- જયશ્રી પટેલ
નમસ્તે બાળકો,
મંગળવારની સવાર અને આપણી મુલાકાત ન થાય - એ કેમ ચાલે? જુઓ ભારતભરમાં કાલે કૃષ્ણ જન્મની વધાઈનો સુંદર તહેવાર ઉજવાયો અને આનંદમય વાતાવરણ પ્રસરી ગયું. તમે દર્શન કર્યાં ને? ચાલો એવા જ એક ઉત્સવ સમયે બકા જમાદારને શું અનુભવ થયો, તે આપણે જોઈશું .
વાર્તા નં :૨૦
બકા જમાદાર જે પરિસરમાં રહેતા ત્યાં એમના જેવા ઘણાય રહેતા હતા. તેમના ઘરથી ચોથા જ મકાનમાં સરસ કુટુંબ રહેતું હતું. શવરીબેન તેમના દીકરાને સવાર થી શોધી રહ્યાં હતાં, કારણ તેમના પતિદેવ શેઠ સાથે બહાર ગયા હતા. દીકરો ન મળ્યો તેથી તે શોધવા નીકળ્યાં.
બરકેશને પૂછ્યું તો એણે જણાવ્યું કે,”નવ વાગ્યા સુધી તો તેઓની સાથે હતો, પણ તે પછી નથી દેખાયો.”
બકા જમાદાર અને આડોશીપાડોશી શોધવા નિકળી પડ્યા. બાળકો! આવે સમયે પહેલો સગો પાડોશી બને અને તો કુટુંબની ભાવના જરૂર જાગૃત થાય. અને થયું પણ એવું જ. શવરીબેનને સાથી મળ્યા અને તપાસ ચાલુ થઈ. એક શેરીથી બીજી ને બીજીથી ત્રીજી. આમને આમ બે ત્રણ કલાક નીકળી ગયા.
હવે બકા જમાદારને લાગ્યું કે, ઈદ આવી રહી છે, દીકરો 'શાવક' સુંદર ને હૃષ્ટ પુષ્ટ છે - ક્યાંક એને હલાલ કરવા તો નથી લઈ ગયા ને? બાળકો આપણે ત્યાં આવા રિવાજોનો સામનો કરવો જ રહ્યો. અંધશ્રદ્ધાઓને કારણે નિર્દોષ પ્રાણીના બલી ચઢતા હોય છે.
ક્યારેક મહાકાળી માતાને તો ક્યારેક ખુદાને, તો ક્યારેક મોટી મિજબાની કરવા. પણ આ બધી ક્રૂરતા બંધ ન થાય એ કેમ ચાલે? બકા જમાદાર અનુભવી હતા તેઓ જાણતા હતા કે, તેમને કયા જઈ તપાસ કરવાની છે? એ તો ઉપડ્યા કસાઈવાડે. સાથે લીધી બરકેશ સેના લવારું ,ખોલકું , ભરડકું ને ગલુડિયા વગેરે ને.
ત્યાં જઈ બધા છાનામાના પાછળથી દુકાનની અંદર ગયા જોયું તો ત્યાં એક નહી અનેક શાવકો બંધાયેલા હતા. હવે શુ કરવું? જીવતા પ્રાણીને મારવું એ ખાટકીઓ માટે કાંઈ નવું ન હતું. પણ બકા જમાદારે નક્કી કર્યુ કે, આજે તો કાંઈ પણ કરી આ બધાને બચાવવા જ રહ્યા.
તેઓ એ ખાટકીની દુકાનમાં પહેલેથી પડેલા માંસને જ બગાડી દેવાનું નક્કી કર્યુ, જેથી આજે એ વેચે તો લોકો ફરિયાદ કરતા આવે અને એ પકડાય. તે સમયે આ બધાના જીવ બચી જાય. નક્કી કર્યા પ્રમાણે બરકેશે જંતુ મારવાની દવા લાવીને નાંખી અને બધા છૂપાઈ ગયા. એક ગ્રાહક લઇ ગયો ને થોડીવારમાં પાછો આવ્યો.
આ બાજુ એના ઝઘડામાં પડેલા ખાટકીનું ધ્યાન નથી જાણી શાવક અને તેની સાથેના સાથીદારને છોડાવી બરકેશને સોંપી બકા જમાદાર પાછા છૂપાયા. આમ એક પછી એક ઘણા બકરા ને ઘેટા બચી ગયા. હવે બે જણ બાકી રહ્યા હતા. પણ પેલાનું ધ્યાન ગયું. તેથી સમજુ બરકેશ સમજી ગયો કે હવે આમાં બકા જમાદારની જાન જોખમમાં છે.
તેણે ધીમેથી પિતાની જાન ન લેવાય તે માટે બધા મિત્રોને દુકાનની આગળ દોડધામ કરવાનું કહ્યું. પોતે ધીરેથી દુકાનમાં ઘૂસીને પાછળના છીંડામાંથી બકા જમાદારને કાઢીને ઈશારા કરી ત્યાંથી મિત્રો સહિત ભાગી નીકળ્યા.આમ તેઓ શાવક સાથે અનેકની જાન બચાવી.
જો પ્રસંગ માટે સાવધાન બકા જમાદારે સચેતતા ન બતાવી હોત તો, કેટલા નિર્દોષની જાન જતી રહેત ને? બાળકો! આપણો દેશ એવો છે કે, જ્યાં વિવિધ પ્રકારના શાકભાજી મળે છે. તો શા માટે આપણે માંસ ખાવું જોઈએ? શા માટે નિર્દોષ પશુ પક્ષીને મારવા જોઈએ?
બાળકો ચાલો પણ લઈએ કે શાકાહારી ભોજન જ કરીશું. માસાંહાર કરનારને પણ સમજાવશું. અહિંસાના વાતાવરણમાં ખુશીનો પ્રસાર કરશું. જીવદયાનું પણ લઈ એ નાનપણથી શીખશું તો બકા જમાદારની જેમ અનેક જીવને બચાવી શકીશું.
આમ કરશોને બાળકો? તમારી મિત્ર ની વાત માનશોને? તેઓ પણ પોતાના બાળકોને ચાહતા હોય છે, મૂક હોય બોલી નથી શકતા પણ જીવ તો તેમને પણ વહાલો હોય છે.
ચાલો ફરી મળીશું.આવતા મંગળવારે. નવી નવી વાર્તા સાંભળતા રહેશો અને નવું નવું શિખવતા રહેશો એવી ઈચ્છા.
‘અહિંસાના વાતાવરણમાં ખુશીનો પ્રસાર કરશું. જીવદયાનું પણ લઈ એ નાનપણથી શીખશું તો બકા જમાદારની જેમ અનેક જીવને બચાવી શકીશું…’
ખૂબ સ રસ
આભાર