સ્વયંસિદ્ધા – ૧૪

    -    લતા હીરાણી

કાળો કારાવાસ 

     પ્રજાને પૈસે તાગડધિન્ના કરવાવાળા સ્વાર્થી નેતાઓ અને અધિકારીઓને કિરણ બેદી આંખના કણાની જેમ ખૂંચે એ સ્વભાવિક વાત છે. કિરણ બેદી તેમનાં કાર્યોથી દિવસે દિવસે લોકપ્રિયતાનાં શિખરો સર કરી રહ્યાં હતાં. એમને મળતાં માન અને પ્રસિદ્ધિથી અમુક લોકો ઈર્ષ્યાની આગમાં બળતાં હતાં.

      સરકારી તંત્રમાં એક વર્ગ એવો હોય છે કે જેમને પોતાનું કામ નહીં કરવામાં અને બીજાને કામ નહીં કરવા દેવામાં રસ હોય છે. બીજા લોકો પોતાની ફરજ બજાવતા રહે તો એમની શિથિલતા ઉઘાડી પડી જાય, એમનાં એશઆરામ છિનવાઈ જાય આથી તેઓ અન્ય લોકોના કામમાં વિશેષ નાખતાં હોય છે.

      આવાં લોકોએ વિચાર્યું કે હવે કિરણ બેદીને કામ કરતાં કેવી રીતે અટકાવવા ? એમને કોઈ એવી જગાએ નીમી દેવાં  જોઈએ કે, તેઓ કશું કામ કરી શકે નહીં. પ્રજા સાથે એમનો સીધો સંપર્ક રહે નહીં. આ હેતુ પાર પાડવા માટે એમને એક જગા દેખાઈ. એ જગા તે ખૂંખાર કેદીઓથી ખદબદતી તિહાડ જેલ.

       દિલ્હીમાં બ્રિટીશ શાસન દરમિયાન સ્થપાયેલી ભારતની સૌથી મોટી અને મશહૂર જેલ એ તિહાડ જેલ. ૧૮૦ એકર જેટલા વિશાળ વિસ્તારમાં આ જેલ ફેલાયેલી છે. જેલને ઊંચી ઊંચી તોતિંગ દીવાલો. ચકલુંયે ન ફરકી શકે એવાં અનેક મોટા મોટા લોખંડી તાળાબંધ દરવાજાઓ. ભરેલી બંદૂકો લઈને પહેરેગીરો દરવાજાની આસપાસ ફરતાં હોય. એમની આંખોમાંથી કરડાકી છલકાતી હોય. એમની ચાલમાં એવો ડરામણો રુઆબ ભર્યો હોય કે કાચા-પોચા એ બાજુ ફરકવાની હિંમત પણ ન કરે. દરવાજા પર આવું વાતાવરણ હોય તો અંદર વસનારની હાલત કેવી હોય ?

       તિહાડ જેલના તોતિંગ દરવાજાઓ પાછળનું વાતાવરણ રહસ્યમય અને ભેદભરમથી ભરપૂર હતું. ૨,૫૦૦ કેદીઓ રાખી શકાય એટલી ક્ષમતાવાળી જેલમાં લગભગ નવેક હજાર કેદીઓ ભર્યા હતા. એમ કહી શકાય કે નવેક હજાર કેદીઓને રીતસર ઠૂંસવામાં આવ્યા હતા.

      તિહાડ જેલ એ કોઈ પ્રતિષ્ઠાવાળી જગા નહોતી જ. જેમની તિહાડ જેલમાં બદલી થતી એમની એ ‘ કચરા નિયુક્તિ’ ગણાતી. એ જગા કચરાનો ઉકરડો જ હતી. તિહાડ જેલમાં નિયુક્તિ પામતા અધિકારી મહદ્ અંશે નિષ્ક્રિય થઈ જતા. જેલમાં વળી શું કામ થઈ શકે? જેલની અંદરની વ્યવસ્થા જેલના સંત્રીઓ સંભાળી લેતા હોય. જેલની અંદર ગુનેગારો જ હોય. એમની સાથે જે વર્તાવ થાય કે એમને જે હાલતમાં રાખવામાં આવે એ બધું એમની સજાના ભાગરૂપે જ હોય. આવું સૌએ સ્વીકારી લીધું હતું.

      જેલના ઇન્સ્પેક્ટર જનરલને કાગળો પર સહી કરવાથી વિશેષ કશું કામ રહેતું નહીં. ક્યારેક તેઓ જેલની મુલાકાત લેતા હતા. પરંતુ એ વખતે એમની સલામતી ખાતર કેદીઓને કોટડીઓમાં પૂરી દેવામાં આવતા. બહારની દુનિયાથી જેલનું વાતાવરણ સાવ જુદું. જેલની અંદરની પરિસ્થિતિની ખબર હોવા છતાં કોઈ અધિકારીને એ અંગે કશું કરવાની જરૂર લાગતી નહીં. ગુનેગાર પણ આખરે એક માનવી છે એ પાયાની વાત કોઈના મનમાં વસતી નહોતી.

      જેલમાં સંપૂર્ણ સાહેબશાહી ચાલતી. ગુનેગારો અને આરોપીઓ સાથે ધાકધમકી, અપમાન અને મારઝૂડથી જ કામ લેવાતું. જેલના કર્મચારીઓ દ્વારા ધાક ઊભી કરવાનો સતત પ્રયત્ન થતો. કિરણ બેદી માટે જેલની નિયુક્તિ એક સજા હતી. પરંતુ સાચી વાત એ હતી કે કિરણ બેદીનું સાચું ખમીર કોઈ માપી શક્યા નહોતાં. એમની તાકાતનો અંદાજ લગાવવો કોઈનાય માટે મુશ્કેલ હતો. જંગલમાં મંગલ કરી દેવાની એમની નિષ્ઠા અને પ્રતિભાનો વામણા અધિકારીઓને અંદાજ નહોતો. આથી જ કિરણ બેદી હવે કંઈ કરી શકશે નહીં; એમ માનીને એમને તિહાડ જેલમાં મૂકવામાં આવ્યાં.

       કિરણ બેદીને અહીં ઉત્તમ તકનાં દર્શન થયાં. લોકોની સેવા કરવાની, લોકકલ્યાણનું કાર્ય કરવાની વૃતિ એમનામાં એટલી પ્રબળ હતી કે ઊલટું એમને આ વધુ સારી જગ્યા લાગી. સમાજમાં જે લોકો સ્વીકાર્ય નથી, જેમનાં જીવન ગુનાખોરીથી ખરડાયેલાં છે- એવા લોકોને સારું જીવન આપવાની તક મળે એનાથી વધુ રૂડું બીજું શું હોઈ શકે? અને આવા લોકો જો સારા માર્ગે વળે તો એનાથી મોટી સમાજની સેવા બીજી કઈ હોઈ શકે? એમને તિહાડ જેલના કાર્યભારમાં એક ઉમદા યજ્ઞકાર્યનાં દર્શન થયાં. જેલની પરિસ્થિતિ વિશે એ માહિતગાર હતાં જ. એમણે જેલની કાયાપલટ કરવાનો નિર્ણય લઈ લીધો. જેલને કેદીઓનું સજાગૃહ નહીં પરંતુ એમનું સુધારણાગૃહ બનાવવાનો નિર્ણય લઈ લીધો. એમનામાં કથીરને કંચન બનાવવાની પૂરેપૂરી આવડત અને ધગશ ભરી હતી.   

કિરણ બેદી વિશે વિકિપિડિયા પર આ રહી.

-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *