- લતા હીરાણી
કિરણનો ઉજાસ - ૨
એમની બીજી સંસ્થા ઇન્ડિયા વિઝન ફાઉન્ડેશન છે, જેમાં મુખ્યત્વે જેલો તથા કેદીઓનાં કલ્યાણ માટેની પ્રવૃત્તિ થાય છે. તેમનાં બાળકોને સારું શિક્ષણ મળી રહે એ માટેનાં કાર્યો થાય છે. આ સંસ્થા દ્વારા ઝૂંપડપટ્ટીનાં બાળકો માટે પણ શેરી-નિશાળો ખોલવામાં આવી છે. આ બંને સંસ્થાઓ કિરણ બેદીના પુત્રી સાઈના બેદી સંભાળી રહ્યાં છે અને માતાના ઉમદા કાર્યોને આગળ ધપાવી રહ્યા છે.
ઇન્ડિયા વિઝન ફાઉન્ડેશનની વેબ સાઈટ અહીં....
કિરણ બેદીએ તિહાડ જેલના કાર્યભાર દરમિયાન લેખનકાર્ય શરૂ કરી દીધું હતું. જયારે માનવીના વિચારો કાગળ પર ઉતરે છે ત્યારે એ વધુ દઢ અને નક્કર સ્વરૂપ ધારણ કરે છે. કાગળ પર ઊતરેલા વિચારો માનવીના સંકલ્પને દઢ કરે છે. લગભગ દરેક મહાન હસ્તીઓના જીવન વિશે જાણીશું તો તેમને લખવાની ટેવ જોવા મળશે જ. લેખનની ટેવથી વિચારોમાં વધુ ને વધુ સ્પષ્ટતા આવતી જાય છે. વિચારોનું વધુ સારી રીતે પૃથ્થકરણ થઈ શકે છે. સુધારણા વિશે સભાન થવાય છે. આવા લેખનો જયારે પુસ્તક સ્વરૂપે લોકોને મળે છે ત્યારે પ્રેરણાનો સ્ત્રોત બની રહે છે.
કિરણ બેદીએ તિહાડ જેલના અનુભવો વિશે લખવાનું શરૂ કરી દીધું હતું અને જેલમાંથી જયારે બદલી થઈ, ત્યારે તેમણે એ પુસ્તકનું સર્જનકાર્ય પૂર્ણ કર્યું.
કિરણ બેદીનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું, જેનું અંગ્રેજીમાં શીર્ષક છે : ‘It is always Possible’ અર્થાત ‘બધું શક્ય છે’. કેટલું સુંદર અને સચોટ શીર્ષક ! કિરણ બેદીના સમગ્ર જીવન પરથી એક જ વાક્યમાં પ્રેરણારૂપ વાત કહેવી હોય તો કહી શકાય કે બધું જ શક્ય છે. આ વિશ્વમાં કશું જ અશક્ય નથી. માનવી મક્કમ મનથી સંકલ્પ કરે તો હિમાલયને પણ ઓળંગી શકે અને પાતાળને પણ ભેદી શકે છે. પુરુષાર્થથી કંઈ પણ સિદ્ધ કરી શકાય છે.
‘It is always Possible’ પુસ્તકમાં એમણે તિહાડ જેલની પરિસ્થિતિ પહેલાં કેવી હતી, એમણે એમાં કેવા સુધારા કર્યા અને આખરે તે તિહાડ જેલમાંથી તિહાડ આશ્રમ કેવી રીતે બની તેનું પૂરું બયાન છે. હૈયું ધ્રૂજી જાય એવી દાસ્તાન છે. અંતે તિહાડ જેલની સુખદ પરિસ્થિતિથી મનને શાતા જરૂર વળે છે. પરંતુ એ પછીની વાત આપણે કોઈ જાણતા નથી. તિહાડ જેવા નરકને તિહાડ આશ્રમ બનાવનારાં કિરણ બેદી તિહાડથી દૂર થયા પછી એ આશ્રમ હવે કઇ પરિસ્થિતિમાં છે તે કોણ જાણે ?
એમના કાર્યકાળ દરમિયાન અસંખ્ય લોકો પોતપોતાની ફરિયાદોના નિવારણ માટે એમની પાસે આવતા હતા. તેઓ શક્ય એટલું એમનું સમાધાન કરવા પ્રયત્ન કરતા રહેતા. આ પ્રસંગો વિશે એમણે બીજું પુસ્તક લખ્યું છે- ‘What Went Wrong ?’ અર્થાત ‘શું ખોટું થયું ?’ આ પુસ્તક વાંચતાં એ વાત સ્પષ્ટ થાય છે કે દરેક મુશ્કેલી, દરેક પ્રશ્નને સમજવા માટે એમની પાસે એક નવીન દષ્ટિકોણ હતો. તેઓ સમસ્યાના મૂળમાં જતાં.
