- જીતેન્દ્ર પાઢ
યાદ રાખો, લેખનો પ્રારંભ, પ્રથમ સંસ્કરણ ડ્રાફ્ટ છે, સમાપ્ત લેખ નથી. અહીં ગુણવત્તા પામવા માટેના ઉપયોગી ટાંચણ આપેલા છે. અમલમાં મૂકવાથી અચૂક ધારેલું પરિણામ આવે તેવો જાત અનુભવ છે.
વિષય વસ્તુની પસંદગી નવીનતા દર્શાવતી હોય તો સારું, નહીં તો જૂના વિષયમાં નવું શોધી ઉમેરી તમારી પ્રતિભા ખીલવો. સંશોધન વૃત્તિ નવીનતા માટે પરિશ્રમ ભલે માંગે - હતાશ ન થાવ. તમારું વાંચન અને વેબસાઈટ / ઓનલાઇન વિષય લગતું અભ્યાસુ વલણ નવીનતાના દ્વાર ખોલશે. કેમ? શું ?કેવી રીતે? - લખવું તે મુંઝારો દૂર કરશે.
બનાવેલી નોંધનો ઉપયોગ કરીને, તમારા પોતાના લેખ માટે રૂપરેખા તૈયાર કરો. સમજણ માટે લેખ ઓછામાં ઓછા એક વખત વાંચો. તમે ખાતરી કરો કે, તમારી લેખન શરૂઆત, મધ્ય અને અંત સાથે લેખ સુસંગત છે? ખાતરી સાથે જો તમારી પાસે શક્ય હોય તો તેમાં ઓછામાં ઓછા બે સારા અવતરણો વિષયને વધારે સચોટ કરવા મૂકાયા છે? અવતરણો તમારા અભ્યાસુ સંશોધનના સાક્ષીઓ છે.
જોડણી અને વિરામચિહ્નો અંગેની ભૂલો તપાસવા માટે તમારા લેખને પૂર્ણ કરીને વાંચો. હવે, તેને મોટેથી વાંચો. આનાથી તમને કોઈ અજાણ્યા શબ્દસમૂહો, અથવા વાક્યો કે જે સાચા નથી લાગતા - તેની જાણ થશે અને શબ્દ બદલાવ કરી યોગ્ય ઉચિત શબ્દ મેળવવામાં મદદ કરશે. એકવાર તમારો લેખ વ્યવસ્થિત થઈ જાય પછી તેને કોઈને મોકલવાની ઉતાવળ ન કરો. જ્યાં સંશય હોય ત્યાં કોઈ મિત્રની મદદ લો. તેના સૂચનને સ્વીકારો. તમે જ સાચા હોવાની જીદ્દ નકામી છે. માટે મંતવ્ય એક વાત છે અને સત્ય અપનાવવું તે એક ઉદારતા ગણાય.
શીર્ષક કાતરની ધાર જેવું હોવું જોઈએ કારણ કે, શીર્ષક આખા લેખનું હાર્દ ગણાય છે. લેખ સમય મર્યાદામાં મોકલાય તે પ્રકાશક અને લેખક માટે હિતાવહ છે. ઉઘરાણી થાય પછી મોકલવું તે સારી વાત નથી. પ્રયત્ન કરો કે, નવો લેખ લખાય અને મોકલાય. સારા લેખો પુનઃ પ્રકાશિત થાય તે સારી વાત છે. પણ તે આદત ન બનવી જોઈએ.
વાચકના અભિપ્રાયનો આગ્રહ ભલે હોય, પણ ન મળે નિરાશ ન બનો. સતત મહાવરો ઉત્તમતાનો જનક છે .