ખોટી જગ્યાએ: ખોટા સમયે

- ગીતા ભટ્ટ

    આજે આપણે કોઈ કોલેજમાં એડમિશન લેવું હોય તો ઘેર બેઠાં ઇન્ટરનેટ દ્વારા બધી માહિતી મળી જાય છે.  પણ ત્રણેક દાયકા પૂર્વે આવી માહિતી છાપાં અને ટેલિફોન ડિરેક્ટરી દ્વારા લેવી પડતી. શિકાગોના પશ્ચિમ પરાની સુંદર કોલેજમાં – બાળઉછેર અને બાળશિક્ષણના ક્લાસીસ પતાવ્યા બાદ હવે મારે માત્ર એક જ મહત્વનો વિષય ભણવાનો બાકી હતો, જે સ્કૂલ એડ્મીનીસ્ટ્રેશનનો હતો.  એ ક્લાસ ફોલ સેમેસ્ટરમાં વેસ્ટર્ન સબર્બની ટ્રાઈટન કોલેજમાં શનિવારમાં નહોતો. એટલે મેં ફરી પાછું શિકાગોની સીટી કોલેજમાં તપાસ કરી. 

    મેં મારા અભ્યાસની શરૂઆત શિકાગો શહેરની ગવર્મેન્ટ કોલેજોમાંની 'રાઈટ કોલેજ' થી (Wright College) કરેલી. ત્યાંથી ટી વી ક્લાસ લીધેલા. એ વિષે મેં આગળ જણાવ્યું છે. રાઈટ કોલેજ  ઘરથી દોઢેક માઈલ જ દૂર હતી. પણ ત્યાં મારે જરૂરી સ્કૂલ એડ્મીનીસ્ટ્રેશનનો વિષય એ સેમેસ્ટરમાં શનિવારના દિવસમાં શીખવાડવામાં આવતો નહોતો. બીજી એક કોલેજ હતી જેનું નામ હતું ડોવસન ઇન્સ્ટિટયૂટ.  તેમાં ઓક્ટોબર પાનખર સેમેસ્ટરમાં એ વિષય શનિવારે શીખવાડવાના લિસ્ટમાં હતો.

     રાઈટ કોલેજની એડમિશન ઓફિસમાં કાઉન્ટર પર ઉભેલી બેને મને પૂછ્યું, " ડોવસન કોલેજ કેમ્પસ માટે પણ તમારી ફી અહીં ભરી શકાય. કહો તો હમણાં જ એડમિશન સિક્યોર કરી લઉં?” 

    “શું કરીએ ? “મેં અને સુભાષે સહેજ વિચાર્યું. 

     અમારાં છોકરાંઓ ત્યાં લોબીમાં કાંઈક રમતાં, દોડાદોડી કરતાં હતાં. અમારે ઝડપથી એડમિશન લઈને એ કામ પૂરું કરી બહાર જવું હતું. 'વળી રાહ જોવા રહીએ તો રખે ને શનિવારનો એ ક્લાસ ફૂલ થઇ જાય તો?' - અમે વિચાર્યું.

     અમે તરત જ એડમિશન લઇ લીધું ને સેમેસ્ટર શરૂ થવાની રાહ જોવા માંડી.
એ મારો છેલ્લો ક્લાસ હતો. એ પતે કે તરત જ અમે અમારાં ટેમ્પરરી કાયદેસરના સ્ટેટ્સ પર ચાર અઠવાડિયા વતન જવાનાં હતાં. ઉતાવળ અને ઉત્સાહમાં બીજા કોઈ વિચાર કરવાનું, કોલેજ કેવી હશે? કેટલે દૂર હશે? કેવાં લોકો હશે? - એવું તેવું અમારાં મનમાં જ ના આવ્યું. 

    નિશ્ચિત દિવસે સવારે સીટી મેપ લઈને અમે ચારેય જણ ગાડીમાં ગોઠવાયાં. આ રસ્તો, પેલો રસ્તો; રાઈટ ટર્ન, લેફ્ટ ટર્ન એમ ડાબે જમણે આગળ ને આગળ વધ્યાં. પણ પછી વાસ્તવિકતા સમજાઈ કે, આ સીટી કોલેજ આમ તો ભલે શિકાગોમાં હતી, પણ છેક ઇન્ડિયાના સ્ટેટ નજીક. અમે થોડાં આગળ વધ્યાં ત્યાં નેબરહૂડ પણ બદલાઈ ગયું. 
અમેરિકાના અમારાં ત્યારનાં સાતેક વર્ષના વસવાટ દરમ્યાન જોયું નહોતું તેવું ઊકરડા જેવું ચારે કોર. રસ્તા ઉપરની દુકાનો ને મકાનોના બારીના કાચ તૂટેલ ફૂટેલ અને ગ્રિફિટી.

 

     પાનખર ઋતુ બેસી ગઈ હતી અને શનિવારની વહેલી સવાર હતી એટલે રસ્તાઓ ઉજ્જડ અને ભયાનક લાગતાં હતાં.  દૂર ક્યાંક પોલીસની સાયરનો સંભળાતી હતી. હા, અમે પૂરાં આફ્રિકન અમેરિકન કમ્યુનિટીના વિસ્તારમાં હતાં. શિકાગોમાં આ અશ્વેત પ્રજા આવીને વસી તેનું પણ એક કારણ છે. 

     આપણને જાણીને આશ્ચર્ય થાય કે, આટલાં પ્રગતિમય દેશમાં હજુ સો વર્ષ પહેલાં જ્યોર્જિયા, અલાબામા, ટેક્સાસ જેવા દક્ષિણી રાજ્યોમાં કાળી ચામડીનાં લોકો તરફ સરકારના કાયદાને અવગણીને પણ વિરુધ્ધ અને ઓરમાયું વર્તન દાખવવામાં આવતું (એ લોકોને ઝાડ પર લટકાવીને મારી નાંખે વગેરે) ધોળી પ્રજા હજુ પણ તેમને ગુલામ તરીકે જ રાખવા માંગતી હતી; ત્યારે ૧૯૧૫માં પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન આ બધાં દક્ષિણનાં રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં કાળી પ્રજાએ ઉત્તરનાં રાજ્યો તરફ સ્થળાંતર કરવા માંડ્યું હતું. મિડવેસ્ટમાં શિકાગો જેવા મોટા શહેરોના વિકાસ માટે મજૂરોની જરૂરિયાતને પહોંચી વળવા મોટી કંપનીઓએ આ લોકોને સ્થળાંતર કરવા અને નવેસરથી વસવાટ કરવા બધી સગવડો આપીને બોલાવ્યાં હતાં. શહેરના રસ્તાઓ, રેલવે લાઈનો, કારખાના બધી જગ્યાએ હજ્જારોની સંખ્યામાં આ લોકોને કામ મળ્યું. અને એ બધાં જ અહીં શિકાગોની દક્ષિણમાં સેટ થયેલાં. 

    સદીઓ સુધી ગુલામીમાં સબડતાં, ત્રાસ સહન કરતાં, અને શિક્ષણના અભાવે કાંઈક અંશે ઉગ્ર સ્વભાવનાં, બંડખોર, આ અશ્વેત પ્રજામાં અસહિષ્ણુતા, મારામારી વગેરે કુટેવો વધારે હોય તે સ્વાભાવિક છે. વળી અમેરિકામાં પોતાની જાતનો બચાવ કરવા બંદૂક રાખવાનો હક આપવામાં આવેલ હોવાથી છાસ વારે હિંસાનું પણ અમે સાંભળીએ. તેથી સમજીને જ એનાથી દૂર રહેવાનું વલણ અમે કેળવેલું.  નાહકનું 'આવ પાણા પગ પર.' એમ ઉપાધિને નોંતરવી શાને? તેથી અમને એ લોકોનો ઝાઝો પરિચય નહોતો. 

     હું અંદરથી ડરી ગઈ હતી, કારણકે આવું અમે જોયું નહોતું. હા! ફલાણી જગ્યાએ કે ફલાણા વિસ્તારમાં ધોળે દિવસે પણ ના જવાય એવું સાંભળ્યું હતું ખરું. તેથી કોઈ દિવસ એવા વિસ્તારમાં જવાનું થયું જ નહોતું.  મોટા ભાગે શિકાગો ડાઉન ટાઉનથી એક્ષપ્રેસ-વે ઉપર જ આગળ નીકળી જઈએ. પણ આજની વાત સાવ જુદી જ હતી.  છેવટે અમે એ એડ્રેસ પર પહોંચ્યાં.

     મુખ્ય રસ્તા પર એક વિશાળ મકાનમાં વચ્ચે લોંખડી ગેટ હતો. આજુબાજુ કોઈ દેખાતું નહોતું. “ હું અંદર તપાસ કરીને પાછી આવું છું. ” મેં કહ્યું . નવેક વર્ષના અમારા ખેલનને પણ મારો ક્લાસ રૂમ જોવા મારી સાથે આવવું હતું. એને પણ સાથે લીધો.

    મકાનમાં અંદર પ્રવેશતાં પરસાળ/  હોલવેમાં એક સાડા છ ફૂટ ઊંચો પડઘમ સિક્યોરિટીનો માણસ બેઠો હતો. એણે પહેલા જ ધડાકે મારો ઉધડો લેતો હોય તેમ ઘૂરકી કહ્યું , “ આ છોકરો કેમ આવ્યો છે?”

     “એને મારો ક્લાસ જોવો છે; લઇ જાઉં?” મેં એમને વિવેકપૂર્વક પૂછ્યું. પણ એમને એ જરાયે ના ગમ્યું. કચવાતે મને એણે મને રજા આપી. આખા વિશાળ બિલ્ડિગમાં માત્ર એક જ ઓરડો ખુલ્લો હતો. હું અંદર ગઈ. દશેક કાળી સ્ત્રીઓ વાતો કરતી હતી. પણ કોઈએ મારી સામે નજર સુધ્ધાં ના કરી. ક્લાસમાં પાછળ ત્રણ ચાર છોકરાઓ ખેલનની ઉંમરના જ,  રમતા હતા.

     શનિવારના વર્ગોમાં આવું બનતું હોય છે. ક્યારેક ભણવા આવનાર મમ્મી બેબી સિટરના અભાવે પોતાનાં છોકરાંને સાથે લઇ આવતી હોય છે. ખેલન પણ એમની સાથે જરા રમવામાં ભળ્યો. વધુ બે ચાર બહેનો આવી. હવે ક્લાસ શરૂ થવાનો હતો એટલે ખેલનને હું ગાડી સુધી મુકવા ગઈ. કાળિયાએ મને બરાબર ધ્યાનમાં રાખી હોય તેમ લાગ્યું. ખબર નહીં કેમ પણ મને લાગ્યું કે. 'હું ઇન્ડિયન એ કોલેજમાં, એ જગ્યાએ હતી એ એને જરાયે ગમ્યું નહોતું.' 

     ત્રણ વાગે ક્લાસ પૂરા થાય ,પણ મેં સુભાષને વહેલાં આવવા કહ્યું. તદ્દન અવ્યવસ્થિત એ ક્લાસ હતો. શું ભણી તે સહેજ પણ યાદ નથી. હું જાણે કે કોઈ અજાણ જગ્યાએ સાવ અજાણ્યા લોકો અને દુશ્મનો વચ્ચે આવી પડી હોઉં તેમ લાગ્યું. એ પહેલાનાં ( અને પછીનાં આજ દિન સુધીનાં ) કોઈ સ્થળે આટલી અવહેલના ઉપેક્ષા કે અપમાન મેં જોયાં કે અનુભવ્યા નથી.  ખબર નહીં કેમ પણ સિક્યોરિટી ગાર્ડને પહેલી નજરે જ મારી સાથે વાંકુ પડી ગયું. 

     જેન એલિયટે ક્લાસમાં પેલો પ્રયોગ કર્યો તે પૂર્વે એણે છોકરાંઓને પૂછેલું કે "તમે એ અશ્વેત લોકો માટે શું માનો છો?" આ છોકરાઓ જેમણે અશ્વેત લોકોને નજીકથી જોયાં પણ નહોતાં એમણે ચીલાચાલુ જવાબો આપ્યા હતા.  જવાબમાં  લખેલ, ' તેઓ ગંદાં, ઝગડાળુ, ચોરી કરે તેવાં ' - વગેરે અવગુણોથી નવાજેલ.  આજે એક ઇન્ડિયન હોવાને નાતે હું એક ટિપિકલ ઇન્ડિયન હતી. એ લોકો મારા વિષે શું વિચારતાં હતાં તેની ખબર મને વર્ષ પછી પડી.

     આ કોલમની શરૂઆતમાં મેં લખ્યું છે કે, કેટલીક ભૂલો અને ભ્રમણાઓમાંથી ભગવાને મને ઉગારી છે. આ એક એવું પગલું હતું જે ભરવા જેવું નહોતું, પણ ઉતાવળમાં લીધેલું.  બીજે અઠવાડિયે હું અધ્ધર દિલે ભણવા ગઈ. પણ આ વખતે બીજા ચાર પાંચ છોકરાઓ પણ તેમની મમ્મીઓ સાથે આવેલાં, એટલે મેં પણ ખેલનને મારી સાથે ક્લાસમાં રહેવા દીધો.  રિવર ફોરેસ્ટમાં શનિવારના વર્ગોમાં કેટલીક છોકરીઓ તેમની મમ્મી સાથે આવતી, ત્યારે મેં નૈયાને મારી સાથે ક્લાસમાં રહેવાની તક આપેલી. આ વખતે ખેલનનો વારો હતો. 

     એકાદ કલાક બાદ પેલો કાળિયો ચાલુ ક્લાસે અંદર આવ્યો અને બધાંની હાજરીમાં મને વઢવા માંડ્યો : “છોકરાઓ ક્લાસમાં લાવવાની મનાઈ છે. “ એણે કહ્યું .

     “પણ આ બીજા બધાં છોકરાઓ છે તેનું શું?” મેં એવું તેવું કૈંક ડરતાં કહ્યું. 

     એણે ગુસ્સાથી મારી સામે જોયું.  “પણ મેં તને ના પડેલી ને, ગયા અઠવાડીયે?” એણે કહ્યું. જોકે એ મને ક્લાસની બહાર તો કાઢી શકે એમ નહોતો. અને મકાનની  બહાર જવું તો જરાયે સલામત નહોતું. બીજો કોઈ ઉપાય નહોતો એટલે સમસમીને હું ડરની મારી ચૂપ બેસી રહી. મારા આશ્ચર્ય વચ્ચે ટીચર કે બીજી કોઈ બેન કાંઈ જ ના બોલી. હું તો ડઘાઈ જ ગઈ. 'ખરેખર આવું – આવું આ દેશમાં બની શકે? આટલો બધો વહેરો આંતરો?'

    અંદર અંદર એ લોકો વાતો કરતાં હતાં કે જેલમાં દશ વર્ષ ગાળીને એ અહીં સિક્યોરિટી ગાર્ડ તરીકે જોડાયો છે. આજે આટલાં બધાં વર્ષો પછી જે યાદ છે તે છે એ વખતે અનુભવેલો ડર. ઘેર જતાં રસ્તામાં જ અમે નક્કી કર્યું કે આ જગ્યાએ આવવાનું સાહસ કરવા જેવું નથી. 

     “પણ મારા આ એડ્મીનીસ્ટ્રેશનના ક્લાસનું શું થશે?” મેં ચિંતા વ્યક્ત કરી.

    “આપણે કોઈને કોઈ બીજો રસ્તો શોધી કાઢશું. ” સુભાષે એનું ધ્રુવ વાક્ય કહ્યું. “તું ચિંતા ના કરીશ !”

     ભગવાનનો પાડ માની અમે વધુ મહત્વના કામે લાગી ગયાં. આ દેશમાં આવ્યે સાત આંઠ વર્ષનાં વહાણાં વહી ગયાં હતાં. સ્વદેશમાં  બધાં અમારી આતુરતાથી, કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં. અમે વતનની મુલાકાતે જવાં તૈયારી શરૂ કરી. 

     દેશમાંથી પાછાં આવ્યા પછી હું એ ક્લાસમાં ભાગ્યે જ કદાચ એકાદ વાર ગઈ હોઈશ . પરીક્ષા આપવા અમારે કાયમ નજીકની લાયબ્રેરીમાં જ જવાનું હોવાથી મારે એ કેમ્પસમાં ફરીથી જવાની જરૂર ના રહી.

     બીજે વર્ષે જયારે મેં ડે-કેર સેન્ટર શરૂ કર્યું, ત્યારે ગવર્મેન્ટના એક મોટા ડે-કેર સેન્ટરની ડિરેક્ટર સાથે ઓળખાણ થયેલી.  કાળી બેન એના દીકરાને અમારા સેન્ટરમાં મુકવા આવતી. ત્યારે મેં વિગત વાર આ સમગ્ર બનાવની વાત કરેલી. એણે મને સહાનુભૂતિ દર્શાવતાં કહેલું; “ અદેખાઈ લાગે છે - એને તારા પ્રત્યે અદેખાઈ થઇ હશે. ગીતા, તમે પરદેશીઓ થોડા સમય પહેલાં આવીને અમારી આગળ નીકળી જાઓ તે એ ગાર્ડને ગમ્યું નહીં હોય." 

      એ કોલેજ નજીક કેનેડી કિંગ નામની મોટી હોસ્પિટલ હતી જ્યાં આપણાં ઇન્ડિયન ડોકટરો કામ કરતાં.  આમ પણ મહેનત કરીને બુદ્ધિ બળે ઇન્ડિયન લોકો આર્થિક પ્રગતિ કરે - તે સ્વાભાવિક રીતે જ સદીઓ સુધી દબાયેલ કચડાયેલા પ્રજાને ના ગમે.  બની શકે કે, એને કોઈની સાથે કોઈ અણબનાવ થયો હશે. જે હોય તે,  હું ભગવાનની કૃપાથી ઘણી જાણી અજાણી મુશ્કેલીઓમાંથી ઉગરી ગઈ હતી.

     ઉછરી રહેલી વાત્સલ્યની વેલડી વળી એક મોટા ઝંઝાવાતમાં અટવાતાં બચી ગઈ.

'બેઠક'  પર તેમના લેખ આ રહ્યા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *