સ્વયંસિદ્ધા – ૨૧

    -    લતા હીરાણી

નવી દિશા

   નવજ્યોતિ કેન્દ્રમાં સારવાર પછી નવજીવન પામેલા એક ભૂતપૂર્વ પોલીસ કર્મચારીના જીવનની દાસ્તાન જાણીએ. આપણે એને ‘પ્રકાશ’ તરીકે ઓળખીશું.

      પ્રકાશ એક નાના ગામમાં માતા-પિતા અને ભાઈ-બહેનો સાથે રહેતો હતો. એના પિતાને નાનકડી દૂધની દુકાન હતી અને થોડાં ઢોર-ઢાંખર. પ્રકાશના માતાને ઘરકામમાં અને પિતાને દુકાનમાં મદદ કરતો. એ શાળાએ જતો. ભણવામાં એ સામાન્ય  હતો.

       શાળામાં એને રમેશ સાથે દોસ્તી થઈ. રમેશ માથાભારે છોકરો હતો. લોકોની સાથે ઝઘડા અને મારામારી કરવાનાં જાણે બહાનાં જ શોધતો. પ્રકાશને રમેશની સોબત ગમતી. એ પણ બહાદુરી બતાવવા રમેશની સાથે જોડાતો. તેઓ શાળામાં લીડર બની ગયા હતા. એમની સામે બોલવાની કોઈ હિંમત કરતું નહીં.

       પ્રકાશ શાળામાં માસ પ્રમોશન, ચોરી અને દાદાગીરીથી પાસ થઈ જતો. શિક્ષકોને એની કંઈ પડી નહોતી. રોજ દૂધ દોહવાના સમયે એ ઘરે પહોંચી જતો આથી ઘરના લોકોને એની પ્રવૃતિની ખબર પડતી નહીં.

       પ્રકાશ હવે એક રખડુ ટોળકીમાં જોડાયો. ત્યારે એ સત્તર વર્ષનો હતો. એણે આ છોકરાઓ સાથે પહેલીવાર દારૂ ચાખ્યો. એને મજા આવી. ધીમે ધીમે એ નિયમિત રીતે દારૂ પીવા માંડ્યો. એમાં એકવાર કોઈકે એને ચરસવાળી સિગારેટ આપી. શરૂઆતમાં એનું માથું ભારે થયું પણ પછી એને એમાં આનંદ આવવા લાગ્યો. હવે એને આ બધાનું વ્યસન થઈ ગયું.

      એને આ વ્યસનો માટે વધારે પૈસાની જરૂર પડતી. ઘરની ચીજવસ્તુઓ લેવા માટે મા એણે જે પૈસા આપતી એમાં ગોલમાલ કરીને એ પોતાના ખિસ્સામાં સેરવતો.

      પ્રકાશ કોલેજમાં આવ્યો. પિતા નિવૃત થયા હતા અને ઘરમાં છ માણસોનું માંડ પૂરું થતું. એણે કોલેજની ફી ગજવામાં નાખવાનું શરૂ કર્યું. કોલેજમાં હાજરી ખૂટતી પણ ‘મસલ્સ પાવર’ થી એ પરીક્ષામાં બેસી શકતો.

      પ્રકાશના કાકા ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા. એ પ્રકાશને ટ્રકની સાથે મોકલતા. ટ્રક ડ્રાઈવર એને દારૂ અને ડ્રગ્સ પૂરાં પાડતો. પ્રકાશ તરત જ ટ્રક ચલાવવાનું શીખી ગયો. પિતાથી દૂર રહેવાનું, ફરવાનું, પૈસા કમાવાનું અને સાથે બધા જ વ્યસનો પણ પૂરાં કરવાના – પ્રકાશને એ કામ ગમી ગયું.

      પ્રકાશના પિતા ઇચ્છતા હતા કે તે કોઈ નોકરીમાં સ્થિર થાય. એવામાં દિલ્હી પોલીસમાં નિમણૂક માટેની જાહેરાત આવી. પ્રકાશે એમાં શારીરિક યોગ્યતાની કસોટી પાસ કરી દીધી. લેખિત પરીક્ષા આપવાની બાકી હતી. એ દરમિયાન તે બીજા મિત્રોની ટોળકીમાં જુગાર રમવા લાગ્યો. એને થોડાક પૈસાદાર મિત્રો પણ મળ્યા. તે એમની જેમ પૈસા ખર્ચવા માગતો હતો પણ એવું કરી શકતો નહોતો એટલે હતાશ થઈ જતો હતો.

      અંતે દિલ્હી પોલીસ ભરતીની લેખિત પરીક્ષા આવી. પ્રકાશે એમાં ઘણો નબળો દેખાવ કર્યો છતાં એ પાસ થઈ ગયો. કેમકે એનો પોલીસ રેકોર્ડ સાફ હતો અને એની કોલેજના આચાર્યે એને સારી ચાલ-ચલગતનું સર્ટિફિકેટ આપ્યું હતું.

       દિલ્હીના કિંગ્સવે કેમ્પમાં નવ મહિનાની પોલીસ ટ્રેનીંગમાં પ્રકાશ જોડાયો. અધિકારીઓની કડકાઈ છતાં પ્રકાશને દારૂ અને ચરસ મળી જતાં. એણે ટ્રેનિંગ પૂરી કરી. હવે એની પોલીસસેવા કારકિર્દી શરૂ થઈ અને એને કમાન્ડો ટ્રેનિંગમાં મૂકવામાં આવ્યો. ઇન્સ્પેકટરને એક બોટલ પકડાવો અને ફાવે તેમ કરો એવું ત્યાં વાતાવરણ હતું. એને અહીં બીજા સાથીદારો મળ્યા કે જેઓ એને નિયમિત ચરસ આપતા હતા.

      પ્રકાશની પી.એમ. હાઉસમાં નિમણૂંક થઈ. એ દરમિયાન એનું લગ્ન પણ થઈ ગયું હતું. એણે લોન લઈને એક મીની ટ્રક ખરીદી. એના બહાને એ રખડી શકતો. ઘરથી દૂર રહી શકતો.

      એની પત્ની એને દારૂની લત છોડવા સમજાવતી હતી પણ એના પર ખાસ કંઈ અસર પડતી ન હતી. ટ્રકમાં રખડવા માટે એ નોકરી પર વધારે ગેરહાજર રહેવા લાગ્યો. એક દિવસ ટ્રકને અકસ્માત થયો. ખૂબ નુકસાન થયું. નોકરી જોખમમાં હતી. ટ્રકનો ધંધો બંધ થયો હતો. લેણદાર પજવતા હતા. હવે એને દારૂ પીવા માટે પૈસા મેળવવામાં બહુ તકલીફ પડવા માંડી. જીવનમાં પહેલી વાર એણે પોતાના ઘરમાં ચોરી કરી. ઘરની ચીજવસ્તુઓ લઈ જઈ વેચી નાખી.

       સાત મહિના વીતી ગયા. એના પર ખાતાકીય તપાસ થઈ. એમાં એનો ગુનો પુરવાર થયો અને એની નોકરી ગઈ. ઘરમાં લગભગ ભૂખે મરવા જેવી હાલત થઈ ગઈ. બધા સાથેના સંબંધો તૂટી ગયા. એવામાં કોઈએ એને નવજ્યોતિ ટ્રીટમેન્ટ સેન્ટર પર જવાનું સૂચવ્યું. એણે સારવાર લેવાની શરૂ કરી.

      પ્રકાશને થતું કે જો મારા કુટુંબે મારા બાળપણમાં મારી પ્રવૃતિઓ પર નજર રાખી હોત તો આ દિવસો ન આવ્યા હોત. હું જેને માટે લાયક નહોતો એવી સ્વતંત્રતા મને શા માટે આપી? મને એ સમયે કોઈકે સાચું માર્ગદર્શન આપવાની જરૂર હતી કે,

    'શિક્ષણથી જ તું કંઈક પ્રાપ્ત કરી શકીશ. મારા પિતાને મારી પર શંકા હતી પણ એમણે મને કદી રોક્યો નહીં, નહીંતર હું ન બગડ્યો હોત.'

     

એની પત્ની અને સાસરિયાઓએ લગ્ન તોડી નાખવાની ધમકી આપી પણ હવે ઘણું મોડું થયું હતું. એમણે આ બધું પહેલાં કરવાની જરૂર હતી, તો કુટુંબ પાયમાલીમાંથી બચી ગયું હોત.

      એના શિક્ષકોએ પણ થોડું ધ્યાન આપ્યું હોત અને એનાં ખોટાં કામોની એના મા-બાપને જાણ કરી હોત તો કેટલું સારું થાત! પણ એમના માટે શિક્ષણ એ એક ધંધો હતો. એમણે એણે સાચી સલાહ આપવાની જરૂર હતી. એના બદલે તેઓએ એના પતનનો માર્ગ મોકળો કરી દીધો. એટલે સુધી કે એના આચાર્યે એની સારી ચાલ-ચલગતનું સર્ટિફિકેટ પણ કાઢી આપ્યું.

       પોલીસ ટ્રેનિંગ દરમિયાન પણ નૈતિક અને આધ્યાત્મિક કેળવણી ફરજિયાત હોવી જોઈતી હતી. ઈન્સ્ટ્રકટર પોતાની ફરજ બજાવતો નહોતો. એક સારો પોલીસમેન બનવાને બદલે ટ્રેનિંગ દરમિયાન પણ એને બગડવાના વધારે રસ્તા મળ્યા.

       કેટલા બધા નિર્દોષ લોકો સાથે એણે કામ કરવાનું હતું ! સારું થયું એની નોકરી ગઈ. નહીંતર એના સ્વભાવે એ વધારે ગુનાખોરીની દુનિયામાં ઉતરી જાત. જે વાત એણે ટ્રેનિંગ દરમિયાન શીખવાની હતી એ વાત એ નોકરી છૂટી ગયા પછી શીખ્યો.

     કિરણ બેદી વિશે વિકિપિડિયા પર આ રહી.

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *