પ્રકાશસિંહ બી. રાઠોડ
નાના એવા ગામમાં ઉચ્ચ કુળનો છ વ્યક્તિનો પરિવાર રહે. ગામમાં મકાન નહીં, ખેતર વાડી પણ નહીં. પરિવાર નો મોભી ઉચ્ચ કુળની આબરુ ને લીધે ક્યાંય કામ કરવા જઈ શકે નહીં.આજથી પાંચ દાયકા પહેલાં ની આ વાત.બાળકોમાં ત્રણ ભાઈ અને એક બહેન, મારો નંબર ત્રીજો હું ત્યારે દશ વરસનો.
મેં ધોરણ ચોથું પાસ કર્યું, ત્યારે બા એ પિતાજી પાસે પ્રસ્તાવ મૂક્યો કે આપણે શહેરમાં રહેવા જતા રહીએ પરંતુ ગાંઠ માં મૂડી નહીં અને શહેરમાં જઈ શું કરીશું ? એવું પિતાજી પૂછે ત્યારે બા કહેતી અહીં ભૂખમરો વેઠવા કરતા ત્યાં શહેરમાં જઈ કંઈ કામ કરજો, ત્યાં આપણે કોઈ ઓળખતું નહીં હોય, તમને કામ કરવામાં વાંધો નહીં આવે.
અંતે પિતાજીએ તેના એક મિત્ર પાસેથી થોડા રૂપિયા ઉછીના લઇને અમને શહેર લાવ્યા. પચ્ચીસ રૂપિયા ભાડાની એક રૂમ રાખી,અમે બધા ભાઈ બહેન ખુબ હરખાયા.શહેરમાં બધું નવું નવું જાણે ખુબ મજા પડી. મેં ધોરણ પાંચથી ફરી ભણવાનું શરૂ કર્યું, પણ ગરીબાઈ કેડો છોડતી ન હતી. ઘરમાં ખાવાનું કંઈ ન હોય ક્યારેક ભાત કે ખીચડી ભાગે પડતી ખાઇ સુઇ જવાનું. મેં બા ને કહ્યું મારે ભણવું નથી હુ ક્યાંક કામે લાગી જાઉં બા એ ના પાડી પરંતુ છ માસિક ફી ભરવાના ચાલીસ પૈસા ન હતા. મેં મારો અભ્યાસ છોડ્યો અને કામ શોધવા નિકળ્યો. જેને પૂછું તે ના પાડે, તું હજુ બહું નાનો છે. અંતે એક હોટલ વાળા પાસે ફરતો ફરતો ગયો, મેં પૂછયું શેઠ કામ ઉપર રાખશો ? મને કહે પહેલાં ક્યાંય કામ કર્યું છે ? મારા જીવન ની શરૂઆતમાં હું પહેલી વાર ખોટું બોલ્યો....હા....! મને કહે ક્યાંં કામ કરતો હતો ? મને વાંચતા આવડતું હતું જેથી પહેલાં દિવસે જે હોટલ વાળા એ ના પાડી હતી તેનું નામ જણાવી દીધું. ઠીક છે.....મને કહે કાલથી આવી જજે. દોઢ રૂપિયો રોજ આપીશ, બીજા દિવસે કામ ઉપર પહોંચી ગયો, કામ તો કોઈ દિવસ કર્યુ ન હતું પરંતુ મારી કામ કરવાની ધગશ જોઇ શેઠે મન મનાવી લીધું કે છોકરો કામ શીખી જશે.
સવારે રૂમાલની અંદર એક રોટલો બાંધી ચડ્ડીના ખિસ્સામાં લઇ જાઉં. બપોરે ત્યાં ક્યારેક લુખ્ખો રોટલો અથવા ક્યારેક પાણી વાળા દૂધમાં ખાઈ લઉં ( દૂધ જો શેઠ જમવા ગયા હોય તો મુખ્ય કારીગર બનાવી આપે ). પરિસ્થિતિ એવી પિતાજી ને નોકરી નહીં, મોટાભાઇ પણ કંઈ કામ કરે નહીં. આખા પરિવારની જવાબદારી જાણે મારા ઉપર. દોઢ રૂપિયો સાંજે લઇને આવું તેમાંથી એક કિલો બાજરો લઈએ. રાત્રે જ દળાવીએ, તેમાંથી બા રોટલા બનાવે. લસણ વાળી ચટણી કોરી ( વઘારેલી નહીં) સાથે એ રોટલા ખાઇ સુઇ જઈએ. બે-બે મહિના સુધી શાક કેવું હોય જોયું નહોતું. એમ કરતા છ મહિના પસાર થઇ ગયા....અમારા ગામનાં એક જૈન જે શહેરમાં જ રહેતા હતા, તે પિતાજી ને ઓળખતા હતા. કહ્યું શું ચાલે બાપુ.....છોકરા શું કરે છે ? પિતાજી એ કહ્યું મારે નોકરી નથી, એક છોકરો હોટલ માં કામ કરવા જાય છે દોઢ રૂપિયા માં, તેમાં અમારૂ ગુજરાન જેમ તેમ ચાલે છે. તે વડીલ બોલ્યા : અરે બાપુ.....! હોટલ માં છોકરા ને કામે ન મોકલાય. મેં હમણાં જ નવું કારખાનું બનાવ્યું છે તેમાં તમારા બાળકને મોકલી દેજો. પિતાજીએ મને વાત કરી હું તો હરખાયો. હોટલ કરતા કારખાનામાં બેસીને તો કામ કરવા મળશે.
હોટલ છોડી કારખાનામાં કામ કરવા લાગ્યો. ત્યાં મને દોઢ ને બદલે અઢી રૂપિયા રોજ આપવામાં આવ્યું. મારા હરખનો કોઈ પાર નહીં......મોટાભાઇ ને પણ સમજાવી મારી સાથે કામ ઉપર લઇ ગયો, તેમને પણ અઢી રૂપિયામાં કામ ઉપર રાખી લીધા. આજુબાજુ માં છ નાના કારખાના હતા. શેઠે કહ્યું, તારા પિતાજી ને કહેજે આ છ કારખાના ની ચોકીદારી રાતનાં કરે. અમે દરેક મહિને પચ્ચીસ રૂપિયા આપશું તો દોઢસો થઈ જશે. હું મોટાભાઇ અને પિતાજી ત્રણેયનું કામ શરૂ થઈ ગયું. દરરોજની દશ રૂપિયાની આવક ચાલુ થઈ ગઈ.
એમ કરતાં દોઢ વરસ પસાર ગયું. એક દિવસ શેઠ હિસાબ કરતા'તા હું ત્યાં ઉભો હતો, હિસાબમાં મામુલી ભૂલ હતી. મેં તે ભૂલ બતાવી તો તેઓ ખુબ જ રાજી થઈ ગયા અને મને પાંચ રૂપિયા વાપરવા માટે આપ્યા. અને મને કહે તું ભણતો કેમ નથી ? મેં કહ્યું પરિસ્થિતિ જ એવી હતી ભણવું કેમ ? શેઠ બોલ્યા તારે ભણવું હોય તો ભણજે. તારો ભણવાનો બધો ખર્ચ, કપડાં વગેરે હું આપીશ અને અડધો દિવસ કામ ઉપર પણ આવજે. હું તો રાજીના રેડ થઈ ગયો. પગાર ઉપરાંતના પાંચ રૂપિયા બક્ષિસ ! પિતાજીએ કહ્યું તારે ભણવું ભણજે,નવું વર્ષ શરૂ થાય એટલે પાંચમાં ધોરણથી શરૂઆત કરજે. એમ કરતાં મારા અભ્યાસ ના બે વર્ષ બગડ્યા હતા. આ બાજું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું ને મેં ફરીથી અભ્યાસ શરૂ કર્યો. અને પિતાશ્રી ને ગવર્નમેન્ટ જોબ મળી ગઈ. પછી અડધો દિવસ કામ કરવા જતો અને અડધો દિવસ અભ્યાસ કરવા જતો.
માર્ચ'૮૦ માં s.s.c. પાસ કર્યુ, ત્યાં સુધી અડધો દિવસ કામ કર્યુ. ત્યારબાદ ધોરણ અગિયાર પાસ કર્યુ. પરંતુ વળી સંજોગોને આધીન ધોરણ બાર અધુરું છોડવું પડ્યું. પરંતુ ભાગ્યબળે હોટલમાં કામ કરતો એક બાળક દેશ અને વિદેશ પણ ફરી આવ્યો અને અનેક ચઢાવ ઉતાર વચ્ચે આજે આ મુકામ પર છે.
પ્રકાશસિંહ ભાઈ જમીન લે વેચનો ધંધો કરે છે અને વીમા કમ્પનીમાં એજન્ટ પણ છે.
evidyalay મા વાચી ખૂબ આનંદ થયો
વાહ, પ્રેરણાદાયી, ઘણું શીખવા જેવું. કારખાનાના શેઠ ખરે જ ઉદાર દિલના માણસ ?