- કલ્પના દેસાઈ
http://mentalfloss.com/article/502251/funniest-town-name-all-50-states
નામમેં ક્યા રખ્ખા હૈ?
કોઈ શહેર કે ગામનું નામ કોણ પાડતું હશે? આપણે તો હજીય બાળકોનાં નામ રાશિ મુજબ પાડીએ પણ ગામ–શહેરની રાશિ કોણ જોતું હશે? શું ત્યાંના કોઈ ઈતિહાસ કે ભૂગોળને સાંકળીને નામ પડાતું હશે? કોઈ વ્યક્તિની યાદમાં કે કોઈ ઘટનાની યાદમાં નામ પડતાં હશે? જોઈએ થોડાં અળવીતરાં પણ મજાના નામ.
૧) બોરિંગ
અમેરિકાનું મેરીલેન્ડ એવું કંઈ કંટાળાજનક સ્થળ નથી કે, ત્યાંના લોકો પણ સાવ ડલ નથી. તો પછી આ નામ? 1880 સુધી એનું નામ 'ફેર-વ્યૂ' હતું પણ જેવી ગામમાં પોસ્ટ ઓફિસ આવી કે સૌને જાણ કરવામાં આવી કે અમેરિકામાં તો ફેર-વ્યૂ નામે ઘણી જગ્યાઓ છે. હવે? લોકોએ પોતાના પહેલા પોસ્ટમાસ્તર ડેવિડ બોરિંગની યાદમાં નામ સૂચવ્યું, ‘બોરિંગ’. બસ ત્યારથી એ બની ગયું રસપ્રદ બોરિંગ.
૨) વ્હાય?
કેમ? કેમ આ ગામનું નામ વ્હાય પડ્યું? વ્હાય? દરેક કેમ નો જવાબ હોય તેમ આ વ્હાયનો પણ જવાબ છે. મેક્સિકોની બોર્ડર પાસે બે હાઈ વે ક્રોસ થાય અને જ્યાં Y આકાર બને ત્યાં જ આ નાનકડું ગામ છે. તો રાખી દો નામ Y. ના, એવું ના ચાલે. નિયમ પ્રમાણે કોઈ પણ ગામનું નામ ઓછામાં ઓછા ત્રણ અક્ષરનું તો જોઈએ જ. અરે એમાં શું? WHY માં તો ત્રણ અક્ષર છે જ. તો બની ગયું નામ WHY!
૩) સૅન્ડવિચ!
શું આપણે ત્યાં કોઈ ગામ કે શહેરનું નામ આપણી જાણીતી વાનગીઓ પરથી ખમણ કે ઊંધિયું કે થેપલાં કે ગોળપાપડી છે? કદાચ નથી જ. 1855માં આમન કેજ નામના ભાઈ જમીનનો વિકાસ કરવા ઈલિનોઈસ પહોંચ્યા. હવે રેલવેના એસોસિએશને ટ્રેન ઊભી રાખવા માટે ન્યૂ હેમ્પશાયરના કેજના મૂળ ગામના નામ સૅન્ડવિચ પરથી આ ગામને પણ સૅન્ડવિચ બનાવી દીધું! લો, અહીં તો દર વરસે સૅન્ડવિચનો તહેવાર પણ ઉજવાય! આપણેય આવાં નામ પાડવા જોઈએ. પછી તો ઉત્સવ જ ઉત્સવ. ખમણ ઉત્સવ ને જલેબી ઉત્સવ ને ઊંધિયા ઉત્સવ કે થેપલાં ઉત્સવ! જો કે તહેવારોને બહાને આપણે આ બધા ઉત્સવો ક્યાં નથી ઉજવતાં?
૪) સાન્તા ક્લૉઝ!
બાળકોના પ્રિય સાન્તા ક્લૉઝનું નામ કેમ અમેરિકાના ‘ઈન્ડિયાના’ સાથે જોડાયું? શું અહીં રોજ સાન્તા ક્લૉઝ આવે છે? રોજ ક્રિસમસ ઉજવાય છે? ના રે. એ તો એની વાર્તા એવી છે, કે પહેલાં આ ગામનું નામ સાન્તા ફે હતું. 1896માં ‘બોરિંગ’ના જેવી જ મુશ્કેલી અહીં પણ આવી. ગામમાં પોસ્ટ ઓફિસ બનવાની એટલે ખબર પડી કે, સાન્તા ફે તો ઘણાં છે! એટલું સારું કે એમણે લોકોને પૂછવાની તસ્દી લીધી ને લોકોએ સૂચવ્યું, ‘સાન્તા ક્લૉઝ’! બસ, આ નામ સાથે જ વાર્ષિક ઉજવણી તો શરૂ થઈ જ પણ બાળકોએ પોસ્ટ બૉક્સ છલકાવી દીધું.
૫) HELL
નરક!.....કેટલું યોગ્ય નામ આ નાનકડા ગામને મળ્યું છે તે એની પાછળની કહાણી જાણીએ ત્યારે જ ખબર પડે. 1830માં મિશિગનમાં આ નાનું ગામ વસાવનાર જ્યોર્જ રીવ્ઝ આ નરક માટે જવાબદાર છે. એણે પોતાના વ્હિસ્કીના ધંધાને ગામના ખેડૂતોના ધંધા સાથે જોડી દીધો. અનાજના બદલામાં દારૂ! ખેડૂતો તો ખુશ પણ એમની પત્નીઓને સ્વાભાવિક છે કે આ ધંધો ગમ્યો નહીં. કોઈ પૂછે કે તમારા પતિ ક્યાં ગયા? તો જવાબ મળતો, ‘TO HELL’ નરકમાં ગયા.’ બસ, મળી ગયું ગામને નામ HELL!
૬) વ્હાય નોટ? WHY NOT?
આ બધાં જ અટપટા નામની પાછળ ત્યાંની પોસ્ટ ઓફિસે મોટો ભાગ ભજવ્યો છે. નાનું અમથું ગામ હોય ને લોકો નામની માથાકૂટ વગર શાંતિથી રહેતાં હોય ત્યાં સરકાર પોસ્ટ ઓફિસ બનાવવા દોડી જાય ને પછી થાય નામની પળોજણ. 1860માં નોર્થ કેરોલિનાના આ ગામમાં પણ એવું જ થયું. લોકોને ભેગાં કર્યાં નામ પાડવા. ફોઈઓને ના બોલાવી! હવે ચર્ચા દરમિયાન થવું જોઈએ તે જ થયું. આ નામ કેમ નહીં? પેલું નામ કેમ નહીં? કેમ નહીં? કેમ નહીં?ની ઉગ્ર ચર્ચામાં એક જણ ગુસ્સે થઈને ઊભો થઈ ગયો. ગામને કેમ નામ નથી આપતા? કેમ નહીં? WHY NOT? અને તરત જ પડી ગયું નામ WHY NOT?
આપણે ત્યાં કોણ જાણે ગામનાં કોણ નામ પાડતું હશે? જો લોકોને બોલાવે તો આનાથી પણ ચડિયાતાં નામ મળે એની ખાતરી. બાળકનું નામ પાડવામાં પણ અંદરખાને આવી ચણભણ ઘણી જગ્યાએ થાય પણ ફોઈ જમાદાર હોય તો એક જ નામ તરત નક્કી થઈ જાય!