વેરાન મારગે

ડો. ભારતી બોરાડ

ગુરૂ અને શિષ્ય પગપાળા પ્રદેશ ભ્રમણ કરતાં હતાં . સાથે સામાનમાં જરૂરી ચીજોનું એક પોટલું . બસ , બાકી અલખ નિરંજન !
ભ્રમણમાં તો ગામ આવે , શહેર આવે . નદી , તળાવ , ને ડુંગરા આવે . લીલાં - સૂક્કા ખેતર , વગડા ને સાવ વેરાન સ્થળ પણ આવે .
આવા જ એક મોટાં વેરાન સ્થળમાં બેઉ અટવાયા . ન કોઈ મારગ , ન માણસ કે ન અન્ય જીવ જંતુઓ દશ્યમાન થાય . ન પાણીનો કોઈ સ્ત્રોત , ન કોઈ વનસ્પતિ . અરે , ઊચે આભે કોઈ પંખીનો ઓછાયો પણ નહી . બસ , રેતી સિવાય કૈ નહી . તેમાં કોઈના પગલાના નિશાન પણ નહી . વેરાન એટલે સાવ જ વેરાન !
બે દિવસ થયાં . ચાર દિવસ થયાં . છ દિવસ થયાં .સાથે રાખેલું પીવાનું પાણી , થોડાં ફળ ખલાસ .
ગુરૂ શિષ્યને ભૂખ - તરસ સામે લડવાના યોગ શિખવે . શિષ્યને આશાવાદી બનાવે .

ચિંતા તો ગુરૂને પણ થવા લાગી .પોતાની નહીં , પરંતુ શિષ્યની .ખાણું તો ઠીક . પાણીનું શું ? તેના માટે પાછાં ફરવાનો વિચાર કરે . વળી માંડી વાળે .
બોલવામાં શક્તિ વેડફાય નહીં તેથી બેઉએ મૌન ધારણ કર્યું .
આગળ ચાલતાં ચાલતાં એક દિવસ અચાનક તેમને એક પીંછું જોવા મળ્યું . ગુરૂ થોભ્યા . પીંછું હાથ લીધું . આસપાસ , ઉપરનીચે નજર કરી . શિષ્યને આગળ ચાલવા ઈશારો કર્યો .
ગુરૂ આજ્ઞા શિરોમાન્ય રાખી શિષ્યએ ભ્રમણને ભ્રમિત ન થવા દીધું .
થોડું આગળ ચાલતાં તેવું જ બીજું પીંછું નજરે પડ્યું .
ગુરૂના પગમાં જોર આવ્યું . શિષ્યને જોમ આપ્યું .
ચાર દિવસ પછી તેઓ સુરક્ષિત સ્થળે હતાં .
શક્તિહ્રાસ થયેલું શરીર બે દિવસ બાદ સામાન્ય થતાં શિષ્યને વાચા ફૂટી . કહે " ગુરૂજી ! બીજું પીછું મળ્યું ત્યારે ખાનપાન વગરનાં તમારાં શરીરમાં ખુશી સાથે બમણો વેગ આવ્યો . તમને કેમ ખબર કે હવે આગળ જીવન છે ? "
ગુરૂ મલક્યા . પરંતુ જવાબ કૈ સીધો થોડો આપે ? ગુરૂને તો શિષ્યને તર્કશાસ્ત્ર , અનુમાનશાસ્ત્ર દ્વારા જીવનની , ધરતીની કેટલીય વિટંબણાઓમાં માર્ગ શોધતાં શિખવવાનું હોય . તેથી શિષ્યને જવાબને બદલે વળતાં સવાલ આવ્યાં .
ગુરૂ :- " પીછું શું દર્શાવે છે ?
શિષ્ય : - ઊડતાં પંખીની હાજરી .
ગુરૂ :- ઊડતાં પંખી ક્યાં જોવા મળે ?
શિષ્ય :- જ્યાં તેનો ખોરાક અને રહેઠાણ સુરક્ષિત હોય ત્યાં . અર્થાત્ ઝાડ - વાડ !
ગુરૂ :- ઝાડ - વાડ ક્યાં હોય ?
શિષ્ય :- જ્યાં પાણી હોય ત્યાં .
શિષ્યને મગજમાં ઝબકારો થયો . જાણે સંતોષ અને આનંદનો મુશાયરો થયો . પોતે યોગ્ય ગુરૂ સાથે યોગ્ય દિશામાં છે તે અમૃત તૃપ્તિ સાથે ગુરૂ વંદના કરી ધન્યતા અનુભવી .
ગુરૂએ હળવેથી એ પીંછું શિષ્યના હાથમાં મૂક્યું .
શિષ્ય આજીવન પીંછાંનાં માર્ગને અનુસરી રહ્યો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *