તહેવાર ભલે હોય વિદેશનો,
મૈત્રીનો વહેવાર તો છે દરેક દેશનો.
ઐતિહાસિક મૈત્રીના દાખલા ઘણા છે. જેમાં સજાતીય મૈત્રી તો ઘણી છે જ પણ વિજાતીય મૈત્રીનું ઉત્તમ ઉદાહરણ એટલે કૃષ્ણ-દ્રૌપદી. આ અહીં યાદ કરવાનો હેતુ ફક્ત એક જ કે વિશુદ્ધ મૈત્રી કોઈપણ પાત્રો વચ્ચે સંભવી શકે છે. એમાં જાતિ કરતાં આત્મીયતા વધુ ભાગ ભજવે છે. બાકી મારે તો આજના યુગની મૈત્રીની વાત કરવી છે.
મૈત્રીનો મતલબ જ એ કે એમાં કોઈ મતલબ નથી હોતો. એમાં તો હોય છે લાગણીનો દરિયો. અને જિંદગીમાં મિત્રોથી વધુ કોઈ પાત્ર(જીવનસાથી પણ ભાગ્યે જ વિરલ કિસ્સામાં મિત્રો બની શકે.) એવું નથી હોતું જ્યાં તમે જેવા છો તેવા રહી શકો.
સત્ય જેવું છે તેવું સામે આવે એને 'નગ્ન સત્ય' કહેવાય છે તેમ સાચા અને સારા મિત્રો અમુક જ મળે જેની સામે જેવા હોઈએ તેવા રહી શકીએ. શરીરથી નહીં મનથી જાત જેવી હોય તેવી-નગ્ન સત્ય જેમ જ્યાં જીવાય અને તો પણ એ દિલ ફાડીને સ્વીકાર થાય. અને ગમે તેવા સમયે, ગમે તે સમયે, ગમે તેમ એક સાદ કરી હકથી સાથ મેળવી શકાય એ 'મૈત્રી'. એમાં સજાતીય કે વિજાતીય કે અન્ય કોઈ વિભાગ કે નામની જરૂર હોતી નથી.
આજની યુવાપેઢી એ બાબતે બહુ પરિપકવ અને સ્પષ્ટ છે. એમની વિશુદ્ધ મૈત્રીમાં એક ઉત્તમતા છે. એ પણ કારણ હોઈ શકે કે આજે નાના તેમજ વિભક્ત કુટુંબના કારણે મૈત્રી સંબંધ વધુ જરૂરી અને નજીકના થયા. પણ આમાં ફેસબુકના ઢગલાબંધ સિમ્બોલિયા મિત્રોનો સમાવેશ નથી કરવો. હા, એમાંથી આત્માને સ્પર્શી જનાર એક-બે મિત્રો મળી શકે જે દૂર રહીને પણ મિત્રતાના તમામ સંબંધમાં નજીક હોય! બાકી તો 'લાઇક' અને 'શૉ' લિસ્ટ હોઈ શકે.
આપણે એ પારકું મૂકીએ એકબાજુ ને પોતાનું હોય જે 'નગ્ન સત્ય' જેવી લાગણીથી જોડાયેલું હોય એની ઉંમર, નાત, જાત, રૂપરંગ કે રૂપિયો જોયા વિના બસ દિલની 'મૈત્રી' જોઈએ.
અને આજે જ આ વાત ધ્યાને લઈએ કે વર્ષે એકવાર આ બધા 'ડેઝ' ઉજવવા એ તો આજે ટ્રેન્ડ થઈ ગયો એટલે આજે બધા જોશે, વાચશે એમ માની પોસ્ટ લખીએ બાકી આત્મીય સંબંધો જેવી અને ગાળો દઈને કે મનથી ઉઘાડાં થઈ જેવા છીએ તેવા જ્યાં રહી શકાતું હોય ત્યાં મૈત્રી માટે રોજ ઉજવણી જ હોય ને?
બાકી 'મૈત્રી' એ મૂક રહી ગજવી શકાય એવું સ્ટેજ છે. અને 'મૈત્રીભાવ' એ સંપર્કમાં આવતા તમામ મનુષ્યને મિત્રભાવે જોઈ વસુંધરાને શાંતિ માર્ગે લઈ જવાનું શિખર છે!
'મૈત્રી' જીવંત રાખીએ,
મૈત્રીભાવ નીભાવીએ
વૈશાલી રાડિયા
જામનગર