- જયશ્રી પટેલ
નમસ્તે બાળકો,
ઓહો ચક્ર તો કેવું ફરે? જલદી જલદી મંગળવાર આવી પહોંચે ને તમે બધા મને મળો. કોઈકવાર તો મને જણાવો ને કે, બધી વાર્તા તમે રોજ સાંભળો ને વાંચો છો તો મજા આવે છે કે નહિ?
અરે! મજા શબ્દ પરથી દિલના આનંદ અને મજાની વાત કરૂ છુ સાંભળો - બકાજમાદારના આત્માનો આનંદ.
વાર્તા નં:૧૭
બકા જમાદારના દાદા, પરદાદા પરોપકારી ને પરગજુ હતા. હંમેશા વડિલોનો વારસામાં સંસ્કાર તો આવે જ. એક વાર બકા જમાદારના મિત્ર ગાઢવ સાથે ગલીમાં ફરી રહ્યા હતા. ગલીમાં એક બે જણને છોડી બધા આનંદને ખુશીમાં રહે. એકબીજાના ખબર અંતર રાખે. સાચું કહું બાળકો! ખરેખર માનવ ધર્મ છે કે ગમે તે હોય પાડોશી કે મિત્ર પણ જો બે ચાર દિવસ ન દેખાય તો તેમના સમાચાર પૂછવા જોઇએ. કદાચ એમને આપણી જરૂર પડે. બન્યું એવુજ
ઘેટાભાઈ દેખાતા નહોતા. ગાઢવભાઈને પૂછ્યું, તો સમાચાર ન મળ્યા. હવે બકા જમાદાર પરગજુ જીવ એટલે ઉપડ્યા મિત્ર ને મળવા. જઈને જુએ તો ઘરમાં તો રમખાણ ને ઘેટાભાઈને ઘેટીબેન તો ઘાયલ અને ઘરમાં અવદશા. બધુ વેરવિખેર.
શું બન્યું હશે? સમજતાં વાર ન થઈ. ઘરમાં ઘૂસીને કોઈએ આ રમખાણ કર્યુ છે. પહેલાતો એમને બેઠા કર્યા અને બન્નેના ઘા સાફ કર્યા અને પાણી પાયું. પાટાપીંડી કરીને પછી શાંતિથી પૂછ્યું, તો ખબર પડી કે, જંગલ બાજુથી વરૂભાઈ આવી પહોંચ્યા હતા અને એમને ધમકાવી એમની જગ્યાને બધું તેમના મિત્ર મોતીભાઈ ને આપી દેવાની ધમકી આપી ગયા છે. જોયું બાળકો? માણસ તો આવી દાદાગીરી કરે પણ જાનવરો પણ કાંઈ ઓછા ન હોય!
બકા જમાદારે નક્કી કર્યું કે, આ વરૂને અને મોતી કૂતરાને પાઠ ભણાવવો જ પડશે. એટલે બધા મિત્રોને ભેગા કરી નક્કી કર્યુ કે, જેવો વરૂભાઈ ગલીમાં પ્રવેશે એટલે બધાએ ભેગા થઈ ડરી ગયાનો ઢોંગ કરવાનો અને એનું સ્વાગત કરવાનું. મોતી કૂતરાને ગંધ પણ નહિં આવવા દેવાની. પછી બધા ભેગા થઈને બન્ને પર તૂટી પડવાનું. આપણે દસ બાર અને એ બે એકલા. જૂઓ પછી મજા. અરે! એ હિંસક પ્રાણી અને આપણે સામાન્ય; તો કેમ પહોંચાશે?
બકા જમાદારે બધાંને હિમ્મત આપી . બરકેશની સેનાએ પણ નક્કી કર્યુ કે, ગાડરિયાંને એમ હેરાન ન થવા દેવાય. બસ સભા વિખરાઈ અને બકા જમાદારે મોતીડાને કહ્યુ, "ભાઈ! ઘેટાભાઈ તો હવે ઘર ખાલી કરવા રાજી છે. પણ તને જેણે મદદ કરી એને તો ગલીમાં બધાંને મળાવ. અમારે પણ કામ હોય તો કોઈ વાર એને બોલાવીએને? મોતીડો તો હરખાતો હરખાતો ગયો વરૂભાઈને આમંત્રણ આપવા.
વરૂભાઈ પણ વખાણથી પોરસાઈ ગયા અને આવી પહોંચ્યા એટલે બધા તો ગયા ડરતા ડરતા મળવા. નક્કી કર્યા પ્રમાણે નાના મોટા બધા ભેગા થયા અને ઘેટાભાઈ પણ જાણે ઘર ખાલી કરવા ઊભા થયા. એમ થયા અને ઘીરે રહી મોતીને ધક્કો માર્યો.
પછી સામેથી ગધેડાએ પણ ઘકેલ્યો અને પછી ગાયબેને એક સીંગડે ઉછાળ્યો. પછી વારો આવ્યો વરૂ ભાઈનો. એમને પણ ધક્કે ચઢાવ્યા. એક જૂથ થઈ બધા તૂટી પડ્યા.
આવી બની બન્નેની. દરવાજા બહાર જઈ જ ન શક્યા. બરકેશની ટોળી પણ તૂટી પડી. પરિણામે અધમૂઆ કરી, બન્ને પાસે. ઘેટાભાઈ ને ઘેટીબેનની માફી મંગાવી. આમ સંપથી કામ કરી, એકતાના બળનો સ્વાદ ચખાડી દીધો. બકા જમાદારનો આત્મા સંતોષાયો. એમને હાશ થઈ.
બાળકો! એકતામાં અને સંગઠનમાં તાકાત હોય અને તે તાકાત બળવાન અને શક્તિમાનને પણ હરાવી દે. માટે 'સંપ ત્યા જંપ' કહેવત કાંઈ ખોટી નથી. પાંચ આંગળીની મુઠ્ઠી વાળો, તો જરૂર તાકાત ભેગી થાય.
ગલી મહોલ્લામાં મળી, સંપીને કામ કરો તો એક જૂથ બની ભલભલાને હરાવી શકાય. બકા જમાદારની પરગજુ ભાવનાથી ઘેટાભાઈ તો ગદગદ થઈ ગયા. તેમનું ઘર બચી ગયું. બકા જમાદારની જેમ મળી સંપીને રહેવાની, મિત્રને મદદ કરવાની, યુક્તિ કરી હિંસાને ડારવાની ને હિમ્મતથી સામનો કરતા શિખશો ને બાળકો?
જરૂર યાદ રાખો. સંપથી કામ પાર પડે.
તો ચાલો બધા નક્કી કરીએ દુખીને મદદ કરીશું, સંપથી કામ કરીશું અને જેવા સાથે તેવા થઈ ન્યાય મેળવીશું. અન્યાય થતો નહિ સાંખશું અને ખોટાને પાઠ ભણાવશું. તો માનશો ને તમારી મિત્રની વાત?
બકા જમાદારને આવતે મંગળવારે મળીશું .