આત્મમંથન

- રાજુલ કૌશિક        

      આપણા વડાપ્રધાન નરેંદ્ર મોદીજીને કોણ નથી જાણતું? એમની વાતો, ભારતને આગળ લાવવાની એમની નિષ્ઠાને આપણે સૌ બિરદાવી જ છે.

      એવા બીજા સફળ પ્રેસિડન્ટ પણ એમની કારકિર્દી દરમ્યાન ઘણું માન મેળવી ચૂક્યા હતા. એ હતા બરાક ઓબામા. બરાક ઓબામાની કારકિર્દી હજુ નજીકનો જ ભૂતકાળ છે. બરાક ઓબામાએ અમેરિકન પ્રેસિડન્ટ તરીકે આઠ વર્ષ સેવા આપી. એવા બીજા ય પ્રેસિડન્ટ હશે જેઓ સામાન્ય ચાર વર્ષનો શિરસ્તો ચાતરીને ફરી પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા હશે. એવા જ એક ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ફ્રેંકલિન રૂઝવેલ્ટ, જેઓ લગાતાર ચાર વાર અમેરિકન પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા અને બાર વર્ષ સુધી સેવા આપી એટલું જ નહીં પણ બીજા વિશ્વયુધ્ધ વખતે પણ યુનાટેડ સ્ટેટ્સને લીડરશિપ અપાવી.

      આજે એમની સફળ કારકિર્દી કરતાં ય એમના વ્યક્તિત્વ વિશે વાત કરવી છે. ફ્રેંકલિન રૂઝવેલ્ટને એક ટેવ હતી. દિવસ આખો પસાર થયા પછી રાત્રે તેઓ તેમના દિવસભરના કામો વિશે મંથન કરતા. આખા દિવસ દરમ્યાન તેમણે કરેલા કામો, મંત્રણાઓ કે મહત્વની પ્રવૃત્તિથી માંડીને અલગ અલગ અનુભવનું સરવૈયું ચકાસતા જેથી કરીને પોતાનાથી થયેલી ભૂલને સુધારવાનો અવકાશ મળે.

     કેવી સરસ વાત!

      આપ આરોપી અને આપ જ જજ. પણ આ જજ સાચુકલા હતા. એમણે કરેલા આત્મમંથનમાંથી પોતાની જાત માટે કેટલીક તારવણી કરી અને જોયું કે એમનામાં મુખ્ય ત્રણ દોષ હતા.

  1.  સમય વેડફવો
  2. બીન જરૂરી બાબતોમાં ચંચૂપાત કરવો
  3. લોકો સાથે નિરર્થક ચર્ચાઓ કરીને એમની વાતોનું ખંડન કરવું અથવા વિરોધ કરવો.

       હવે? ફ્રેંકલિન રૂઝવેલ્ટ તો સફળ નેતા હતા એ તો સૌએ સ્વીકારી લીધેલું સત્ય હતું. એમને વળી ક્યાં પોતાના ગુણ-દોષને ત્રાજવે તોળવાની જરૂર હતી? બીજું કોઇ હોય તો આપવડાઈ અને મોટાઈમાં રાચતું થઈ જાય પરંતુ તથસ્થ એવા ફ્રેંકલિન રૂઝવેલ્ટે વિચાર્યું કે જ્યાં સુધી આ દુર્ગુણો દૂર નહીં થાય ત્યાં સુધી બધું જ વ્યર્થ છે.

      એકવાર નિર્ણય કર્યો પછી એમણે શરૂ કર્યું એક પછી એક દોષ વિશે સતર્ક રહીને એને નિર્મૂળ કરવાનું. સાથે સાથે એમાં પોતે કેટલી પ્રગતિ કરી શક્યા એ પણ ચકાસતા રહેતા. આમ ઘણા સંઘર્ષ પછી એમણે પોતે શોધી કાઢેલા દોષ પર એ કાબૂ મેળવી શક્યા. શક્ય છે એના લીધે અમેરિકાને આટલા પ્રભાવશાળી- શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવતા પ્રેસિડન્ટ મળ્યા.

      આ આખી વાત પરથી એક વાત તો ફલિત થાય છે કે જ્યારે જે કોઇ સંજોગો હોય એમાં અન્ય કરતાં પોતાની જ જવાબદારી વધુ હોય છે. માણસનો સૌથી મોટો દુશ્મન એ ખુદ હોય છે. સાથે એક વાત પણ નિશ્ચિત છે કે માત્ર પોતાના ગુણ-દોષ પારખીને કે આત્મમંથન કરીને પોતાની જાતને ઉતરતી માની લેવાની ય જરૂર નથી.

       જરૂર છે આત્મમંથનની અને એમાંથી માખણ તારવવાની. વ્યક્તિ જ પોતે તટસ્થ રીતે પોતાના ગુણ- દોષ પારખીને જો એમાંથી શું સારું કે શું સાચું એ નક્કી કરી લે તો ઘણી બધી સમસ્યાનો આપમેળે ઉકેલ આવી જાય.

તેમનો બ્લોગ - રાજુલનું મનોજગત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *