- લતા હિરાણી
થોડા વખત પહેલાં હું કોલકાતાથી અમદાવાદ આવતી હતી. ફલાઈટમાં મારી આગળની સીટમાં એક યુવાન માતા એની ત્રણ કે ચાર મહિનાની બાળકી સાથે બેઠી હતી. ફલાઇટ જેવી ટેક ઓફ થઈ કે બાળકીએ રડવાનું શરૂ કર્યું. એ સામાન્ય રીતે કાનમાં પડી જતી ધાકને કારણે હોય છે. ડોકટર બાળકોને આને માટે દવા પણ આપતા હોય છે. આ માતાને ખબર નહીં હોય.
બાળકીનું રડવાનું સખત વધી ગયુ. અમે નિસહાયતા અનુભવતા હતા. અચાનક એ રડતી બંધ થઈ ગઈ. મેં જોયું કે એની મમ્મી એને કૈક કહી રહી હતી. જે હોય તે પણ અમને શાંતિ થઈ.
એ સ્ત્રી બાળક સાથે એકલી હતી એટલે એને મેં મદદ કરી અને પછી પૂછ્યું, તમે કેવી રીતે ગુડિયાને શાંત કરી ? કાંઈ દવા આપી હતી ?
અરે નહીં રે આંટી, ઇસે બાતેં સુનનેકી ઇટની આદત હૈ.. તો મૈને દો ઘંટ ઉસકે સાથ બાતેં ચાલુ રાખી તબ જા કે યે ચુપ રહી.
મારા માટે આશ્ચર્ય અને પરમ આનંદની વાત હતી કે એક 3-4 મહિનાની બાળકી જે હજુ તો ભાષા કે કશું સમજતી નથી પણ એને માના અવાજ સાથે કેટલો લગાવ હશે કે એ બે કલાક એના કાનની તકલીફને ભૂલી ગઈ !
સાથે સાથે એ માતાને પણ સલામ. બાળક સાથે અનુસંધાન અને તેય આટલું મજબૂત એ સહેલી વાત નથી. પ્રેમ તો બધે જ હોય પણ આટલી સમજ અને નિસ્બતને મેં હૃદયથી સલામ કરી.