગામે ગામે નાતીલા એટલે કૂતરાભાઈ બંધુઓ નું દુખ ભારે,ગામમાં પેસવા જ ન દે! ને ગામ બહાર મને કાઢી મૂકવા ટોળાબંધ નાતીલા આવે,એ દુ:ખ ધણું પડ્યું, સુખ તો આવ્યું પણ ઝેરીલા નાતીલાનું દુ:ખ ભારે.આમ તેમણે પણ ઝેર તો ઓક્યું. ગામે ગામનાં નાતીલાને વગોવ્યાં તેથી આ કહેવત પડી.બાળકો ક્યારેય આપણાં જાતભાઈ કે મિત્રો મળે તો મળીસંપીને રહેવું, ભાગ વહેંચી ખાવું પીવું ને મળે તેમાં સંતોષ માનવો,ક્યારેય કોઈની નિંદા ન કરવી, ને સમય આપતા મિત્ર ને ક્યારેય અવગણવો નહિ,આપણો સ્વાર્થ જોવો નહિ ને મિત્રના આત્માને દુભવવો નહિ.નહિ તો કૂતરાભાઈઓ જેવું થાય.
ગમી ને કહેવતની સમજણ? આપણી ભાષામાં અનેક કહેવત છેને એને લગતી અનેક વાર્તાઓ ,દોહરાઓ..કવિતાઓ પણ.શોઘજો અને અનેકોની વાર્તાઓ સાંભળજો નવું નવું શીખજો.
દોહરો સાંભળો...
જાત જાતનો વેરી,તે જાત જાતને ખાય;
ભાત બ્રાહ્મણ,ને કૂતરાં, દેખ દેખ ઘુરકાય.
પંડ્યો,પાડો ને કૂતરો ત્રણે જાતના દ્વેષી;
નાગર,કાગડને કૂકડો,એ ત્રણે જાતના હોંસી.
સમજ્યા પ્રાણને પ્રકૃતિ મરીએ ત્યારેજ બદલાય. માટે સારી ટેવો ને સદગુણ કેળવો.
ચાલો પાછા મળશુ આવતા મંગળવારે. અવનવું બકા જમાદાર પાસે જાણવા.