ઉપરની સારવારને બદલે પાયામાં જ્યાં સડો હોય, તેને દૂર કરવાનું વિચારતા. ‘As I See’ આવું જ એમનું ત્રીજું પુસ્તક છે.
‘What Went Wrong ?’ પુસ્તકમાં નિત્યેન્દ્રકુમાર નામના એક કેદીનો એમના પર લખાયેલો એક સુંદર પત્ર છે. તિહાડ જેલના એ કેદીએ જેલમાંથી છૂટ્યા પછી એમણે પત્ર લખ્યો છે. કિરણ બેદીને એમણે ‘મા’ તરીકે સંબોધ્યા છે. જેલવાસ દરમિયાન કિરણ બેદીની મમતાનો એમને જે પરિચય થયો એની વાત એ પત્રમાં એમણે હદયસ્પર્શી રીતે આલેખી છે. પોતાના જેલવાસ પછીના જીવનની મુશ્કેલીઓ માટે મદદ માગી છે. એમનો સંવેદનાસભર પત્ર કિરણ બેદીના હૃદયનો પરિચય આપે છે. એમની અનુકંપાનો પરિચાયક છે.
એમના કાર્યકાળમાં એમને અનેક રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સન્માનો, પુરસ્કારો ચંદ્રકો, બહુમાનો મળ્યાં છે. પરંતુ એમના સમગ્ર કાર્યોમાં તિહાડ જેલની કામગીરી મુગુટના મણી જેવી રહી છે. સમગ્ર વિશ્વમાં એને બિરદાવવામાં આવી છે.
એમને મળેલાં બહુમાનોમાં શિરમોર છે રેમન મેગ્સેસે પુરસ્કાર. રેમન મેગ્સેસે પુરસ્કાર એશિયાનો નોબલ પુરસ્કાર મનાય છે. ફિલિપાઈન્સ દેશના રેમન મેગ્સેસે ફાઉનડેશન દ્વારા જુદાં જુદાં ક્ષેત્રોમાં પાયાનું નોંધપાત્ર કાર્ય કરનારને આ પુરસ્કાર આપવામાં આવે છે. ૧૯૯૪માં સરકારી સેવાઓના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરવા બદલ કિરણ બેદીને રેમન મેગ્સેસે પુરસ્કાર અર્પણ કરાયો.
૧૯૭૨માં જયારે તેમણે પોલીસ સેવામાં આઈ.પી.એસ. ઓફિસર તરીકે કામગીરી સંભાળી ત્યારે તેઓ પોલીસ સેવામાં ભારતના પ્રથમ મહિલા આઈ.પી.એસ. ઓફિસર બન્યાં હતાં. રેમન મેગ્સેસે પુરસ્કાર મળ્યો ત્યારે કિરણ બેદી આ પુરસ્કાર મેળવનાર વિશ્વના સૌ પ્રથમ પોલીસ અધિકારી બન્યાં. પૂરો ભારત દેશ અને સમગ્ર વિશ્વ જેને માટે ગૌરવ લે એવી એ ઐતિહાસિક ઘટના છે.
કિરણ બેદીનાં જીવન પરથી એક તેલુગુ ફિલ્મ બની છે, ‘કર્તવ્યમ’. જેને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ‘તેજસ્વિની’, ‘સ્ત્રી’, ‘ઇન્સ્પેક્ટર કિરણ’ જેવી ટી.વી. શ્રેણીઓ પણ એમના જીવન પરથી બની છે જે ખૂબ લોકપ્રિય નીવડી છે. સમાજને એમાંથી ખૂબ પ્રેરણા મળી છે.
કિરણ. એમનાં માતાપિતાએ એમનું નામ રાખ્યું કિરણ. એમણે પોતાનું નામ સાર્થક કર્યું. કેટકેટલાં જીવનમાં એમણે અંધારાં ફેડી પ્રકાશનાં કિરણો રેલાવ્યાં?
પિતા પ્રકાશલાલ અને પુત્રી કિરણ ! નામનો અજબ સંયોગ !
કિરણ જેવા રત્નો વસુંધરા પર ક્યારેક જ પાકે છે અને સદીઓ સુધી એનું જીવન દેશ અને દુનિયાને દીવાદાંડીની માફક રાહ બતાવતું રહે છે.