વાત અમારી કાર્લાની

   -   શૈલા મુન્શા

પંખી બનું ઉડતી ફિરું મસ્ત ગગનમેં,

આજમેં આઝાદ હું દુનિયાકે ચમનસે. 

       

      રવિવારની સવારે આવતો “ગાતા રહે મેરા દિલ” કાર્યક્રમ મારો મનગમતો કાર્યક્રમ. સવારની કોફી પીતા પીતા જુના જમાનાના ગીતો સાંભલળવાની મજા કાંઈ ઓર જ હોય છે. લતા મંગેશકરના મધુર કંઠે ગવાયેલું ફિલ્મ ચોરીચોરીનું આ ગીત વાગતું હતું અને અચાનક મને કાર્લા યાદ આવી. અમારી કાર્લા પણ મસ્ત મોજીલી પંખિણી જેવી જ હતી.

       અમેરિકા આવી મેં શાળામાં જ સહ શિક્ષિકાનું કામ શરૂ કર્યું, અને પહેલેથી જ હું સ્પેશિયલ જરૂરિયાત વાળાં બાળકો સાથે કામ કરતી આવી છું. શરૂઆત મેં “Life skill” ના ક્લાસથી કરી, જ્યાં એકથી પાંચ ધોરણના માનસિક વિકલાંગ બાળકો એક જ ક્લાસમાં સાથે હોય.

       આ ક્લાસમાં પહેલા ધોરણનું બાળક પણ હોય, અને પાંચમા ધોરણનું બાળક પણ હોય. કાર્લા અમારા ક્લાસમાં આવી, ત્યારે એની ઉમરના હિસાબે એને પાંચમા ધોરણના લેબલ પર દાખલ કરી. લગભગ દશ વર્ષની કાર્લા, પણ બોલે કાંઈ જ નહીં. એક માસૂમ સી મુસ્કાન ચહેરા પર હમેશાં છલકતી હોય. માનસિક પ્રગતિ સાવ ધીમી, પણ જાણે એની કોઈ અસર નહીં. હાથ પકડીને જમવા લઈ જઈએ તો ચાલવા માંડે, ક્લાસમા રંગ પૂરવા કાગળ પેન્સિલ આપીએ તો આડાઅવળા લીટા, કુંડાળા કર્યા કરે. બીજા મોટાભાગના માનસિક વિકલાંગ બાળકોની જેમ કાર્લાને પણ સંગીત ખૂબ જ ગમે. એ સમયે એનો ચહેરો ઝગમગી ઉઠે.

     પાર્કમાં રમવા લઈ જઈએ, ત્યારે તો ચંચળ પંખીની જેમ કાર્લા પોતાની મસ્તીમાં ઝૂમતી કોઈને કોઈ પંખીની પાછળ દોડતી હોય, અથવા તો આકાશે ઊડતાં પંખી જોઈ, હાથ ઊંચા કરી જાણે આ દુનિયાથી દૂર પોતાની કોઈ દુનિયામા ખોવાઈ ગઈ હોય.

     એક અનુભવ કાર્લા સાથેનો અહીં ટાંક્યા સિવાય રહી શકતી નથી. અમેરિકામાં સ્પેશિયલ નીડના બાળકોને ખૂબ સગવડ મળે છે, એ જગજાહેર વાત છે. આ બાળકોને પણ સામાન્ય બાળકોની જેમ જ સ્કૂલમાંથી પિકનિક પર લઈ જવામાં આવે.  દરેક જગ્યાએ  ખાસ મહિનામાં એક દિવસ મોટાભાગે આ બાળકો માટે ફાળવવામા આવે જેથી કોઈની મજાક કે મશ્કરીનો ભોગ આ બાળકો ન બને.

