મૅરી: મા અને દીકરી!

- ગીતા ભટ્ટ

     બાળઉછેર એ એક એવું ક્ષેત્ર છે જ્યાં માતાની જવાબદારીઓ પિતાની ફરજો કરતાં ઘણી વધારે હોય છે. આખરે તો એ નવ માસ માના પેટમાં તો ઉછરતું હોય છે. 

      ગાંધીજીએ કહ્યું હતું : 'એક ભણેલી માતા સો શિક્ષકની ગરજ સારે છે.' 

     પણ જે માતાઓ ભણેલી નથી તેનું શું ? અને પારકાં દેશમાં આફતોથી ઘેરાયેલ, નાનકડા ગામમાંથી આવેલ અલ્પ શિક્ષણ પામેલ જન્મદાત્રી જશોદા અજાણ માર્ગે પુત્ર કેશવ સાથે જઈ રહી હતી.  દુઃખની વાત તો એ છે કે ગાડી ચલાવવા ડ્રાયવર્સ લાયસન્સ લેવું પડે છે, પણ મા-બાપ કે વાલી બનવા કોઈ પરીક્ષાઓ પાસ કરવી પડતી નથી. જશોદા બધી બાજુથી મુશ્કેલીઓથી ઘેરાયેલ હતી. કોઈ ઇન્ડિયન ગવર્મેન્ટ એજન્સી કે બીજી કોઈ સંસ્થાનો પણ સહારો નહોતો. 

     'પછી એ મા દીકરાનું શું થયું?' એ વિષે આગળ ઉપર વાત કરવા વિચારેલ, પણ મિત્રો અને વાચકોના પ્રતિભાવથી ઘડી ભર થોડાક વર્ષ આગળ - ૧૯૯૦ના એ દિવસોમાં લઇ જાઉં.

     જશોદા મકાન વેચીને દૂરના સબર્બમાં રહેવાં ગયાં, બાદ કોઈને કાંઈ અણસાર મળતાં કેશવને ફોસ્ટર કેરમાં લઇ ગયાં ( એ પ્રસંગ વિષે વિગતવાર વિશ્લેષણ સાથે આગળ ઉપર) જશોદા દુઃખ અને હતાશાની અવસ્થામાં સંસાર અને સમાજ ઉપર નફરતની ભાવના સાથે કોઈ દૂરના રાજ્યમાં કોઈ મંદિરના આશ્રમમાં જતી રહી. જો કે ત્યાંયે મુશ્કેલીઓ તો હતી જ. દશ વર્ષે ત્યાંથી આર્થિક રીતે ઘણું ગુમાવી, શ્રદ્ધા તૂટતાં, વિશ્વાસ ઘાત અને દગા સહી, દઝાયેલ દિલે પાછાં આવીને છેવટે જશોદાએ ગાડી ચલાવતા શીખી થોડું શિક્ષણ લીધું અને નવે સરથી જીવન શરૂ કર્યું. પણ એકલાં જ ; એક ભવમાં બે ભવ ન થાય એમ દ્રઢ માન્યતા હોવાથી.

     કેશવ ACES ( Adverses Childhood Experiences Symptoms) એટલેકે બાળપણમાં મોટાં ગન શુટિંગ કે કાર એક્સિડન્ટ જેવાં ટ્રોમા નહીં પણ શારીરિક માનસિક ત્રાસ – માર પડવો, ડામ, ડર વગેરે જેવાંને લીધે એ એક ઉદાસી અને હતાશાની લાગણી સાથે એ બધું સહેતાં જીવનમાં ટકી રહ્યો ને નાનકડી મજૂરી કરીને ક્યાંક વિશાળ જગતમાં ખોવાઈ ગયો.
પણ એ બધું તો અમે સ્કૂલ શરૂ કરી ત્યાર પછીની વાત. 

     હજુ તો અમારું ઘર જ અમારું બાળ મંદિર હતું.  અમારે ત્યાં આવતાં બાળકોની મમ્મીઓ પ્રમાણમાં સારું ભણેલી ગણેલી હતી. એમનાં બાળકોને સંભાળવાં, રાખવાં, ઉછેરવાંનો આનંદ પણ હતો.

     એક દિવસ સાનની મમ્મીએ મારી સાથે બેસીને વાત કરવાની એપોઇન્ટમેન્ટ માંગી. સાન વિષે મેં આગળ ઉલ્લેખ કર્યો છે. હવે ત્રણ વર્ષનો સાન મોટો ભાઈ બન્યો હતો. દોઢ મહિનાની જૅનીએ આવવાનું શરૂ કર્યું, એટલે અમારાં ઘરમાં આનંદનું મોજું ફરી વળ્યું. 

     આ એજ મમ્મી હતી કે, જેણે પહેલે અઠવાડીએ મને ચેક લખતાં કહ્યું હતું; “જે રીતે મારો દીકરો અહીં સચવાય છે, તે અદ્ભૂત છે.  અમે ભાગ્યશાળી છીએ.” એણે આનંદ અહોભાવ સાથે ફીમાં જાતે જ વધારો કર્યો, અને પછી ચાર વર્ષ દર અઠવાડીએ એજ રીતે ચેક લખ્યા.

     એણે એપોઇન્ટમેન્ટ માંગી એટલે મને એમ કે, 'એને પૈસાનો પ્રોબ્લેમ હશે?'  આમ પણ આ દેશમાં ચાઈલ્ડ કેર બહુ ખર્ચાળ છે. તેમાંયે પાછું નવ જાત – નવું જન્મેલું બાળક, તેની દવાઓ, ફોર્મ્યુલાઓ,  ડાયપર અને પાછું બેબીસિટીંગનો ખર્ચો.  બે બાળકનો ખર્ચ કાઢતાં અને સતત નોકરી અને ઘરકામની આટલી દોડાદોડી પછી એની પાસે બચતમાં શું રહેશે? હું શુક્રવારની રાહ જોતી રહી.

     બપોરે હજુ બધાં બાળકો ઉંઘતાં હતાં ત્યારે મૅરી(પેલાં છોકરાંઓની મા) આવી. એણે રડી પડતાં કહ્યું કે, એ કારણ વિના આટલી વિષાદની લાગણી કેમ અનુભવે છે? એણે એના ડોકરને પૂછતાં એમણે પ્રેગ્નન્સી પછી હોર્મોન ચેઇન્જ થતાં આવતું પોસ્ટપોર્ટમ ડિપ્રેશન વિષે કહેલું. પણ હજુ સુધી એ કેમ જતું નથી એની ચિંતા વ્યક્ત કરી. 

      જો કે અમારી નૈયાનાં જન્મ પછી મેં પણ એવી લાગણીઓ, કોઈ અકલ્પ્ય વિષાદ અનુભવેલ.  ત્યારે તો માતાનું સ્વાસ્થ્ય અને બાળ ઉછેરમાં મારુ જ્ઞાન જે વડીલો અને અનુભવીઓ કહેતાં એટલું મર્યાદિત હતું. આપણે ત્યાં પૂરતાં જ્ઞાનના અભાવે આ પરિસ્થિતિને બીજા સંજોગો સાથે જોડીને કાંઈક ભળતું જ અનુમાન કરવામાં આવતું.

     સાચી વાત છે : 'Knowledge is power.'

    પણ હવે ભણવાનું શરૂ કર્યા પછી મેં એમાં ઊંડાણમાં રસ લઈને વાંચવાનું શરૂ કરેલું. અંદરની રૂમમાંથી પુસ્તક લઇ આવીને મેં એને એ પ્રકરણ વંચાવ્યું. આ મારાં જીવનનો કદાચ પ્રથમ પ્રંસગ હતો; જયારે મેં મારી અંગત વાત કોઈ ત્રાહિત વ્યક્તિને એના ભલા માટે કહી હોય. ત્યાર પછી જો કે કંઈક સેંકડો વાર એનું પુનરાવર્તન થયું છે. કહેવાની જરૂર નથી કે, આ રીતે અમે એક બીજાનાં મિત્ર બની ગયાં હતાં.

     એ કુટુંબ પાસેથી અમે ઘણું બધું શીખ્યાં. દર અઠવાડીએ એક દિવસ નોકરી પર રજા રાખીને મૅરી એનાં મા બાપ પાસે જતી. “એ દિવસે હું એમને લંચમાં બહાર લઇ જાઉં છું, એમને અઠવાડિયા માટેની જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી આપું છું. એમની સાથે આખો દિવસ ગાળું છું.” મૅરીએ કહ્યું. 

     ત્યારે કૂવાના દેડકા જેવી મારી દ્રષ્ટિ.  મેં પૂછ્યું ; ‘પણ બાળકો એમનાં નાના નાનીને ક્યારે મળે? એ તો એમનાં પ્રેમથી વંચિત જ રહી જાયને ?? 

    ત્યારે એણે હસીને મને  સમજાવેલું ; “રજાના દિવસે અમે બન્ને પક્ષના દાદા દાદી સાથે સમય વિતાવીએ છીએ; ચાલુ દિવસે હું મારાં મા બાપની સેવા કરવા જાઉં છું, વીકેન્ડમાં છોકરાંઓને લઈને એમની સાથે હરવા ફરવા જઈએ છીએ."

    એનાં પેરેન્ટ્સ અને એનાં સાસુ સસરાની પચાસમી લગ્ન તિથિઓ એમણે ધામધૂમથી ઉજવેલી.  જે દેશમાં એ સમયે સાઈઠ ટકા ડિવોર્સ રેટ હતો, ત્યારે આટલું સમજુ કુટુંબ અમારાં જેવાં જે હજુ એકી રકમમાં લગ્નતિથિ ઉજવતું હતું તેને સફળ સુંદર જીવનનો રસ્તો ચીંધતું હતું.
મૅરી એક મા તો હતી જ.  પોતાનાં બન્ને બાળકોને સારી જગ્યાએ મૂકીને પોતે નોકરી કરતી.  પણસાથે દીકરી તરીકે પોતાનાં મા બાપ માટે પણ પૂરતો સમય ફાળવતી.  એનાં સંતાનોની બેબીસિટર હું અને મારાં બાળકો એનાં બાળકોને સારી રીતે સાચવે તે માટે પણ જરૂરી ધ્યાન રાખતી.  અને હા , પોતાનાં સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખતી. વાત્સલ્ય કાંઈ એક વ્યક્તિનો ઈજારો થોડો જ છે? 

     જીવનને સુંદર બનાવવાની મારી ઘેલછામાં આ બધી મમ્મીઓએ પાસેથી પણ મને કાંઈક સારું નરસું સ્ફુર્યું હોય તો નવાઈ નહીં. વાત્સલ્યની વેલીમાં આ રીતે પ્રેમનું ખાતર સિંચાતું હતું. ક્યારેક ક્યાંક ફૂલ ને ક્યાંક કાંટાયે ઊગી ને ભોંકાતાં હતાં. આ બધાં અનુભવો સાથે મારુ ભણવાનું પણ આગળ વધતું હતું. મને કલ્પનાયે નહોતી કે સરળ રસપ્રદ લાગતાં બીજા સેમેસ્ટરમાં શરૂઆત જ વિચિત્ર થવાની હતી. 

'બેઠક'  પર તેમના લેખ આ રહ્યા. 

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *