નાની લીટી-મોટી લીટીની વાત હું બાળકોને સમજાવી રહી હતી.
મારી બાળકીએ પૂછ્યું પણ લીટી કાપવી એટલે શું? કેવી રીતે ખબર પડે કે મેં લીટી કાપી? મેં લીટી મોટી કરી?
---
- જ્યારે આપણે બીજાની વાતને તોડી પાડીએ, (બીજાની વાતનો દ્રષ્ટિકોણ સમજવાની અણઆવડત)
- જ્યારે આપણે કોઇ બે જણ વાત કરતા હોઇએ અને વચમાં બોલીએ, (પોતાને વધારે જાણકારી છે અને વધુ હોંશિયારી છે એવું પ્રદર્શન)
- જ્યારે આપણે બીજાને તેઓ કેવી રીતે ખોટા કે ખરાબ છે એ બોલીએ, (સંવાદકળાનો અભાવ)
- જ્યારે આપણે પોતે જે કરીએ છીએ કે કરી રહ્યા છીએ એ જ યોગ્ય છે એવું જુદી જુદી રીતે સાબિત કરવાની કોશિષ કરીએ (સ્વ-અધ્ય્યનમાં શૂન્ય)
- જ્યારે આપણે કાળજીની આડમાં સામેની વ્યક્તિને કંટ્રોલ કરીએ (હઠાગ્રહને કાળજીનું પેકેજીંગ)
જે લોકોમાં ઉપરના એક કે વધુ અવગુણ હોય તેઓ અજાણતા પણ પોતાની લીટી મોટી બતાવવા બીજાની લીટી સતત કાપતા હોય છે.
તો પોતાની લીટી મોટી કેવી રીતે કરવી?
- જ્યારે આપણે સામેની વ્યક્તિની વાતને સાંભળીને એની લાગણીને સમજી શકીએ કે સ્વીકારી શકીએ અને એ પછી જે યોગ્ય-અયોગ્યનો વિચાર કરીને યોગ્ય સંવાદ કેળવી શકીએ.
- જ્યારે આપણે સતત બીજાના સારા ગુણને પ્રોત્સાહિત કરીએ છીએ. (અપકારનો બદલો પણ ઉપકારથી વાળીએ છીએ)
- જ્યારે આપણે બીજાની ભૂલને સરળતાથી માફ કરી શકીએ છીએ (આંતરિક પ્રકાશ અને સાચી સમજણ તથા બહુ હિંમતથી આમ થઇ શકે)
- જ્યારે આપણે પોતાની ભૂલને સ્વીકારીને સુધારી શકીએ છીએ. (સ્વઅધ્યયન જેનો સ્વભાવ છે)
- જ્યારે આપણે પોતાના વિચાર, વાણી અને વર્તનમાં બહુ સંયમી અને સ્પ્ષ્ટ હોઇએ છીએ. (બીજા પ્રત્યેની આપણો સમય , શક્તિની મર્યાદા આપણને બીજાની લીટી નાની કરતા રોકે છે)
ખબર કેવી રીતે પડે?
જો કોઇને એક જ ્સરખી વાત પર અનેક વાર મનદુઃખ થતું હોય તો તેઓ પોતાની ભૂલ માટે બેકાળજી કરે છે અને સતત બીજાની લીટીને જ કાપવાની પ્રેક્ટિસ કરે છે.
જે લોકો સતત પોતાના વિચાર, વાણી અને વર્તન એકરુપ રહે એવા પ્રયત્નો કરે છે. તેઓ પોતાની લીટીને મોટા કરવાના પ્રયત્નોમાં છે.
બીજાની લાગણીનો સ્વીકાર કે તિરસ્કાર સંબંધની મજબૂતાઇ પર સીધી અસર કરે છે)
અંદરથી સતત પ્રભુનો આભાર માનતા અને ખુશ રહેતા લોકો સરળતાથી પોતાની લીટી સતત મોટી કરી શકે છે)
જગતમાં આવા લોકોને બધેથી આદર સત્કાર મળે છે.
આ મહિનાનું અમારા ઘરનું હોમવર્ક. જોઇએ કોણ જીતે છે. કોને કેટલા પોઇન્ટ્સ મળે છે? કોણ અમારા ઘરમાં સુપર પાવર ધરાવે છે?
દરેક મહિને અમે અમુક ગુણ કેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
ન્યુરોસયન્સની રીતે કે આદ્યાત્મિક ગણિતની દ્રષ્ટિએ કોઇ પણ આદત કેળવવા ૨૧ દિવસનો સતત મહાવરો અનિવાર્ય છે.
તમારા ઘરમાં કોણ સુપર પાવર ધરાવે છે?
આપણું ધ્યેય એ જ છે કે ઘરના દરેકનો સુપર પાવર વધે. દરેક જણ પોતાની લીટી મોટી કરવાની ક્ષમતા વધારી શકે.
દરેકને સતત પ્રોત્સાહિત કરવા અને દરેક નાની જીત માટે શાબાશી આપવાનું ચૂકશો નહિ.
શરુઆત આપણાથી જ કરવી પડશે.