      જાન્યુઆરી મહિનામાં અમે બાળકોને Children’s museum જોવા લઈ ગયાં હતાં. મહિનાનો પહેલો સોમવાર ફક્ત સ્પેશિયલ નીડ બાળકો માટે હોય, એટલે વ્હીલ ચેરના બાળકો અથવા બીજા બાળકોને અંદર ફરવા ફરવામાં બહુ તકલીફ ન પડે. અંદર જ્ઞાન સાથે ગમ્મતના ઘણા સાધનો હતા. નાનકડો ગ્રોસરી સ્ટોર જ્યાં બાળકો રમકડાના શાકભાજી, દુધ, ફળ, બ્રેડ બધુ ખરીદે અને કેશ રજિસ્ટર પર આવી ખોટી ડોલરની નોટ આપી વસ્તુ ખરીદે. ફેસ પેઇન્ટિંગ હોય, નાનકડી હોસ્પિટલ હોય, રમતના સાધનો હોય, લસરપટ્ટી, હિંચકા, રેતીમાં રમવાનું વગેરે. બાળકોને ખૂબ મજા પડે.

     હ્યુસ્ટનમાં જાન્યુઆરી મહિનામાં સારી ઠંડી હોય, એટલે બધા બાળકો જેકેટ પહેરીને આવ્યા હતા, પણ મ્યુઝિયમ ની અંદર હીટર ચાલતું હતુ, એટલે અમે બધા બાળકોના જેકેટ કાઢી એક મોટી પ્લાસ્ટિકની બેગમાં ભરી અમારી સ્કૂલનુ નામ અને ટીચરનુ નામ લખી ઓફિસના ક્લાર્કને સાચવવા આપ્યું.

       આવી જાહેર જગ્યાએ મોટાભાગે તો બાળકોના માબાપમાંથી કોઈ એક અમારી સાથે હોય જ એટલે સાચવવાનુ સહેલું પડે. નહીં તો બે શિક્ષક વચ્ચે બાર બાળકો સાચવવા અઘરા પડે. બે ચાર બાળકોનાં માબાપ ન હોય તો અમે સતત એમનો હાથ પકડી અમારી સાથે જ રાખીએ.

       ઘરે જવાનો સમય થયો એટલે મીસ હોપેકે ફોન કરી બસને મુખ્ય દરવાજે આવી જવા કહ્યું, અને કાર્લાનો હાથ મને સોંપી એ ઓફીસમા બધાના જેકેટ લેવા ગઈ. હું બાળકો સાથે કેવી મઝા આવી અને કોને શું ગમ્યું એમ વાત કરતી હતી અને હોસે બોલી ઉઠ્યો “મીસ મુન્શા પ્લીઝ મારા બુટની દોરી બાંધી આપો.”

     ક્ષણવાર માટે કાર્લાનો હાથ છોડી વાંકા વળી મે હોસેના બુટની દોરી બાંધી આપી ને ઊભા થતાં જોયું કે, કાર્લા મારી બાજુમાં નહોતી. મારો જીવ અધ્ધર થઈ ગયો.  હાંફળાં ફાફળાં મેં આજુબાજુ જોયું.  એક જ ક્ષણમાં કાર્લા ક્યાં જતી રહી? મીસ હોપેક આવી ને અમે બંને ચારેબાજુ શોધાશોધ કરવા માંડ્યા. અમે ઊભા હતા ત્યાં થોડે દુર જ કાચનો મોટો દરવાજો હતો અને ત્યાંથી બહાર ખુલ્લું આકાશ દેખાતું હતુ.

      ત્યાં ઊભી ઊભી, અમારી કાર્લા “પંખી બનુ ઉડતી ફિરૂં મસ્ત ગગનમેં' ના ખયાલોમાં ડૂબી ઊંચે ઊડતા પંખીઓને દુનિયાથી બેખબર બની નિર્દોષ હાસ્ય સાથે મનભર માણી રહી હતી. 

Playkids Red bird GIF - Playkids Red bird Flying GIFs

તેમનો બ્લોગ અહીં....

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *