મન મર્કટ

- રાજુલ કૌશિક        

 

    વાંદરો અને મદારી - નાનપણમાં સૌએ આ જોડી જોઇ હશે. જોઈ છે ને તમે પણ? વાંદરા વગર તો મદારી અને એનો ખેલ અધૂરો. એ ય મઝાની ડુગડુગી વગાડે અને વાંદરું એના તાલે નાચે. છોકરાઓ ખુશ ખુશ.

      એક દિવસ મદારીએ વાંદરાને પકડવા જંગલમાં પાંજરું ગોઠવ્યું અને એમાં મૂક્યા મગફળીના દાણા. જેમ ઉંદરને પકડવા રોટલીનો ટુકડો પાંજરામાં મુકીએ અને રોટલીની લાલચે ઉંદર પાંજરામાં આવે અને ફસાઇ જાય એવી રીતે મગફળી લેવા વાંદરું માત્ર હાથ અંદર નાખે અને પાંજરામાં એનો હાથ ફસાઈ જાય એવી આ રચના હતી.

      હવે આમાં એક શક્યતા હતી કે વાંદરું જો મગફળી લેવાનો મોહ છોડીને હાથની મુઠ્ઠી ખોલી દે તો એનો હાથ જેટલી સહેલાઇથી પાંજરામાં ગયો એવી સાવ સરળતાથી બહાર કાઢી જ શકે. પરંતુ વાંદરું એમ નહીં કરે કારણકે, એને અંદર પડેલા મગફળીના દાણા લેવાનો મોહ છે અને એટલે એનો હાથ ફસાયેલો જ રહેશે અને બસ પછી તો મદારી માલિક અને વાંદરું એનું ગુલામ. મદારી એને પકડીને પોતાના તાલે કાયમ માટે નાચતું કરી દેશે.

     આપણે જાણીએ છીએ , સમજીએ છીએ કે વાંદરું તો જાણે કે પ્રાણી છે પણ આપણે?

     આપણને પણ એકાદ ક્ષણની લાલચમાં ફસાતા ક્યાં વાર લાગે છે? દેખીતો લાભ લેવાની વૃત્તિ આપણે પણ ક્યાં જતી કરી શકીએ છીએ? એ ક્ષણે આપણે પણ ભૂલી જઈએ છીએ કે એ એક ક્ષણનો મોહ અને કાયમ માટેનું બંધન કારણકે એ ક્ષણિક લાલચ હંમેશ માટેની આપણી આદત બની જાય છે અને પછી તો કહે છે ને કે થાંભલો મને છોડતો નથી. સાચી વાત એ છે કે પેલા મગફળીની લાલચમાં જકડાયેલા વાંદરાની જેમ આપણે જ એ આદતનો થાંભલો છોડી શકતા નથી.

       ખોટી કે ખરાબ આદત એ ક્ષણે તો સારી જ લાગશે, આનંદ આપનારી, લહેજતભરી લાગશે પણ ધીમે ધીમે ખબર પડતી જાય કે કેવા કળણમાં આપણે ઉતરતા જઈએ છીએ અને ત્યારે એમાંથી પેલા વાંદરાની જેમ બહાર નિકળવાની કોઇ કારી સફળ નથી થતી.

       લોભામણી- લલચાવનારી ભૂમિ પર સ્વસ્થતા જાળવવાનું જરા કપરું તો છે જ પણ જો એ સમયે મનને જો થોડા સમય માટે પણ વશમાં રાખી શકીએ તો જીવનભર આપણે આપણી મરજીના માલિક.

      એક સારી અને સાચી ભૂમિકા પસંદ કરવાનું ખરેખર કપરું છે. પણ જો એક વાર સાચી, સારી અને નક્કર ભૂમિકા પર આપણે સ્થિરતા મેળવી લઈશું તો જીવનભરની સ્થિરતા.

તેમનો બ્લોગ - રાજુલનું મનોજગત

-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *